Gandhinagar, તા.29
એસ.ટી નિગમ દ્વારા ફરી એકવાર ભાડામાં વધારો કરવામાં આવ્યો છે. જેને પગલે લોકોમાં નારાજગી વ્યાપી ગયેલ છે. છેલ્લા કેટલાય સમયથી ડીઝલના ભાવમાં વધારો થયો નથી છતા એસ.ટી.ના ભાડામાં વધારો કરવામાં આવી રહ્યો છે.
જેને પગલે ફરી સામાન્ય લોકો પણ બોજો પડશે. ફરી એકવાર કરેલા ભાડા વધારા સામે એસ.ટી નિગમ એ લૂલો બચાવ કર્યો છે કે 2023માં જ 68 ટકા ભાડા વધારો કરવાનો હતો પણ હજુ બે તબકકે 35 ટકા જ વધારાયા છે: 85 ટકા મુસાફરોને માત્ર રૂ. 1 થી 4નો જ બોજો પડશે.
નિગમના સંચાલક મંડળ દ્વારા નિગમની સર્વિસોમાં આજથી 10% ભાડા વધારો કરવાનો સર્વાનુમતે નિર્ણય જાહેર કર્યો છે. જેમાં લોકલ સર્વિસોમાં કુલ મુસાફરો પૈકી 85% મુસાફરો (દરરોજ અંદાજીત 10 લાખ જેટલા) 48 કી.મી. સુધીની મુસાફરી કરે છે જેમાં માત્ર રૂ.1/- થી રૂ.4/- સુધીનો ભાડા વધારો થશે. રોજ હજારો મુસાફરો એસ.ટી ની મુસાફરી કરે છે. ત્યારે હવે એકાએક ભાવ વધારતા લોકોને વધુ ભાડું ચૂકવવું પડશે.
ભાડા વધારા સામે દેકારો થતાં એસ.ટી નિગમ એ બચાવ કર્યો છે કે નિગમની તમામ સર્વિસોના મુસાફર ભાડામાં ફેરફાર કરવાની સત્તા એનાયત થયેલ, જે અનુસંધાને વર્ષ-2014 બાદ વર્ષ 2023 માં એટલે કે 10 વર્ષ બાદ 68% જેટલો ભાડા વધારો કરવાનો થતો હતો, પરંતુ મુસાફરોને એકી સાથે ભારણ ન પડે તે ધ્યાને લઇ તબકકાવાર ભાડા વધારોનો નિર્ણય કરેલ. જે પૈકી તા-01/08/2023 ના રોજ 25% ભાડા વધારાનો અમલ કરવામાં આવેલ છે.
ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ (GSRTC)ની ST દૈનિક 8000 થી વધુ બસો થકી 32 લાખથી વધુ કી.મી.નું અંતર કાપી 27 લાખ મુસાફરોને અસરકારક જાહેર પરિવહનની સુવિધાઓ પૂરી પાડે છે.
એસ.ટી. નિગમનો દાવો છેકે, વિદ્યાર્થીઓ, દિવ્યાંગો સહિત અન્ય પાત્રતા ધરાવતા લોકો અને નોકરિયાતોને રાહત દરે અથવા વિના મૂલ્યે બસ મુસાફરીની સુવિધાનો લાભ આપવામાં આવે છે. છેલ્લા 14 મહિનામાં નવી સ્લીપર કોચ, વોલ્વો, સેમી લક્ઝરી, સુપર ડિલક્સ અને મીની બસો મૂકવામાં આવી છે જેથી ખાનગી બસોની જેમ મુસાફરોને સુવિધાયુક્ત મુસાફરીનો લાભ મળે.લોકલ બસોમાં રોજ અંદાજીત 10 લાખ મુસાફરો બસ મુસાફરી કેરે છે.
જોકે, ખુદ એસટી નિગમે સ્વીકાર્યુ છેકે, તા.1લી ઓગષ્ટ 2023ના રોજ બસ ભાડુ વધારવામાં આવ્યુ હતું. એ વખતે બસ ભાડામા 25 ટકાનો વધારો કરાયો હતો. આ વાતને હજુ માંડ દોઢેક વર્ષ વિત્યુ છે ત્યારે એસટી નિગમની ખોટને સરભર કરવાના હેતુથી ગુજરાત એસટી નિગમે આજે અચાનક જ એસટી બસ ભાડામાં 10 ટકાનો વધારો કરવા નિર્ણય કર્યો છે જેના કારણે રોજીંદી અવરજવર કરતાં 27 લાખ મુસાફરોને રૂટ અનુસાર 48 કી.મી.એ રૂ.1થી માંડીને રૂ.4 સુધી વધુ બસભાડુ ચૂકવવુ પડશે.
બસભાડામાં વધારો કરી દેવાતાં એસટી નિગમની રોંજીદી આવકમાં સરેરાશ 50 લાખથી વધુની આવક વધે તેવો અંદાજ છે. જોકે, એસટી નિગમની દલીલ છેકે,10 ટકા બસભાડુ વધતાં સામાન્ય મુસાફરો પર ભાડા વધારાની અસર નહીં પડે.
દરરોજ 27.18 લાખ મુસાફરો એસ.ટી. બસમાં મુસાફરી કરે છે ગુજરાતમાં દરરોજ 18.21 લાખ ગ્રામીણ મુસાફરો, 46 હજાર શહેરી મુસાફરો અને 8.30 લાખ વિદ્યાર્થીઓ એમ કુલ મળીને 27.18 લાખ મુસાફરો રાજ્યની એસ.ટી. બસમાં મુસાફરી કરે છે.
ગુજરાત સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશને (GSRTC)ની કુલ 8,320 બસ દરરોજ 42,083 જેટલી ટ્રીપ પૂરી કરે છે. તમામ બસોનું 34.52 લાખ કિલોમીટર જેટલું અંતર દરરોજ કાપે છે. ગુજરાતના 18,367 ગામડાઓ એટલે કે 99.34 ટકા ગામડાઓને એસ.ટી. નિગમે આવરી લીધા છે. રોજ સરેરાશ 68,000 ટિકિટ ઓનલાઇન બુક થાય છે.