Washington,તા.૧૯
અમેરિકાના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ જો બિડેન પ્રોસ્ટેટ કેન્સર સામે ઝઝૂમી રહ્યા છે. ૮૨ વર્ષીય બિડેનના હાડકાંમાં કેન્સર ફેલાઈ ગયું છે. જો બિડેનના કાર્યાલયે રવિવારે એક નિવેદન જારી કરીને આ માહિતી આપી. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે જો બિડેનના ગંભીર સ્વાસ્થ્ય પર શોક વ્યક્ત કર્યો અને તેમના ઝડપથી સ્વસ્થ થવાની કામના કરી. ડોનાલ્ડ ટ્રમ્પે ટ્રૂથ સોશિયલ પર લખ્યું, મેલાનિયા અને મને એ સાંભળીને દુઃખ થયું છે કે બિડેનને પ્રોસ્ટેટ કેન્સર હોવાનું નિદાન થયું છે. અમે જીલ અને તેના પરિવારને શુભેચ્છાઓ પાઠવીએ છીએ, અને આશા રાખીએ છીએ કે બિડેન જલ્દી સ્વસ્થ થઈ જશે.
ભૂતપૂર્વ યુએસ ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસે પણ ભૂતપૂર્વ યુએસ રાષ્ટ્રપતિ જો બિડેન માટે પોતાનો ટેકો અને પ્રાર્થના વ્યક્ત કરી. કમલા હેરિસ અને તેમના પતિએ બિડેનના સ્વાસ્થ્ય વિશે જાણીને દુઃખ વ્યક્ત કર્યું. કમલા હેરિસે ’ઠ’ પરની એક પોસ્ટમાં કહ્યું, “રાષ્ટ્રપતિ બિડેનને પ્રોસ્ટેટ કેન્સર હોવાનું જાણીને મને અને ડગને ખૂબ દુઃખ થયું છે. આ મુશ્કેલ સમયમાં અમારી પ્રાર્થનાઓ અને સંવેદનાઓ તેમની સાથે, ડૉ. બિડેન અને તેમના સમગ્ર પરિવાર સાથે છે.”
“જો એક યોદ્ધા છે અને હું જાણું છું કે તે આ પડકારનો સામનો એ જ શક્તિ, સ્થિતિસ્થાપકતા અને આશાવાદ સાથે કરશે જે હંમેશા તેના જીવન અને નેતૃત્વને વ્યાખ્યાયિત કરે છે. અમે તેના સંપૂર્ણ અને ઝડપી સ્વસ્થ થવાની આશા રાખીએ છીએ.”
માહિતી આપતાં, ભૂતપૂર્વ યુએસ રાષ્ટ્રપતિ જો બિડેનના કાર્યાલયે જણાવ્યું હતું કે પેશાબની સમસ્યાને કારણે તેમણે ગયા અઠવાડિયે ડૉક્ટરની સલાહ લીધી હતી. તપાસ દરમિયાન, તે આ ખતરનાક રોગથી પીડિત હોવાનું જાણવા મળ્યું. બિડેનના કેન્સરનો ગ્લીસન સ્કોર ૧૦ માંથી ૯ છે. આનો અર્થ એ છે કે તે હાઇ-ગ્રેડ કેન્સર છે. હાલમાં, જો બિડેન માટે સારવારના વિકલ્પો પર વિચારણા ચાલી રહી છે.