New Delhi,તા.18
દેશમાં કરવેરાના કલેકશનમાં સતત ઉંચો લક્ષ્યાંક અને તે બાદ થયેલી આવક વચ્ચે અગાઉની ટેક્ષ-રીકવરીમાં પણ સીધા કરવેરા બોર્ડ સફળતા મેળવી છે અને ચાલુ વર્ષે એપ્રિલથી સપ્ટેમ્બર માસ સુધીમાંજ જૂના વેરા બાકીમાંથી રૂા.35500 કરોડની રકમ વસુલવામાં સફળતા મળી છે.
વાસ્તવમાં આવકવેરા સહિતના સીધા કરવેરાના રૂા.26 લાખ કરોડની જંગી રકમ ટેક્ષ પેટે બાકી છે અને તેમાં રૂા.9 લાખ કરોડની રકમ તો વસુલવી ખૂબજ અઘરી અથવા તો અશકય હોવાનું તારણ આપવામાં આવ્યું છે.
જેમાં મુંબઈ ઝોન સૌથી વધુ રૂા.9.6 લાખ કરોડની બાકી રકમ સાથે પ્રથમ ક્રમાંકે છે તે વચ્ચે સીધા કરવેરા બોર્ડ દ્વારા ખાસ વસુલાત ડ્રાઈવ શરૂ કરવામાં આવી હતી. જેમાં કોર્પોરેટ ટેક્ષ પેટે રૂા.23000 કરોડ અને વ્યક્તિગત આવકવેરાના રૂા.12500 કરોડની વસુલાત કરવામાં આવી હતી.
હવે વસુલાતને વેગ આપવા માટે ઝોનવાઈઝ ટાર્ગેટ અપાયા છે અને તેમાં ચાલુ નાણાકીય વર્ષમાં રૂા.90000 કરોડથી રૂા.1 લાખ કરોડની વસુલાતની તૈયારી છે.
ગત નાણાકીય વર્ષમાં આવકવેરા વિભાગે જૂની બાકી વેરા રૂા.73500 કરોડની વસુલાત કરી હતી જેમાં કોર્પોરેટ ટેક્ષના રૂા.56000 કરોડ અને પર્સનલ આવકવેરા રૂા.16500 કરોડ સામેલ હતા.
દેશના વ્યાપારી પાટનગર તરીકે જાણીતા મુંબઈમાં સૌથી વધુ રૂા.9.6 લાખ કરોડની ટેક્ષ બાકી બાદ બીજા ક્રમે દિલ્હી રૂા.4.9 લાખ કરોડ, ગુજરાત રૂા.1.9 લાખ કરોડ, તામિલનાડુ રૂા.1.4 લાખ કરોડ, કર્ણાટક અને ગોવા રૂા.1.1 લાખ કરોડ, આંધ્રપ્રદેશ અને તેલંગાણા રૂા.1 લાખ કરોડ અને ઉતરપ્રદેશ પુર્વમાં રૂા.1 લાખ કરોડની વસુલાત બાકી છે. આ બાકીમાં ટોચના 5000 કેસોમાંજ 60% જેટલી રકમ ફસાઈ છે.
આ કેસમાં જેમની વસુલાત ખુબજ મુશ્કેલ કે શકયતા જ નથી તેને અલગ પાડવા જણાવાયુ છે અને તેના આધારે દરેક ઝોનને ખાસ ટીમ બનાવીને પ્રીન્સીપલ કમિશ્ર્નર ઓફ ઈન્કમટેક્ષના નેતૃત્વમાં આ 5000 કેસોમાં વસુલાત ઝડપી બનાવવા જણાવાયું છે.
આ ઉપરાંત 10 વર્ષ કે તેથી જૂની વસુલાતમાં જયાં કરદાતા મૃત્યુ પામ્યા હોય કે ‘ગુમ’ હોય તેની યાદી તૈયાર કરીને તે રકમ માંડવાળ કરવા પણ તૈયારી છે.