સાઇબર ક્રાઈમને લઈને દેશની સર્વોચ્ચ અદાલતની ચિંતા સુખદ છે. સર્વોચ્ચ અદાલતની રજિસ્ટ્રીએ એક એડવાઇઝરી બહાર પાડી છે અને લોકોને એ કૌભાંડ વિશે ચેતવ્યા છે, જેમાં સાઇબર અપરાધી લોકોની અંગત માહિતી અને ગોપનીય ડેટા ચોરવા માટે સર્વોચ્ચ ન્યાયાલયના નામનો ઉપયોગ કરી રહ્યા હતા. આ કેટલી સંગીન વાત છે કે સાઇબર અપરાધીઓ સુપ્રીમ કોર્ટની સત્તાવાર વેબસાઇટની પણ નકલ બનાવી ચૂક્યા છે અને તેના દ્વારા લોકોને ભરમાવવામાં આવે છે. સાઇબર અપરાધી લોકોને આ વેબસાઇટ દ્વારા વિવિધ પ્રકારના વ્યક્તિગત વિવરણ માંગે છે અને દેખીતું છે કે તેનો ઉપયોગ છેતરપિંડી માટે જ થાય છે. દેશમાં સર્વોચ્ચ ન્યાયલય પ્રત્યે લોકોમાં બહુ સન્માન અને વિશ્વાસની ભાવના છે. જો કોઈ ન્યાયાલયનું નામ ખરાબ કરવા માંગે છે તો તે અક્ષમ્ય અપરાધ છે. ન્યાયાલયની રજિસ્ટ્રીએ સલાહ આપી છે કે લોકો બહુ પરખ્યા બાદ જ કોઈ વેબસાઇટ સાથે જોડાય. સર્વોચ્ચ ન્યાયાલય ક્યારેય પણ કોઈ વ્યક્તિની કોઈ ગોપનીય માહિતી નથી માંગતી. સલાહ આપવામાં આવી છે કે લોકો કોઈપણ પ્રાપ્ત લિંકની પ્રામાણિકતાની ખરાઈ કર્યા વિના ના તો ક્લિક કરે કે ના તેને કોઈની સાથે શેર કરે.
ન્યાયાલયના આ દિશાનિર્દેશનું અક્ષરશઃ પાલન થવું જોઇએ. દેશમાં લોકોને ફસાવવાની કોશિશ થતી જ રહે છે, જેને સાઇબર ભાષામાં ‘ફિશિંગ’ કહે છે, આ ફિશિંગ વિરુદ્ઘ પૂરતી કડકાઈ રાખવાની જરૂર છે. ખાસ કરીને જે પ્રતિષ્ઠિત અને વિશ્વસનીય સંસ્થા છે, તેના નામ કે યુઆરએલ સાથે ભળતા કોઈપણ નામનું રજીસ્ટ્રેશન ન થવું જોઇએ. ડોમેન વેચનારી કોઈપણ કંપનીને સતર્ક કરવી જોઇએ કે ભળતા નામે કોઈપણ અપરાધી કોઈ વેબસાઇટ ન ખોલી શકે. આજે જો સર્વોચ્ચ ન્યાયાલયે દિશા-નિર્દેશ જારી કરવા પડ્યા છે, તો સ્થિતિની ગંભીરતા બદી જવાબદારી સરકારી સંસ્થાઓએ સમજવી જોઇએ. એક તો વેબસાઇટના ભળતા નામને મંજૂરી જ ન મળે અને જો કોઈ ચોરીથી એવી વેબસાઇટ બનાવી પણ લે તો તેને આકરો દંડ કરવો જોઇએ. કેટલીય સરકારી કે બિનસરકારી સંસ્થાઓનાં નામ અને વેબસાઇટની સચ્ચાઈ સુનિશ્ચિત કરતાં સાઇબર સેવાઓનો વિસ્તાર કરવો જોઇએ. જમતાડા અને મેવાત જેવા ક્ષેત્રોમાં બેસીને દેશ અને ઇન્ટરનેટ સેવાની વિશ્વસનીયતા સાથે રમત કરી રહેલા અપરાધીઓ પર સકંજો કસવો અનિવાર્ય છે. જો આવી છેતરપિંડી રોકવા માટે જવાબદાર સંસ્થાઓ યોગ્ય રીતે કામ કરતી હોત તો ન્યાયાલયે આજે દિશા-નિર્દેશ જારી કરવાની જરૂર ન પડતી. સાઇબર દુનિયામાં થી રહેલી લાખો રૂપિયાની ઠગાઈ અસલમાં દેશની કાયદો-વ્યવસ્થાને પડકાર છે. હાલમાં જ પુણેમાં સાઇબર ક્રાઇમ મામલે એક વ્યક્તિએ ૧૮ લાખ રૂપિયાથી વધુ ગુમાવી દીધા છે. સાઇબર મંચ પર કોઈપણ પ્રકારના ફંદામાં આવવાથી બચવા માટે લોકોને પ્રશિક્ષિત કરવા જોઇએ. જ્યારે બહુ ભણેલા-ગણેલા લોકો ઠગાઈ રહ્યા હોય તો બાકી લોકો માટે તો શું કહેવું? દાખલા તરીકે ઇસરો દ્વારા ચંદ્રમા પર સોફ્ટ લેન્ડિંગથી ઇતિહાસ રચ્યાના એક દિવસ બાદ જ સરકારે ચેતવણી જારી કરવી પડી છે. ઇન્સ્ટાગ્રામ પર પ્રસિદ્ઘ ઇસરોની નકલ કરનારાં હેન્ડલ ઉપલબ્ધ છે. એવા કોણ લોકો છે જે પ્રતિષ્ઠિત સંસ્થાઓના નામે ફેક એકાઉન્ટ બનાવી રહ્યા છે? એવા લોકો વિરુદ્ઘ પ્રભાવી કાર્યવાહીની જરૂર છે.