Washington, તા.25
અમેરિકાની સુરક્ષા અને જાસૂસી સંસ્થાઓના કમ્પ્યુટર નેટવર્કમાં મોટી સાયબર ઘૂસણખોરી સામે આવી છે. હેકરોએ અમેરિકાની મુખ્ય જાસૂસી સંસ્થા CIA, ODNI અને NGA ની એક સિસ્ટમને નિશાન બનાવી છે.
આ સિસ્ટમમાં ઈન્ટરનેટ, સેટેલાઇટ અને ખાનગી કંપનીઓ પાસેથી મળતી સામાન્ય (ઓપન-સોર્સ) માહિતી ભેગી કરવામાં આવતી હતી. અમેરિકી અધિકારીઓએ સ્પષ્ટ કર્યું છે કે આ હુમલામાં દેશની કોઈ પણ અત્યંત ગુપ્ત માહિતી લીક થઈ નથી અને સિસ્ટમની ખામીને સુધારી લેવામાં આવી છે.
તપાસ કરતી એજન્સીઓને આ હુમલા પાછળ ચીનનો હાથ હોવાની શંકા છે. શરૂઆતની તપાસમાં જાણવા મળ્યું છે કે હેકરોએ ‘આર્ટેક્સ’ નામના એક AI ટૂલનો ઉપયોગ કર્યો છે, જેને એક ચીની એન્જિનિયરે બનાવ્યું હતું.
આ ટૂલ સુરક્ષા વધારવા માટે બનાવાયું હતું, પરંતુ હેકરો તેનો ખોટો ઉપયોગ કરીને દુનિયાભરની કંપનીઓ પર હુમલા કરી રહ્યા છે. જોકે, હજુ સુધી ચીન સામે કોઈ પાક્કા પુરાવા મળ્યા નથી અને ચીન હંમેશા આવા આરોપોને નકારતું આવ્યું છે.
છેલ્લા થોડા અઠવાડિયામાં અમેરિકામાં સાયબર હુમલા અને ટેકનિકલ ખામીઓના ઘણા બનાવો બન્યા છે. થોડા દિવસ પહેલા જ FBI ના ગુનેગારોની માહિતી રાખતા ડેટાબેઝમાં પણ હેકિંગ થયું હતું, જેની ખુદ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પુષ્ટિ કરી હતી.
આ ઉપરાંત, કૃષિ વિભાગની સિસ્ટમ પર પણ હુમલો થયો હતો. બીજી તરફ, NSA નું નેટવર્ક, વિમાનોનું સંચાલન કરતી સિસ્ટમ, માઈક્રોસોફ્ટ અને મોટી બેંકોની સેવાઓ પણ ટેકનિકલ ખામીને કારણે થોડા સમય માટે બંધ પડી હતી.
નેશનલ ઈન્ટેલિજન્સના ડિરેક્ટર જે ક્લેટને સ્પષ્ટતા કરી છે કે તમામ ટેકનિકલ અવરોધો સાયબર હુમલા નથી. તેમના મતે, હેકરો પાસે હવે અત્યંત એડવાન્સ AI ટૂલ્સ હોવાથી સુરક્ષા એજન્સીઓ અને કંપનીઓ પોતાની સિસ્ટમને ઝડપથી અપગ્રેડ અને ‘પેચ’ એટલે કે સુધારો કરવાની દોડમાં છે.
આ ઉતાવળમાં થતા સોફ્ટવેર અપડેટ્સની ભૂલોને કારણે ઘણી વખત NSA કે એર ટ્રાફિક કંટ્રોલ જેવી મહત્વપૂર્ણ સેવાઓ ખોરવાઈ રહી છે, જેને સામાન્ય જનતા સાયબર હુમલો માની લે છે.

