દિવ્યાએ કહ્યું કે કેટલાંક લોકોએ એવું પણ કહેલું કે તેનો ગોળ-મટોળ ચહેરો ઇન્ડસ્ટ્રીના ધારા-ધોરણો માટે યોગ્ય નથી
Mumbai, તા.૧૮
એક્ટર દિવ્યા ખોસલાએ તાજેતરમાં કયલી જેનર અને કેટલીક બોલિવૂડ એક્ટ્રેસની બોટોક્સ સર્જરી તેમજ ફિલિંગ સર્જરી કરાવીને કુદરતી સોંદર્યને ખરાબ કરતા હોવાની વાત કરીને ટીકા કરી છે. તેણે કહ્યું, “બધાં જ ચહેરાં સરખાં જ લાગે છે.”દિવ્યાએ એક ઇન્ટરવ્યુમાં કહ્યું, “આજકાલ, બધા જ ચહેરા લગભગ સરખા જ લાગે છે. જે લોકો મુંબઇના ડોક્ટર પાસે જાય છે એ સરખા દેખાય છે અને જે દુબઇના ડોક્ટર પાસે જાય છે એ સરખા દેખાય છે. એમનો ચહેરો જોઇને ખબર પડે કે કોણ કયા ડોક્ટર પાસે ગયું હતું. તમને ખબર પડી જાય છે, એ લોકો કયા ડોક્ટર પાસે, કયા વિસ્તારમાં કે કયા શહેરમાં ગયાં હતાં. ”દિવ્યાએ કહ્યું કે કેટલાંક લોકોએ એવું પણ કહેલું કે તેનો ગોળ-મટોળ ચહેરો ઇન્ડસ્ટ્રીના ધારા-ધોરણો માટે યોગ્ય નથી. પરંતુ તેને તેનાથી કોઈ ફરક પડતો નથી. “મને મેક અપ કે અરીસાનું કોઈ ઘેલું નથી.”દિવ્યાએ કહ્યું કે તે અન્યોએ નક્કી કરેલાં સુંદરતાનાં ધારા-ધોરણોને શરણે થતી નથી. કાયલી જેનર જેવા સેલેબ્રિટીની ટીકા કરતા દિવ્યાએ કહ્યું, “તમે આ વસ્તુઓથી જેટલાં દુર રહો એટલું સારું છે. આપણે કાયલી જેનરને જોઈ છે. એ ઘણી યુવાન છે પણ તેણે એટલી સર્જરી કરાવી છે કે હવે તેની ઉમર વધુ દેખાય છે. આપણે બધાએ સમજવું જોઈએ અને સહજ-કુદરતી રીતે જ ઉંમર વધે એમ વધવા દેવાની, બની શકે કે આપણે પહેલાં લાગતાં હતાં, તેનાથી વધુ સુંદર બનતાં જઈએ. વાત આપણી જાતને જેવાં છીએ તેવાં જ રાખવાની છે.”દિવ્યા ખોસલાની નીલ નિતિન મુકેશ સાથેની ફિલ્મ ‘એક ચતુર નાર’ શુક્રવારે ફિલ્મ રિલીઝ થઈ છે, જેમાં દિવ્યા મમતા મિશ્રા નામની એક જરૂરિયાતમંદ પરિવારમાંથી આવતી સ્ત્રીનો રોલ કરે છે, જે તેના પુત્ર અને સાસુ સાથેના ઘરને એકલાં હાથે સંભાળે છે. નીલ નિતિન મુકેશ એક બિઝનેસમેનનો રોલ કરે છે, તેનો ફોન ચોરવામાં સફળ થાય છે. આ ફોનમાં તેને કેટલાંક સંવેદનશીલ ફોટો વીડિયો મળે છે અને તે અભિષેક નામના આ બિઝનેસમેન પાસેથી પૈસા પડાવવાનો રસ્તો શોધે છે. આ ફિલ્મ ઉમેશ શુક્લ દ્વારા ડિરેક્ટ કરવામાં આવી છે.