New Delhi, તા.17
આઈપીએલના નવા સીઝનમાં હૈદરાબાદ ટીમ માટે ફરી એક વખત ઇતિહાસ રચવાની સારો મોકો ઊભો થયો છે. ટીમનું સંતુલન મજબૂત દેખાઈ રહ્યું છે.ટીમના મુખ્ય ખેલાડી પેટ કમિન્સ મોડા જોડાશે તેવી શક્યતા છે.
તેમની ગેરહાજરીને ધ્યાનમાં રાખીને ટીમ મેનેજમેન્ટે નવા નેતૃત્વ પર વિચારવાનું શરૂ કર્યું છે. સૂત્રો અનુસાર, યુવા અને પ્રતિભાશાળી ખેલાડી અભિષેકને કેપ્ટન તરીકે નિમવાની ચર્ચા ચાલી રહી છે.
અભિષેકે છેલ્લા સીઝનમાં પોતાની બેટિંગ અને ઓલરાઉન્ડ પ્રદર્શનથી સૌનું ધ્યાન ખેંચ્યું હતું. તેમની આક્રમક રમતશૈલી અને મેદાન પરની સમજને કારણે તેઓ ટીમને સારી રીતે નેતૃત્વ આપી શકે તેવી આશા છે.
એક સમયની ચેમ્પિયન સનરાઇઝર્સ હૈદરાબાદ આગામી ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) સીઝનમાં કઠિન પડકારનો સામનો કરી રહી છે. 2016માં ચેન્નાઈ સુપર કિંગ્સને હરાવીને ટાઇટલ જીતનાર આ ટીમ બે વર્ષ પહેલાં ફરીથી ટ્રોફી જીતવાની નજીક પહોંચી હતી પરંતુ તેને જીતવામાં નિષ્ફળ રહી.
ટીમ 28 માર્ચે ડિફેન્ડિંગ ચેમ્પિયન, રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર સામે તેના અભિયાનની શરૂઆત કરશે. હવે જ્યારે તેમની પાસે ટ્રેવિસ હેડ અને અભિષેક શર્માની સૌથી ખતરનાક ઓપનિંગ જોડી, કેટલાક અન્ય મજબૂત ખેલાડીઓ સાથે છે, ચાહકોને આશા છે કે આ વખતે ટીમ તેના દસ વર્ષના ટાઇટલ દુષ્કાળનો અંત લાવી શકશે.
ભૂતપૂર્વ બેટિંગ દિગ્ગજ ચેતેશ્વર પૂજારા પણ માને છે કે આ જોડી, ઘણા પાવર હિટર્સની સાથે, મજબૂત બેટિંગ લાઇન-અપ ધરાવે છે. ટીમમાં ઇશાન કિશન, લિયામ લિવિંગસ્ટોન, નીતિશ કુમાર રેડ્ડી અને હેનરિક ક્લાસેન જેવા શક્તિશાળી બેટ્સમેન પણ છે.
પૂજારાએ વાતચીતમાં કહ્યું કે ટીમ તેના દિવસે 275 સુધીનો સ્કોર બનાવી શકે છે અને કોઈપણ વિરોધી ટીમને હરાવી શકે છે. લીગ શરૂ થાય તે પહેલાં તેમણે ટીમની મજબૂત બેટિંગ લાઇન-અપની પ્રશંસા કરી. તેમના મતે, હેડ અને અભિષેકની જોડી રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની જૂની ઓપનિંગ જોડી વિરાટ કોહલી અને ક્રિસ ગેલ કરતાં પણ વધુ ખતરનાક છે.
પૂજારાએ કહ્યું, “હેડ અને અભિષેકના કારણે જ ટીમ છેલ્લા કેટલાક સિઝનમાં સતત 250 રનનો આંકડો પાર કરી શકી છે. જ્યારે તમે બીજી આક્રમક જોડી વિશે વિચારો છો, ત્યારે વિરાટ કોહલી અને ક્રિસ ગેલનું નામ પહેલા આવે છે. જોકે, આ બંનેએ પોતાને વધુ આક્રમક સાબિત કર્યા છે. જોકે, પૂજારાએ ટીમમાં એક મોટી નબળાઈ પર પણ પ્રકાશ પાડ્યો.
તેમણે કહ્યું, “હૈદરાબાદની ટીમ વિસ્ફોટક બેટિંગથી ઘરઆંગણે મોટો સ્કોર કરી શકે છે, પરંતુ વિરોધી ટીમ સામે તેમનો રેકોર્ડ ઘણો ખરાબ છે. જ્યારે તેઓ અન્ય ટીમો ના મેદાનમાં રમે છે, ત્યારે તેમનો આક્રમકતા નિષ્ફળ જાય છે.” તેમણે કહ્યું, “આનું કારણ એ છે કે બધી ટીમો જાણે છે કે હૈદરાબાદના બેટ્સમેન મોટો સ્કોર કરે છે.
હેડ, અભિષેક અને ક્લાસેન મુખ્ય બેટ્સમેન છે.એકવાર તેઓ આઉટ થઈ જાય છે, ત્યારે ટીમ મુશ્કેલીમાં મુકાઈ જાય છે. વિરોધી ટીમ તેમને મોટો સ્કોર કરતા અટકાવે છે. જો તેઓ ફરીથી ટાઇટલ જીતવા માંગતા હોય, તો તેમણે આ નબળાઈને દૂર કરવી પડશે.”
મુંબઈ ઈન્ડિયન્સે પ્રેકિ્ટસ સેશન શરૂ કર્યું
મુંબઈઃ પાંચ વખતની ચેમ્પિયન મુંબઈ ઈન્ડિયન્સે 28 માર્ચથી શરૂ થનારી આઈપીએલ માટે સોમવારે પ્રેકિ્ટસ શરૂ કરી. પહેલા ગ્રુપમાં શાર્દુલ ઠાકુર, મયંક માર્કંડે, અલ્લાહ ગઝનફર, નમન ધીર, રાજા અંગદ બાવા, રોબિન મિંઝ, રઘુ શર્મા, મયંક રાવત, દાનિશ માલેવાર, મોહમ્મદ ઇઝહર અને અશ્વની કુમારનો સમાવેશ થાય છે.
મુંબઈ 29 માર્ચે વાનખેડે સ્ટેડિયમ ખાતે કોલકાતા નાઈટ રાઇડર્સ સામે પોતાની પહેલી મેચ રમશે. રોહિત શર્મા, જસપ્રીત બુમરાહ અને કેપ્ટન હાર્દિક પંડ્યા આગામી દિવસોમાં કેમ્પમાં જોડાશે.
મુંબઈના મુખ્ય કોચ માહેલા જયવર્ધનેએ કહ્યું, “પ્રી-સીઝન કેમ્પનો પહેલો દિવસ હંમેશા ખાસ હોય છે. અમારી પાસે એવા ખેલાડીઓ છે જે લાંબા સમયથી મુંબઈ ઈન્ડિયન્સ સાથે રહ્યા છે અને કેટલાક નવા ચહેરાઓ પણ છે.”
ચિન્નાસ્વામી ખાતે મેચોનું આયોજન કરવાની મંજૂરી
બેંગલુરૂઃ કર્ણાટક સરકારે સોમવારે કર્ણાટક સ્ટેટ ક્રિકેટ એસોસિએશન (KSCA) અને રોયલ ચેલેન્જર્સ બેંગલુરૂ (RCB) ને આ વર્ષની ઇન્ડિયન પ્રીમિયર લીગ મેચ ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં યોજવા માટે ઔપચારિક મંજૂરી આપી દીધી છે, જે ગયા વર્ષે RCB ના ચેમ્પિયનના ઉજવણી દરમિયાન થયેલી ભાગદોડનું સ્થળ હતું.

