નવી દિલ્હી,તા.28
કેન્દ્ર સરકારે આવકવેરા રિટર્ન ફાઈલ કરવાની મુદતમાં છેક 15 સપ્ટેમ્બર સુધી કરાયેલો વધારો એ નિષ્ણાંતોને પણ ચોંકાવી ગયો છે. 2025-26ના એસેસમેન્ટ વર્ષ માટે સામાન્ય રીતે દર વર્ષે 31 જુલાઈ સુધીમાં રિટર્ન ફાઈલ કરવાના હોય છે અને બહુ અસામાન્ય સ્થિતિમાં જ તેની મુદતમાં એકાદ સપ્તાહનો વધારો કરાય છે.
પરંતુ નાણામંત્રાલયે છેક 15 સપ્ટેમ્બર સુધીમા કરાયેલા વધારાએ તથા અન્ય જે છુટછાટ આપી છે તે પણ ચર્ચાનું કારણ બની છે. વ્યક્તિગત, હિન્દુ અનડીવાઈડેડ ફેમીલી અને એ એકમો જેને ઓડીટેડ હિસાબ રજુ કરવાની જરૂર નથી. તેઓને હવે 31 જુલાઈને બદલે 15 સપ્ટેમ્બર સુધી આવકવેરા રિટર્ન ફાઈલ કરવાની તક મળશે.
મંત્રાલયે સ્વીકાર્યુ કે, જે નવા આવકવેરા રિટર્ન ફાઈલ કરવામાં આવ્યા છે તેમાં જે બદલાવ કરવામાં આવ્યો છે તેની સાથે સીસ્ટમમાં પણ ફેરફાર કરવામાં લાંબો સમય લાગી શકે છે અને તેથી જ આ રિટર્ન ફાઈલીંગની તારીખ લંબાવવામાં આવી છે. નવા આવકવેરા ફોર્મ એપ્રિલ અને મે માસમાં નોટીફાઈ કરવામાં આવ્યા છે.
અગાઉના વર્ષમાં જાન્યુઆરી-ફેબ્રુઆરીમાં જ આ કામ કરી દેવામાં આવ્યું હતું અને આમ નવા આવકવેરા ફોર્મ નોટીફાય કરવામાં જે વિલંબ થયો તેના કારણે જ હવે આવકવેરા રિટર્ન ફાઈલ કરવાની તારીખ 15 સપ્ટેમ્બર સુધી લંબાવાઈ છે. બીજી તરફ જે ટીડીએસ કાપવામાં આવ્યા છે તેની ક્રેડીટ રિફલેકશન જુન માસના શરુઆતમાં ઓનલાઈન ઉપલબ્ધ થાય તેવી શકયતા છે.
વાસ્તવમાં 31 મે સુધીમાં આ પ્રકારની કાર્યવાહી કરવાની હોય છે અને જો રિટર્ન ફાઈલ કરવાની તારીખ વધારાઈ ન હોત તો આ પ્રક્રિયામાં પણ ગડબડ થવાની શકયતા હતી અને તેથી જ સરકારે આ નિર્ણય લીધો હતો.
જો કે વિવિધ ઉદ્યોગ અને વ્યાપાર સંગઠનોએ હવે કાયમી રીતે આ તારીખ 31 ઓગષ્ટ સુધી લંબાવવાની માંગણી કરી છે. જેના કારણે નાના વ્યાપારીઓ અને પગારદાર વર્ગને મોટી રાહત થશે અને જે નવા નિયમો દાખલ કરાય છે તેને પણ સમજવામાં સરળતા રહેશે. સરકારે 15 જેટલા મહત્વના ફેરફારો કર્યા છે.