New Delhi,તા.16
દિલ્હી અને મુંબઈ જેવાં મોટા શહેરોની સરખામણીમાં નાનાં શહેરો અને નગરોમાં ડિજિટલ પેમેન્ટ અપનાવનારા લોકોની સંખ્યા ઝડપથી વધી રહી છે. છેલ્લા 5 વર્ષમાં મોટા શહેરોમાં કાર્ડ પર વાર્ષિક 2 લાખ રૂપિયાથી વધુ ખર્ચ કરનારા લોકોની સંખ્યામાં લગભગ દોઢ ગણો વધારો થયો છે, જ્યારે નાના શહેરોમાં 4 ગણો વધારો નોંધવામાં આવ્યો છે.
આ શહેરોમાં ઈ-કોમર્સનો ઉપયોગ પણ ઝડપથી વધી રહ્યો છે અને આવા સેગમેન્ટ્સ ઉભરી આવ્યાં છે, જે પહેલાં માત્ર મોટા શહેરો સાથે સંકળાયેલાં હતાં. સોમવારે જાહેર થયેલાં વિસાના અભ્યાસ રિપોર્ટ ‘બ્રિજિંગ ધ ગેપ પેમેન્ટ ઈન ઈન્ડિયા બિયોન્ડ મેટ્રોમાં આ વાત કહેવામાં આવી છે.
રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, ’એક કાર્ડ પર વાર્ષિક રૂ. 2 લાખથી વધુ ખર્ચ કરતાં લોકોની સંખ્યામાં વધારો અને નવાં ગ્રાહક સેગમેન્ટનો ઉદભવ એ સમૃદ્ધિનો ફેલાવો છે, જે અગાઉ મોટાભાગે મેટ્રોપોલિટન વિસ્તારો સુધી મર્યાદિત હતી. આને કારણે, 2019 થી કેટેગરી સી શહેરો એટલે કે નાનાં શહેરોમાં કાર્ડથી ખર્ચમાં 175 ટકાનો વધારો થયો છે.
’ટાયર 2 શહેરોમાં સારા ડિલિવરી નેટવર્કને કારણે ઈ-કોમર્સનો વ્યાપ વધ્યો છે. 2019માં કુલ ખર્ચમાં ઓનલાઈનનો હિસ્સો 53 ટકા હતો, જે 2024માં વધીને 74 ટકા થયો છે. ડિજિટલ કનેક્ટિવિટી વધવાથી પણ મદદ મળી છે. 2017-18માં ડિજિટલ પેમેન્ટ ટ્રાન્ઝેક્શન 2000 કરોડનાં હતાં, જે 2024માં વધીને રૂ. 16400 કરોડનાં થયાં છે.
આ અંગે વિસા કન્સલ્ટિંગ અને એનાલિટિક્સના ભારત અને દક્ષિણ એશિયાનાં વડા સુષ્મિત નાથે જણાવ્યું હતું કે, ’ટાયર 2 શહેરોમાં નવી ગ્રાહક પ્રોફાઇલ્સ ઉભરી રહી છે. 14 ટકા પગારદાર પ્રોફેશનલ્સની સરખામણીમાં 45 ટકા નાના અને મોટા ખેડૂતો અને 28 ટકા વેપારીઓ અને અન્ય લોકો ડિજિટલ પેમેન્ટ કરી રહ્યાં છે.
નાનાં શહેરોમાં ઈ-કોમર્સનો ઉપયોગ વધવાથી આવા સેગમેન્ટમાં વધુ ખર્ચ થઈ રહ્યો છે, જે અગાઉ મેટ્રો શહેરો સાથે સંકળાયેલાં હતાં. 2019 અને 2024ની વચ્ચે, નાનાં શહેરોમાં ગેમિંગમાં 16 ગણો અને ડિજિટલ કન્ટેન્ટમાં 9 ગણો વધારો થયો છે.
હવે લોકો ઓનલાઈન શિક્ષણ પર પણ વધુ પૈસા ખર્ચી રહ્યાં છે. જો કે, નાથે જણાવ્યું હતું કે ધિરાણના ઔપચારિક સ્ત્રોતોની પહોંચ હજુ પણ નાનાં શહેરોમાં મર્યાદિત છે અને નાણાકીય સંસ્થાઓ માટે લોકોની જરૂરિયાતો અનુસાર ક્રેડિટ સોલ્યુશન્સ ઓફર કરવાની વિશાળ તક છે.