ન્યાયપાલિકાની પારદર્શિતા અને જવાબદારી પર ઉઠતા સવાલો વચ્ચે સર્વોચ્ચ ન્યાયાલય દ્વારા પોતાના ન્યાયાધીશોની સંપત્તિનું વિવરણ જાહેર કરવું એક અભૂતપૂર્વ પગલું છે, પરંતુ લાંબા સમયથી તેની ચર્ચા થતી હોવા છતાં ૩૩માંથી હાલમાં માત્ર ૨૧ કાર્યરત ન્યાયાધીશોની સંપત્તિનો જ ખુલાસો થઈ શકવો સંતોષજનક નથી દેખાતું. જોકે બાકીના ન્યાયાધીશોની સંપત્તિનું વિવરણ વહેલી તકે જાહેર કરવાના સંકેત આપવામાં આવ્યા છે, પરંતુ આ પ્રકારના વિલંબ શંકા જ પેદા કરે છે. ઉલ્લેખનીય છે કે સર્વોચ્ચ ન્યાયાલય ન્યાયાધીશ (વેતન અને શરતો) અધિનિયમ, ૧૯૫૮ અને ઉચ્ચ ન્યાયાલય ન્યાયાધીશ(વેતન અને શરતો) અધિનિયમ, ૧૯૫૪ અને બાદમાં બનેલા નિયમોમાં આ ન્યાયાલયોના ન્યાયાધીશો દ્વારા સંપત્તિ જાહેર કરવાની કોઈ જોગવાઈ નથી. જોકે ૧૯૯૭માં તત્કાલીન મુખ્ય ન્યાયાધીશે એક પ્રસ્તાવ પાસ કર્યો હતો, જેમાં ન્યાયાધીશો પાસેથી એ અપેક્ષા રાખવામાં આવી હતી કે તેઓ પોતાની સંપત્તિઓની જાહેરાત મુખ્ય ન્યાયાધીશ સામે કરશે. ૨૦૦૯માં આ મતલબનું એક વિધેયક સંસદમાં રજૂ પણ કરવામાં આવ્યું, જે નિરસ્ત થઈ ગયું. જોકે ત્યારે માહિતીના અધિકારના દબાણને કારણે કેટલાક ન્યાયાધીશોએ સ્વેચ્છાથી પોતાની સંપત્તિની જાણકારી આપી હતી.
કાર્મિક, લોક ફરિયાદ અને વિધિ અને ન્યાય પર સંસદની સ્થાયી સમિતિએ ઓગસ્ટ, ૨૦૨૩માં કહ્યું હતું કે ન્યાયાધીશોએ પોતાની સંપત્તિ અને દેણદારીઓનો ખુલાસો કરવો જોઇએ. ગત માર્ચમાં કેન્દ્ર સરકારે પણ રાજ્યસભામાં એક સવાલના જવાબમાં જણાવ્યું હતું કે સંસદીય સમિતિના રિપોર્ટ બાદ સંપત્તિની અનિવાર્ય જાહેરાતનો મુદ્દો શીર્ષ અદાલત સામે ઉઠાવવામાં આવ્યો છે. અસલમાં બંધારણમાં ન્યાયપાલિકાની સ્વતંત્રતાની પરિકલ્પના કરવામાં આવી છે, પરંતુ હાલનાં વર્ષોમાં પારદર્શિતા, જવાબદારી અને ભ્રષ્ટાચાર સાથે જોડાયેલા મુદ્દાઓએ તેની વિશ્વસનીયતા પર સવાલ ઊભા કર્યા છે, જેને કારણે ન્યાયિક સુધારાની માંગ પણ કરવામાં આવતી રહી છે. એવામાં, શીર્ષ અદાલતનો પારદર્શિતાનો આ પ્રયાસ ત્યારે ઓર વધારે મહત્ત્વપૂર્ણ થઈ જાય છે, જ્યારે હાલમાં જ દિલ્હી હાઇકોર્ટના એક ન્યાયાધીશના આવાસ પર રોકડ મળવાથી પેદા થયેલા વિવાદે ન્યાયપાલિકાની સાખને ઘણી હદ સુધી પ્રભાવિત કરી છે. સૌથી ઉલ્લેખનીય વાત એ છે કે સંપત્તિની જાહેરાતની જોગવાઈ માત્ર વર્તમાન ન્યાયાધીશો સુધી જ સીમિત ન હોઇને, ભવિષ્યમાં નિયુક્ત થનારા ન્યાયાધીશો પર પણ લાગુ થશે. જોકે એ જોતાં કે ૭૬૨માંથી માત્ર ૯૫ (૧૨.૪૬ ટકા) કાર્યરત ઉચ્ચ ન્યાયાલયોના ન્યાયાધીશોની સંપત્તિ તેમની ન્યાયાલયોની વેબસાઇટ પર ઉપલબ્ધ છે, કહેવું પડશે કે શીર્ષ ન્યાયપાલિકાની આ સ્વાગતયોગ્ય પહેલ છતાં પારદર્શિતા અને જવાબદારીની દિશામાં હજુ તેણે કેટલાંય પગલાં ચાલવાનું બાકી છે.