Surat,તા.૧૮
સુરત અલથાણ વૉર્ડ નબર ૩૦ મહિલા મોરચા પ્રમુખ દીપિકા પટેલઆપઘાત કેસમાં મોટો વળાંક સામે આવ્યો છે. મૃતક દીપિકા પટેલનો ભાઈ હોવાનો દાવો કરનારા કોર્પોરેટર ચિરાગ સોલંકીની દીપિકા સાથેની હજારો તસવીરો દીપિકાના મોબાઈલમાંથી મળી આવી છે. સુરત પોલીસે દીપિકા અને ચિરાગની કોલ ડિટેલ્સ અને વોટસએપ ચેટની તપાસ આદરી હતી. સાથે જ પોલીસે દીપિકા અને ચિરાગનાં મોબાઇલને ફોરેન્સિક લેબમાં પણ મોકલાયા હતા. ત્યારે હવે ચિરાગનું દીપિકા સાથેનું કનેક્શન ખૂલ્યું છે.
ભાજપ નેતા દીપિકા પટેલ આપઘાત મામલામાં મોટું રહસ્ય ખૂલ્યું છે. દીપિકા પટેલનો મોબાઈલ એફએસએલમાં તપાસ માટે મોકલાયો હતો.મોબાઈલ ડેટા રિપોર્ટ આવી ગયા છે. તમામ રિપોર્ટ પોલીસને સોંપવામાં આવ્યા છે. દીપિકાના મોબાઈલમાંથી દીપિકા અને ચિરાગના હજારો ફોટા મળી આવ્યા છે. આપઘાત પછી ‘દીપિકા મારી બહેન હતી મને રાખડી પણ બાંધી હતી’ તેવું ચિરાગે પોલીસ સમક્ષ કહ્યું હતું. આમ, રિપોર્ટ બાદ ચિરાગનું નિવેદન અને મોબાઈલ ડેટામાં વિરોધાભાસ હોવાનું જણાયું છે. અલથાણ પોલીસે રિપોર્ટના આધારે વધુ તપાસ કરશે.
રિપોર્ટમાં એમ પણ જોવા મળ્યું કે, મોબાઈલમાં રહેલી ચિરાગ અને દીપિકાની તસવીરો પર્સનલ છે. તેમાં ક્યાંય પરિવાર સાથે હોય તેવી એકપણ તસવીરો નથી. જે બતાવે છે કે ચિરાગ અને દીપિકા વચ્ચે કનેક્શન હતું.આપઘાત પછી કોર્પોરેટર ચિરાગ સોલંકી જવાબદાર છે કે નહીં તે હજુ સુધી પોલીસે પણ સ્પષ્ટ કર્યું નથી. પરંતુ ફોટા અને કોલ ડેટાના આધારે દિપીકા સૌથી વધુ ચિરાગ સાથે જોડાયેલી હોવાના સજજડ પુરાવા પોલીસને મળ્યા છે.
બીજો મોટો મુદ્દો એ છે કે, આપઘાતના બે મહિના બાદ પણ આ કેસમાં ફરિયાદ દાખલ થઈ નથી. દીપિકા પટેલના પરિવારજનો આ અંગે કોઈ ફરિયાદ દાખલ કરવા તૈયાર નથી. પોલીસના સમજાવટ બાદ પણ પરિવાર ફરિયાદ કરવા તૈયાર નથી. ત્યારે સમગ્ર કેસમાં ભીનું સંકેલાઈ જાય તેવું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે.દોઢ મહિના પહેલા સુરત અલથાણ વૉર્ડ નબર ૩૦ મહિલા મોરચા પ્રમુખ દીપિકા પટેલે આપઘાત કર્યો હતો.
દીપિકા પટેલે પોતાના જ ઘરમાં દુપટ્ટો વડે આપઘાત કરી લીધો હતો. જોકે, દીપિકા પટેલ આપઘાત કેસમાં કોર્પોરેટર ચિરાગ સોલંકીનો રોલ ચર્ચાસ્પદ બની રહ્યો છે. દીપિકાના મોત બાદ કોર્પોરેટર ચિરાગ બન્ને હાથમાં ગ્લોઝ પહેરીને દીપિકાના ઘરે કેમ ગયો હતો? કોર્પોરેટર ચિરાગ મહિલા નેતા દીપિકાને રોજ ૧૦ થી ૧૫ કોલ કરતો હતો. આ તમામ સવાલો પરથી પડદો ઉઠ્યો નથી.