Mumbai,તા.16
દુનિયાભરમાં બોક્સ ઓફિસ પર સફળતાના વાવટાં લહેરાવનારી આદિત્ય ધરની ફિલ્મ ‘ધુરંધર’ જાપાનમાં સુપરફલોપ નીવડી છે. જોરશોરથી પ્રમોશન કરી જાપાનમાં ૮૦ સ્ક્રિન્સ પર આ ફિલ્મને મોટાપાયે રજૂ કરવામાં આવી હતી. પણ દસ જુલાઇએ રજૂ થયેલી આ ફિલ્મને પહેલાં દિવસે ૯૦૦ દર્શકો પણ માંડ મળ્યા હતા.
જાપાનમાં સૌથી નબળું ઓપનિંગ કરનારી ભારતીય ફિલ્મોમાં હવે તેનો સમાવેશ થાય છે. ફિલ્મ જાપાનમાં પહેલાં દિવસે ટોપ ભારતીય પચ્ચીસ ફિલ્મોમાં પણ તેનું સ્થાન મેળવી શકી નહોતી. ફિલ્મને જાપાનીમાં ડબ કરીને નહીં પણ જાપાની સબટાઇટલ્સ સાથે રજૂ કરવામાં આવી હતી.
ડિસેમ્બર ૨૦૨૫માં ભારતમાં રજૂ થયેલી ‘ધુરંધર’ અને માર્ચ ૨૦૨૬માં રજૂ થયેલી તેની સિક્વલ ‘ધુરંધરઃ ધ રિવેન્જ’ એમ બંને ફિલ્મોએ દુનિયાભરમાં બોક્સ ઓફિસ પર ૩૦૦૦ કરોડ રૂપિયા કરતાં વધારે કમાણી કરી હતી.
આ સ્પાય થ્રીલરનો જાદુ જાપાનમાં ચાલ્યો નથી. ફિલ્મના હીરો રણવીરસિંહે સ્પેશ્યલ વિડિયો મેસેજ રેકોર્ડ કરી તેને સૌથી મોટી ભારતીય ફિલ્મ ગણાવી હતી.
જાપાનમાં ‘આરઆરઆર અને સાહા જેવી ઘણી ભારતીય ફિલ્મો સફળ નીવડી છે અને તેમને પહેલે દિવસે ઘણાં વધારે દર્શકો મળ્યા હતા. ‘પુષ્પા ટુ’ફિલ્મની પણ રિલિઝ પૂર્વે મોટી ચર્ચા હોવા છતાં તેને પણ પહેલે દિવસે ૯૦૦થી ઓછાં દર્શકો મળ્યા હતા. હવે નિર્માતાઓને આશા છે કે ફિલ્મ ધીમે ધીમે સફળ બનશે.

