Junagadh,તા.૩૦
ગીર જંગલમાં ખુમારી અને અસલ અદા ભર્યા એક દશકા કરતા પણ વધારેના શાસનનો આજે જયના મોત બાદ અંત આવ્યો છે. ગીર જંગલમાં સૌથી મોટા વિસ્તારમાં દબદબો ધરાવતા જય અને વીરુ નામના બે નર સિંહ અલગ-અલગ ઇન્ફાઇટમાં ઘાયલ થયા હતા. જેમાં ૧૨મી જૂને વીરુનું મોત થયું હતું તો ૨૯મી જુલાઈના દિવસે લાંબી સારવાર બાદ જયનું પણ મોત થતા સિંહ પ્રેમીઓમાં ધેરા શોકની લાગણી પ્રસરી ગઈ છે.
એક દસકા ના શાસનનો જયના મોત બાદ અંતઃ ગીર કે જેના સિંહને માલધારીઓ અને પ્રવાસીઓની સાથે સિંહ પ્રેમીઓ અને વન વિભાગના અધિકારીઓ નામથી ઓળખતા હતા. આવી જ એક પ્રખ્યાત જય અને વીરુ નર સિંહની જોડી જેણે એક દસકા કરતા પણ વધારે સમય સુધી ગીર વિસ્તારના સૌથી લાંબા વિસ્તાર પર દબદબા ભર્યા શાસનનો આજે જય ના મોત બાદ અંત આવ્યો છે. જૂન મહિનામાં ગીર જંગલ વિસ્તારમાં બે અલગ અલગ ઇન્ફાઇટની ઘટનામાં જય અને વીરુ ખૂબ જ ગંભીર રીતે ઘાયલ થયા હતા. આ બંને ઘાયલ નર સિંહને સાસણ એનિમલ સેન્ટરમાં લાવવામાં આવ્યા હતા, જ્યાં ખૂબ ટૂંકી સારવાર બાદ વીરુનું મોત ૧૨મી જૂનના દિવસે થતા સમગ્ર ગીર જંગલમાં ઘેરો શોક પ્રસ્થાપિત થયો હતો. સાથે સાથે સારવારમાં રહેલા વીરુ ઝડપથી તંદુરસ્ત બનીને ફરી તેના વિસ્તારમાં ગ્રુપ સાથે જોવા મળે તેવી સૌ કોઈ આશા રાખી રહ્યા હતા, પરંતુ આ આશા ૨૯મી જુલાઈના દિવસે પૂરી ન થઈ શકી. લાંબી સારવાર બાદ જયનું પણ મોત થતા એક દસકા કરતા પણ વધારે સમયથી ગીર જંગલમાં દબદબા ભર્યું શાસન આપનાર જય અને વીરુના મોતથી સિંહપ્રેમીઓ, માલધારીઓ અને વન વિભાગના અધિકારીઓમાં ભારે શોક જોવા મળી રહ્યો છે.
તબીબોના અંતિમ પ્રયાસો પણ જયનો જીવ ન બચાવી શક્યાઃ ઇન્ફાઇટમાં ઘાયલ વીરુના મોત બાદ જયની સારવાર સાસણ એનિમલ કેર સેન્ટર ખાતે તબીબોની હાજરીમાં સતત થઈ રહી હતી. ૨૯મી જુલાઈ પૂર્વે બે વખત એવી ઘટના પણ સામે આવી કે જેમાં જય સ્વસ્થ થતો જોવા મળ્યો, પરંતુ અચાનક ફરી તેની તબિયત બગડતા તેને આર્યુવેદિક ઉપચાર પદ્ધતિ થકી પણ નવજીવન આપવાનો પ્રયાસ વન વિભાગના તબીબોએ કર્યો અને અંતે જયને બચાવવામાં નિષ્ફળતા મળી. જય અને વીરુ ગીર જંગલમાં સૌથી મોટા સિંહોના ગ્રુપ પર દબદબો ધરાવતા હતા તેના ગ્રુપમાં ૧૫ સિંહણ કેટલાક સિંહબાળની સાથે સબ એડલ્ટ સિંહો કે જેને પાઠડા સિંહ તરીકે ઓળખવામાં આવે છે આવા ૩૦ થી ૪૦ સિંહનું એક ગ્રુપ હતું, જેના સર્વેસર્વા જય અને વીરુ હતા. આ બંનેના મોત થતા હવે આ ગ્રુપ પર નવ યુવાન સિંહોનો દબદબો આગામી દિવસોમાં જોવા મળશે. સિંહના મોતના કિસ્સાઓ જંગલ વિસ્તારમાં સામાન્ય જોવા મળે છે તે મુજબની આ કુદરતી પ્રક્રિયા દરમિયાન ઈનફાઈટમાં ઘાયલ થયેલા બંને સિંહના મોત થયા છે.