Curacao,તા.21
ફૂટબોલની દુનિયામાં મંગળવારનો દિવસ ઐતિહાસિક રહ્યો હતો. અમદાવાદના એક વિસ્તાર કરતાં પણ ઓછી વસતી ધરાવતા દેશ કુરાકાએ ફિફા વર્લ્ડકપમાં એન્ટ્રી મારી લીધી છે. માત્ર 1.57 લાખની વસતી વાળો આ દેશ હવે વર્લ્ડ કપ રમનારો વિશ્વનો સૌથી ઓછી વસતી ધરાવતો દેશ બની ગયો છે. અગાઉ આ રૅકોર્ડ આઇસલૅન્ડના નામે હતો, જેની વસતી 2018માં લગભગ 3.3 લાખ હતી.
ભારતના મોટા શહેરોની તુલના કરીએ તો આ સિદ્ધિ વધુ ચોંકાવનારી છે. નોઇડાની વસતી લગભગ 10 લાખ છે, જે કુરાકાઓ કરતાં લગભગ 10 ગણી વધારે છે. અહીં સુધી કે, દિલ્હીનો એક મોટો વિસ્તાર લાજપત નગર જેની વસતી લગભગ 1.50 છે, તે પણ કુરાકાઓની બરાબર છે. આનો અર્થ એ છે કે આ આખો દેશ દિલ્હીના એક મહોલ્લા જેટલી વસતી ધરાવે છે. તેમ છતાં FIFA રેન્કિંગમાં 82મા ક્રમે રહેલા કુરાકાઓએ વિશ્વના સૌથી મોટા ફૂટબોલ મંચ સુધી પહોંચવાની સિદ્ધિ હાંસલ કરી છે.
કુરાકાઓના નાના કેરેબિયન ટાપુએ કિંગ્સ્ટનમાં જમૈકા સામે 0-0થી ડ્રો કરીને 2026 ફિફા વર્લ્ડ કપમાં એન્ટ્રી મારી લીધી, જે વર્લ્ડ કપ માટે ક્વોલિફાય કરનાર ઈતિહાસનો સૌથી નાનો દેશ બન્યો.
બીજી ગ્રૂપ મેચોમાં પનામાએ 3-0થી એલ સાલ્વાડોરને હરાવીને પોતાની બીજી વર્લ્ડ કપ ટિકિટ હાંસલ કરી લીધી છે. બીજી તરફ સુરિનામને ગ્વાટેમાલા સામે 3-1ની હારના કારણે સીધા ક્વોલિફાય કરતા અટકાવ્યા, પરંતુ તેઓ પ્લેઓફમાં પહોંચી ગયા. કુરાકાઓ હવે તેમના ગ્રુપ સ્ટેજના પ્રતિસ્પર્ધીની રાહ જોશે. ડ્રો 5 ડિસેમ્બરે વોશિંગ્ટન ડીસીમાં થશે.
કુરાકાઓની સિદ્ધિ ભારત માટે પણ ઘણા સવાલો ઊભા કરે છે. જ્યારે કુરાકાઓ જેવો નાનો દેશ વર્લ્ડ કપમાં સ્થાન બનાવી રહ્યો છે, ત્યારે 135 કરોડની વસતી ધરાવતો ભારત હજુ સુધી ફિફા વર્લ્ડ કપ માટે ક્વોલિફાય નથી થયો. ઓછી વસતી, મર્યાદિત સંસાધનો અને અપૂરતી માળખાગત સુવિધા હોવા છતાં કુરાકાઓએ દેખાડી દીધું ક્ષમતા, યોજના અને આત્મવિશ્વાસ મોટા દેશોને પણ પાછળ છોડી શકે છે.

