(મિલાપ રૂપારેલ)Amreli, તા. 30
સાવરકુંડલા તાલુકાના મીતીયાળા પંથકમાં ગઈકાલે એક જ દિવસ દરમિયાન ત્રણ ત્રણ વખત ભૂકંપના આંચકાઓ અનુભવાતા લોકોમાં ભયનો માહોલ સર્જાયો છે. રવિવારે માત્ર પાંચ કલાકના ગાળામાં કુલ ત્રણ વખત ધરતી ધ્રુજી ઊઠતા સ્થાનિકોમાં ચિંતા ફેલાઈ છે.
આ બનાવમાં મળતી માહિતી અનુસાર બપોરે પ્રથમ આંચકો 4:10 વાગ્યે અનુભવાયો હતો, જેની તીવ્રતા 3.1 નોંધાઈ હતી. ત્યારબાદ 4:30 વાગ્યે ફરી એક વખત 1 ની તીવ્રતાનો આંચકો અનુભવાયો હતો. આ બંને આંચકાઓ બાદ રાત્રે 8:50 વાગ્યે ફરીથી 1.5 ની તીવ્રતાનો ભૂકંપ નોંધાતા લોકો ઘરોની બહાર દોડી આવ્યા હતા.
ભૂકંપના આંચકાઓ મીતીયાળા ઉપરાંત ધજડી, સાકરપરા ગામોમાં સ્પષ્ટ અનુભવાયા હતા. સાથે જ ખાંભા ગીર વિસ્તારના ભાડ, વાંકિયા અને જીકિયાળી ગામોમાં પણ ધ્રુજારી અનુભવાઈ હોવાનું જાણવા મળ્યું છે.
ભૂકંપનું કેન્દ્રબિંદુ અમરેલીથી દક્ષિણ તરફ આશરે 42 કિલોમીટર દૂર હોવાનું પ્રાથમિક રીતે સામે આવ્યું છે.સિસ્મોલોજી વિભાગ, ગાંધીનગર દ્વારા આ તમામ આંચકાઓની પુષ્ટિ કરવામાં આવી છે. સતત આવતાં આંચકાઓને લઈને સ્થાનિક વહીવટીતંત્ર સતર્ક બન્યું છે.આ મામલે સાવરકુંડલાના ધારાસભ્ય મહેશ કસવાળાએ રાજ્યના મુખ્યમંત્રી તથા સંબંધિત વિભાગોને તાત્કાલિક જાણ કરી છે.
ધારાસભ્ય કસવાલાના જણાવ્યાં મુજબ આજે ગાંધીનગરના સિસ્મોલોજી વિભાગની ટીમ મીતીયાળા પંથકની મુલાકાત લઈ પરિસ્થિતિનો તાગ મેળવશે.એક જ દિવસમાં સતત ત્રણ વખત ધરતી ધ્રુજતા લોકોમાં ભયનો માહોલ છે, જોકે હાલ સુધી કોઈ જાનહાનિ અથવા મોટા નુકસાનના અહેવાલ મળ્યા નથી. સ્થાનિક તંત્ર દ્વારા લોકોને સાવચેત રહેવા અને અફવાઓથી દૂર રહેવા અપીલ કરવામાં આવી છે.

