New Delhi,તા.૬
દિલ્હીમાં વિધાનસભાની ચૂંટણી યોજાવા જઈ રહી છે. જેને લઈને ચૂંટણી પંચે સોમવારે અંતિમ મતદાર યાદી જાહેર કરી છે. આ વખતે એક કરોડ ૫૫ લાખથી વધુ મતદારો પોતાના મતનો ઉપયોગ કરશે.
ચૂંટણી પંચ અનુસાર, દિલ્હી વિધાનસભા ચૂંટણીની અંતિમ મતદાર યાદીમાં કુલ ૧,૫૫,૨૪,૮૫૮ મતદારો છે. જેમાં ૮૩ લાખ પુરૂષ અને ૭૧ લાખ મહિલા મતદારોનો સમાવેશ થાય છે. આખરી મતદાર યાદી જાહેર થયા બાદ ટૂંક સમયમાં ચૂંટણીની તારીખો જાહેર થઈ શકે છે.
ચૂંટણી પંચ તરફથી ઘણી બેઠકો ચાલી રહી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે ૬ થી ૧૦ જાન્યુઆરીની વચ્ચે ચૂંટણીની તારીખની જાહેરાત થઈ શકે છે. જો કે દિલ્હીના મુખ્ય ચૂંટણી અધિકારીના કાર્યાલય દ્વારા હજુ સુધી તારીખો અંગે કોઈ માહિતી આપવામાં આવી નથી.
વિધાનસભાનો કાર્યકાળ ૨૩ ફેબ્રુઆરી ૨૦૨૫ સુધીનો છે. આ પહેલા દિલ્હી વિધાનસભાની રચના માટે ચૂંટણી યોજાવાની છે. આ માટે દિલ્હીના મુખ્ય ચૂંટણી અધિકારીના કાર્યાલય દ્વારા તૈયારીઓ કરવામાં આવી રહી છે.
સૂત્રોનું કહેવું છે કે ડિસેમ્બરને બદલે જાન્યુઆરીના પહેલા કે બીજા સપ્તાહની વચ્ચે ચૂંટણીની તારીખો જાહેર કરવામાં આવશે. છેલ્લી ચૂંટણીઓની વાત કરીએ તો તારીખો ૬ જાન્યુઆરી ૨૦૨૦ના રોજ જાહેર કરવામાં આવી હતી. કોઈપણ રાજ્યમાં વિધાનસભા ચૂંટણીની પ્રક્રિયામાં ઓછામાં ઓછા ૩૫ દિવસની જરૂર હોય છે. આવી સ્થિતિમાં ૬ થી ૧૦ જાન્યુઆરી વચ્ચે ચૂંટણીની જાહેરાત બાદ લઘુત્તમ સમય મળશે.
ચૂંટણી પંચના કમિશનર રાજીવ કુમાર આવતા વર્ષે ૧૮ ફેબ્રુઆરીએ નિવૃત્ત થઈ રહ્યા છે. આવી સ્થિતિમાં ૧૮મી ફેબ્રુઆરી પહેલા વિધાનસભાની ચૂંટણી યોજાય તેવી પૂરી સંભાવના છે. જો કે તારીખો જાહેર થયા બાદ જ આની પુષ્ટિ થશે. મુખ્ય ચૂંટણી અધિકારીની ઓફિસના એક અધિકારીએ જણાવ્યું કે ચૂંટણી કમિશનરે રાજકીય પક્ષો સહિત તમામ સંબંધિત અધિકારીઓ સાથે બેઠક યોજી છે. ઉપરાંત સમીક્ષા બેઠક પણ યોજવામાં આવી છે.