New Delhi, તા.12
એર ઇન્ડિયાએ જાહેરાત કરી છે કે તે આવતા મહિનાથી દિલ્હી અને વોશિંગ્ટન ડીસી વચ્ચે સીધી ફ્લાઇટ્સનું સંચાલન બંધ કરશે. કંપનીનું કહેવું છે કે, આ નિર્ણય અનેક ઓપરેશનલ કારણો અને ફ્લીટમાં ઘટાડો થવાને કારણે લેવામાં આવ્યો છે. જેનો અમલ 1 સપ્ટેમ્બરથી કરવામાં આવશે.
એર ઇન્ડિયાએ જણાવ્યું હતું કે, તેના ઘણા બોઇંગ 787-8 ડ્રીમલાઇનર વિમાનો ઉપલબ્ધ રહેશે નહીં. કારણ કે, કંપની 26 વિમાનો પર રેટ્રોફિટનું કામ કરી રહી છે. આ કાર્યક્રમ જુલાઈમાં શરૂ થયો હતો અને 2026ના અંત સુધી ચાલુ રહેશે. આ સમય દરમિયાન ઘણા વિમાનો લાંબા સમય સુધી ઉડાન માટે ઉપલબ્ધ રહેશે નહીં.
એર ઈન્ડિયાએ જણાવ્યું હતું કે, પાકિસ્તાનના હવાઈ ક્ષેત્ર બંધ થવાથી તેની લાંબા અંતરની ફ્લાઇટ્સ પર અસર પડી છે. આનાથી ફ્લાઇટ રૂટ લંબાયા છે અને કામગીરી મુશ્કેલ બની છે. વધુમાં જણાવ્યું હતું કે, જે મુસાફરોએ 1 સપ્ટેમ્બર પછી વોશિંગ્ટન ફ્લાઇટ્સ બુક કરાવી છે તેમનો સંપર્ક કરવામાં આવશે અને તેમને અન્ય વિકલ્પો આપવામાં આવશે.
જેમ કે બીજી ફ્લાઇટમાં ફરીથી બુકિંગ અથવા સંપૂર્ણ રિફંડ. જોકે, મુસાફરો પાસે હજુ પણ એક-સ્ટોપ ફ્લાઇટનો વિકલ્પ રહેશે. જેમાં તેઓ ન્યૂયોર્ક, નેવાર્ક, શિકાગો અથવા સાન ફ્રાન્સિસ્કો થઈને વોશિંગ્ટન જઈ શકશે. આ માટે, એર ઈન્ડિયાએ અલાસ્કા એરલાઇન્સ, યુનાઇટેડ એરલાઇન્સ અને ડેલ્ટા એરલાઇન્સ સાથે ભાગીદારી કરી છે.