કારખાનાની ઓફિસનો સેક્શન ડોર તોડી તિજોરીમાંથી 11655 કાચા અને તૈયાર હીરા ઉઠાવી તસ્કરો ફરાર
Rajkot,તા.11
શહેરના કોઠારીયા રીંગ રોડ પર ધરમનગર સોસાયટીમાં આવેલ ખોડિયાર ડાયમંડ નામની પેઢીમાંથી રૂ. 60.83 લાખની કિંમતના 11655 કાચા-તૈયાર હિરાની ચોરીનો બનાવ સામે આવ્યો છે. કારખાનાનો પાછળના લોખંડના દરવાજાનો આકડિયો ખોલી ઓફિસનો સેક્શન ડોર તોડી તિજોરીમાં ડ્રિલ મશીનથી હોલ પાડીને હિરાની ચોરીને અંજામ આપનાર અજાણી તસ્કર ટોળકી વિરુદ્ધ ભક્તિનગર પોલીસમાં ગુનો નોંધાયો છે. ઘટનાની જાણ થતાં ડીસીપી ક્રાઇમ પાર્થરાજસિંહ ગોહિલ, ડીસીપી જગદીશ બંગરવા, એસીપી ક્રાઇમ બી બી બસીયા, ક્રાઇમ બ્રાન્ચ પીઆઈ ડામોર સહિતના અધિકારીઓ તેમજ ભક્તિનગર પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો.
મામલામાં કોઠારીયા મેઈન રોડ પર દેવપરા નજીક વિવેકાનંદનગર શેરી નં.-2માં રહેતા 37 વર્ષીય કારખાનેદાર વિપુલભાઇ વીરજીભાઈ ગોંડલીયાએ ભક્તિનગર પોલીસમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યુ હતું કે, હું કોઠારીયા રીંગ રોડ પર પીરવાડીની સામે ધરમનગર સોસાયટીમાં ભાડાના શેડમાં ઉપરના માળે છેલ્લા બે મહીનાથી ખોડીયાર ડાયમંડ નામે હીરાનુ કારખાનુ ચલાવી જોબવર્ક કરૂ છુ. આ કારખાનુ સવારના સાત વાગ્યાથી રાત્રીના આઠ વાગ્યા સુધી ચાલુ રાખુ છુ. કારખાનામાં ૪૪ જેટલા કારીગરો પાલીશ કામ માટે રાખેલા છે. વધુમાં કારખાનેદારે જણાવ્યુ હતું કે, કારખાનામાં જે હીરા પાલીશ થાય છે તે દરરોજ સુરતથી અહી રાજકોટમાં સોરઠીયાવાડી ચોક પાસે આવેલ મહેન્દ્ર ડાયમંડ નામની આંગડીયા પેઢીમાં પાર્સલમાં આવે છે અને આ પાર્સલ આંગડીયા પેઢીનો માણસ મારા કારખાને આપી જાય છે. સુરતથી આવતા હીરા કાચા હોય છે જેનુ પાલીશ કરી દરરોજ સાંજે ફરી સુરત મોકલવા માટે આંગડીયા પેઢીનો માણસ સાંજના સાડા સાત વાગ્યે મારા કારખાનેથી અમે જે પાર્સલ હીરાનુ પેક કરી આપી તે લઇ જાય છે. મારા કારખાનામાં કેટલા હીરા આવેલ અને કેટલા હીરા મોકલેલ તેનુ કાચુ લખાણ જમા-ઉધાર બુકમાં હાથથી લખુ છું.
ફરિયાદીએ જણાવ્યું હતું કે, ગઈકાલે તા.૧૦/૦૪/૨૦૨૫ ના રોજ સવારના સાત વાગ્યે મેં મારૂ કારખાનુ દરરોજની જેમ ખોલેલ હતુ. ત્યારબાદ સુરતથી દરરોજની જેમ સી.વી.ઇમ્પેકટ નામની પેઢી જે ચંદુભાઈ ડુંગરાણીની માલિકીની છે ત્યાથી આંગડીયામાં કાચા હીરા આવેલ હતા અને આ હીરા આંગડીયા પેઢીનો માણસ દેવા આવેલ હતો. જે હીરાનુ કારખાનામાં આવેલ ૧૫ ઘંટીઓ ઉપર પાલીશ કામ ચાલુ કરેલ હતુ. ત્યારબાદ કારખાનામાં આવેલ ઓફીસમાં હીરા ચેક કરવાના મશીન રાખેલ છે તેમાં બે મેનેજર અશોકભાઈ પોપટભાઈ રોકડ તથા મુકેશભાઇ રાવલ અને સુપરવાઇઝર હરેશભાઈ ગોંડલીયા એમ ત્રણેય હીરા ચેક કરવાનુ કામ કરતા હતા. સુરતથી આવેલ આ હીરાનુ પાર્સલ તૈયાર કરી સાંજે સાડા સાતેક વાગ્યે આંગડીયા પેઢીના માણસને બોલાવી અને પરત સુરત મોકલવા માટે આપેલ હતુ.
ત્યારબાદ આજે સવારના છ વાગ્યે હુ મારા કારખાને આવી નીચેનુ તાળુ ખોલી ઉપર ગયેલ તો ઓફીસ નો સેકશનનો દરવાજો છે તે દરવાજો તુટેલ હતો. જે દરવાજો ખોલી હુ અંદર ગયેલ તો લોખંડની તીજોરી આશરે અઢી ફૂટની છે તે તીજોરીમાં ચાવી ભરાવવાની જગ્યાએ લોખંડના ડ્રીલ થી હોલ પાડેલ હોય તેવુ જણાતા મારા કારખાનામાં ચોરી થયાની શંકા ઉપજી હતી. જેથી આ તીજોરી ખોલીને ખરાઈ કરતા તૈયાર હીરા નંગ-૨૬૧૭ જેનો વજન ૨૦.૮૯ કેરેટ જેના એક કેરેટની કિમત રૂ.૫૫૦૦૦ ગણાય તે કુલ કિંમત રૂ.11,48,950 તેમજ કાચા હીરા નંગ-૯૦૩૮ જેનો વજન ૧૦૯,૬૬ કેરેટ જેના એક કેરેટની કિ.રૂ.૪૫,૦૦૦ ગણાય એમ રૂ. 49,34,700 મળી કુલ રૂ.60,83,650ના હીરા નંગ 11655 મળી આવ્યા ન હતા. ઉલ્લેખનીય છે કે, કારખાનાની પાછળના ભાગે એક લોખંડનો દરવાજો આવેલ છે તે દરવાજાનો આકડીયો બળ વાપરીને ખોલી નાખવામાં આવેલ હોય તેવું જોવા મળ્યું હતું.
કારખાનાની ઓફિસમાં રહેલ સીસીટીવી કેમેરાનું ડીવીઆર પણ ઉઠાવી ગયા હતા. જેથી તસ્કરોની ઓળખ મેળવવી પોલીસ માટે અત્યંત પડકારજનક બની ગયું છે.