આ ફિલ્મમાં પ્રિયંકા ચોપરા અને મહેશ બાબુ લીડ રોલમાં છે, જ્યારે પૃથ્વીરાજ સુકુમારન વિલન તરીકે જોવા મળશે
Mumbai, તા.૬
એસ.એસ.રાજામૌલીએ હજુ તેમની ફિલ્મનું નામ જાહેર કર્યું એને મહિનો જ થયો છે, તે પહેલાંથી આ ફિલ્મ વિશે સતત ચર્ચાઓ ચાલ્યા કરે છે. પહેલાં આ ફિલ્મના નામનો વિવાદ થયો અને હવે તેના ડિજીટલ અધિકારોની ડિલમાં ઐતિહાસિક આંકડો સામે આવવાની ચર્ચા છે. આ ફિલ્મ ઓસ્કાર વિજેતા ડિરેક્ટર એસ.એસ.રાજામૌલીની ફિલ્મ છે, તેથી પણ તેની સાથે અનેક અપેક્ષાઓ જોડાયેલી છે. સાથે જ આ ફિલ્મમાં પ્રિયંકા ચોપરા, મહેશ બાબુ અને પૃથ્વીરાજ સુકુમારન જેવા સ્ટાર કલાકારો પણ છે. તેથી સ્વાભાવિક છે કે ભલે ફિલ્મ રિલીઝ થવાને વર્ષથી પણ વધુ સમય હોય તેમ છતાં તેની ચર્ચા છે, તેમાં હવે નવો મુદ્દો જોડાયેલો છે, ફિલ્મના ઓટીટી રાઇટ્સની ઐતિહાસિક મોટી ડીલ થઈ હોવાની ચર્ચા છે. સુત્રો દ્વારા મળતી માહિતી અનુસાર, ગ્લોબલ સ્ટ્રીમિંગ માર્કેટમાં વારાણસીની ખુબ ડિમાન્ડ છે. પશ્ચિમી દેશો આ ફિલ્મ પાસે આરઆરઆર જેટલી સફળતાની અપેક્ષા રાખે છે. કારણ કે આ ફિલ્મને ઓસ્કાર એવોર્ડ મળ્યા હતા. સાથે જ રાજામૌલીની ફિલ્મ બાહુબલી ૨એ પણ ગ્લોબલી ૬૨ મિલિયનની કમાણી કરી હતી. તેથી રાજામૌલીની આવનારી ફિલ્મનાં ડિજીટલ અધિકારો મેળવવા માટે રીતસરની હોડ લાગેલી છે. કેટલાંક ટ્રેડના સુત્રો જણાવે છે કે સ્ટ્રીમિંગ પ્લેટફર્મ્સ આ ફિલ્મ માટે કોઈ હોલિવૂડ ફિલ્મના બજેટ જેટલી રકમ અધિકાર મેળવવા માટે આપવા તૈયાર છે. આ ડીલનો અંતિમ આંકડો ૧૦૦૦ કરોડને પણ પાર થઈ શકે એવી શક્યતા છે. જો આ પ્રમાણે ડીલ થઈ ગઈ તો તે કોઈ પણ ભારતીય ફિલ્મના પ્રી સેલ કલેક્શનમાં માત્ર ડિજીટલ અધિકારોમાં જ બધાં રેકોર્ડ તોડી નાખશે. તેમાં પણ જો ફિલ્મના સંગીત અને ટીવી રાઈટ્સ અને ફિલ્મ ડિસ્ટ્રિબ્યુશનની વાત કરવામાં આવે તો વારાણસી ભારતીય સિનેમાની સૌથી મોટી ફિલ્મ સાબિત થઈ શકે છે. આ ફિલ્મમાં પ્રિયંકા ચોપરા અને મહેશ બાબુ લીડ રોલમાં છે, જ્યારે પૃથ્વીરાજ સુકુમારન વિલન તરીકે જોવા મળશે. ફિલ્મ ૨૦૨૭ની ઉત્તરાયણ પર રિલીઝ થશે.

