Surendranagar,તા.૧૦
પ્રાઇવેટ નોકરી કરનારા ૪૫ વર્ષીય હિમંત પંડ્યા નામના વ્યક્તિની છરી, ધારીયા, લોખંડના પાઇપ તેમજ લાકડીઓ સહિતના હથિયાર વડે હુમલો કરી સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા ખાતે વાસુકી નગર હોળીધાર વિસ્તારમાં હત્યા કરી હોવાનો બનાવ સામે આવ્યો છે. સમગ્ર મામલે મૃતકના ૫૨ વર્ષીય મોટાભાઈ પ્રકાશ પંડ્યા દ્વારા પાડોશમાં રહેતા નરેશ અઘારા તેમજ તેના ભાઈ ગિરધર અઘારા કૌટુંબિક મુકેશ અઘારા તેમજ નરેશના બંને પુત્રો રાજન અને ઉમંગ અઘારા વિરુદ્ધ સાયલા પોલીસ સ્ટેશન ખાતે બીએનએસની કલમ ૧૦૩(૧), ૧૧૫(૨), ૬૧(૨), ૩૫૨, ૧૯૦, ૧૯૧(૨) સહિતની કલમ હેઠળ ગુનો નોંધાવતા પોલીસ દ્વારા જુદી જુદી ટીમ બનાવી આરોપીઓની શોધખોળ શરૂ કરવામાં આવી છે.
પોલીસને આપેલી ફરિયાદમાં મંડપ સર્વિસના વ્યવસાય સાથે સંકળાયેલા પ્રકાશ પંડ્યા દ્વારા જણાવવામાં આવ્યું છે કે, ૧૯ જાન્યુઆરી ૨૦૨૫ ના રોજ નરેશ અઘારાની દીકરીના લગ્ન હતા. તેમજ ૬ ફેબ્રુઆરી ૨૦૨૫ ના રોજ મારી દીકરી ઉર્વશીના લગ્ન પ્રસંગ હતો. જે ખૂબ ધામધૂમપૂર્વક કરવામાં આવ્યા હતા. જે બાબત ઉમંગ અઘારાને સારી નહીં લાગતા તેમને ઈર્ષા થઈ હતી જેના કારણે તેણે પોતાના મિત્ર આકાશ મકવાણાના મોબાઈલમાંથી મારા દીકરા ગુંજનના મોબાઈલ ફોનમાં અમારા પરિવાર વિશે ખરાબ મેસેજ મોકલ્યા હતા. તેમજ ઈર્ષાવાળા સ્ટેટસ પણ રાખેલ હતા. જે સ્ટેટસ મુકવા બાબતે તેમજ મેસેજ મોકલવા બાબતે પ્રકાશ પંડ્યા દ્વારા નરેશ અઘારાના ઘરે જઈ ઠપકો આપતા તે બાબતનું મન દુઃખ રાખીને આરોપીઓ દ્વારા એક સંપ કરીને જુદા જુદા હથિયારો વડે હિંમતભાઈ પંડ્યાને જીવલેણ ઘા ઝીંકીને હત્યા કરવામાં આવી હોવાનો બનાવ સામે આવ્યો છે.
પોલીસમાં આપેલી ફરિયાદમાં પ્રકાશ પંડ્યાએ જણાવ્યું છે કે, મારા દીકરા ગુંજને આકાશભાઈને ફોન કરીને કહ્યું હતું કે શા માટે તમે અમારા પરિવાર વિશે આવા મેસેજ કરો છો અને ઈર્ષાવાળા સ્ટેટસ રાખો છો. પછી આકાશે કહ્યું હતું કે મારા ફોનમાંથી ઉમંગ મેસેજ કરે છે તેમજ સ્ટેટસ મેં નથી રાખેલા. ત્યારે રવિવારના રોજ ૮ઃ૩૦ વાગ્યાના અરસામાં પ્રકાશ પંડ્યા નરેશભાઈ ના ઘરે જઈને ઠપકો આપવા ગયા હતા. તેમજ કહ્યું હતું કે તમારો દીકરો ઉમંગ અમારા દીકરાને મોબાઇલમાં અમારા પરિવાર વિશે ખરાબ મેસેજ કરે છે. તેમજ ઈર્ષા વાળા સ્ટેટસ રાખે છે તો તમે તેને સમજાવો.
ત્યારે રવિવારના રોજ બપોરના સમયે પ્રકાશ પંડ્યા પોતાના પરિવારના સભ્યો સાથે દુકાનમાં કામકાજ કરતા હતા. તે દરમિયાન પોતાના ઘરની બહાર પોતાના નાનાભાઈ હિંમત પંડ્યા સાથે નરેશ અઘારા, ગિરધર અઘારા, મુકેશ અઘારા તેમજ રાજન અઘારા અને ઉમંગ અઘારા સહિતના ઝપાઝપી કરતા હતા. તેમજ તેમને માર મારતા હતા. ત્યારબાદ અમે પરિવારના સભ્યો તેમજ આડોશ પાડોશના લોકો વચ્ચે પડતા તે બધા વ્યક્તિઓ પોતપોતાના હથિયાર લઈને જતા રહ્યા હતા. ત્યારબાદ ૧૦૮ દ્વારા મારા ભાઈને સરકારી દવાખાને ખસેડવામાં આવતા ફરજ પરના તબીબે તેમને મરણ ગયેલ જાહેર કર્યા હતા.બનાવ સંદર્ભે ઇન્વેસ્ટીગેશન ઓફિસર આર. જે. ગોહિલના જણાવ્યા અનુસાર આરોપીઓ તેમજ મરણ જનાર એક જ જ્ઞાતિના છે. આરોપીઓને શોધવા માટે જુદી જુદી ટીમ કાર્યરત છે. ટેકનિકલ સર્વેલંસ તેમજ હ્યુમન ઈન્ટેલિજન્સના માધ્યમથી તેમની શોધખોળ ચાલી રહી છે. બનાવ સંદર્ભે મૃતકનું ફોરેન્સિક પીએમ રાજકોટ ખાતે કરવામાં આવેલ છે.