સર સંઘાચાલક શ્રી મોહન ભાગવતનું ફરી એકવાર પોતાના એક નિવેદનને કારણે ચર્ચામાં છે, હમણાં જ તેઓએ કોઈ સમારોહમાં પોતાના પ્રવચનમાં તેમણે ત્રણ બાળકો પેદા કરવાનું આહવાન કર્યું અને સંતતિદર ઘટતો જાય એ સમાજ કાળક્રમે નામશેષ થઈ જાય છે એવી ચેતવણી પણ ઉચ્ચારી.
અપરિણીત મોહન ભાગવતજી આ પૂર્વ પણ વધુ બાળકો પેદા કરવા વિશે નિવેદનો કરી ચૂક્યા છે. તેની પાછળનો મૂળ હેતુ બહુમતીના અધિકારોનું રક્ષણ કરવા સંબંધિત છે. ભારતમાં હિન્દુઓ ૮૫ ટકા જેટલા છે, જે વિશ્વભરમાં કોઈ એક દેશમાં હિન્દુઓ સૌથી વધુ સંખ્યા ધરાવતો દેશ છે. આમ છતાં ભારત હિન્દુ રાષ્ટ્ર હોવાનો બદલે સત્તાવાર રીતે બિનસાંપ્રદાયિક દેશ છે. આ બાબત રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘને કદી માન્ય રહી નથી. રા. સ્વ. સંઘની દલીલ એ પણ છે કે જો લઘુમતિને વિશેષ દરજ્જો મળવાનો હોય તો પછી જ્યાં હિન્દુઓ લઘુમતિમાં છે ત્યાં તેમને કેમ એ દરજ્જો ન મળે ? આ સવાલની દેશભરમાં ચર્ચા જગવવાનો પણ હેતુ છે.
મોહન ભાગવતજીએ ત્રણ બાળકો પેદા કરવાનું આહવાન કયા સંદર્ભમાં કર્યું એ સૌ કોઈ જાણે છે પરંતુ જે ભાઈજાનના રાજનીતિમાં રોટલા જ હિન્દુ-મુસ્લિમના નામે શેકવા છે એ ઔવેસીએ આ વિધાનને હાથોહાથ પકડી લીધું. તરત જ નિવેદન પણ આપી દીધું કે જુઓ મોહન ભાગવત પણ વધારે બાળકો પેદા કરવાનું કહે છે. મોહન ભાગવતજીનું વિધાન હિન્દુઓની ઘટતી જતી વસ્તી પ્રત્યે અને કેટલાક રાજ્યોમાં બદલાતી જતી ડેમોગ્રાફિ પર હતું.
૧૯૨૫માં સ્થપાયેલા રા. સ્વ. સંઘ હિન્દુ રાષ્ટ્રની થિયરીને વરેલું સંગઠન છે. હિમાચલથી ગંગા-યમુનાના મેદાનો વટીને પશ્ચિમે છેક કંદહાર સુધીની ભૂમી એક સમયનું આર્યાવર્ત હતું અને એ સુવર્ણકાળ હતો. વિશ્વગુરુનો એ દરજ્જો ફરી પાછો મેળવવો એ બહુ મોટા સમુદાયનું પેઢીઓથી પોષાતું રહેલું એક સ્વપ્ન છે. લગભગ બે વર્ષ પહેલાં સર સંઘચાલક મોહન ભાગવતજી અખંડ ભારતનું સ્વપ્ન સાકાર કરવા આડે થોડા વર્ષો જ બાકી હોવાનું વિધાન કરી ચૂક્યા છે. હિન્દુ રાષ્ટ્રની થિયરીને આગળ વધારવા સંઘે પોતાના વિચારોને રાજકીય મોરચે લાવવાનું નક્કી કર્યું અને થઈ જનસંઘની સંથાપના. જનસંઘથી કોઈ નોંધપાત્ર ઉદ્દેશ્ય ન મેળવી શકાયા. પરિણામે નવા સ્વરૂપ સાથે ભારતીય જનતા પાર્ટીનું અસ્તિત્વ સામે લાવ્યા. વાજડપેયીજીના સમયનું હિન્દુત્વ થોડે ઘણે અંશે સફળ થયું અને અટકી ગયું. પછી નરેન્દ્ર મોદીના વિકાસવાદી હિન્દુત્વને આગળ કરવામાં આવ્યું.જે કારગત નીવડયું. પરિણામે સંઘ પોતાનો ઉદ્દેશ્ય પૂર્ણ કરવા એજન્ડા તરફ આગળ વધી રહ્યો છે.
વર્ષ ૨૦૨૫માં સંઘની સ્થાપને સો વર્ષ પૂર્ણ થવા જઈ રહ્યા છે ત્યારે સંઘના મુખ્ય એજન્ડા પૈકીના પ્રથમ બે : કાશ્મીરમાં કલમ ૩૭૦ની નાબૂદી અને અયોધ્યામાં રામમંદિરનું નિર્માણ સંપૂર્ણ થઈ ગયા છે અને હવેસમાન નાગરિક ધારાનો અજન્ડા લાવવાનો છે. તે માટે વાતાવરણ બની રહ્યું છે. આ એજન્ડા તરફ ધીમા પગલે વર્તમાન સરકારના મુખિયા એ વિશે જાહેરમાં ઉલ્લેખ કરી ચૂક્યા છે.
આ એજન્ડાની સાથે સાથે મુસ્લિમોની તરફેણ કરતા અથવા તો વિશેષાધિકાર આપતા કાયદાઓ પર કાપ મૂકવો અને જે પ્રદેશોમાં હિન્દુઓ લઘુમતિમાં છે ત્યાં તેમને ધાર્મિક લઘુમતિ દરજ્જો અપાવવો. મોદી સરકારની પહેલી ટર્મમાં સુપ્રિમ કોર્ટમાં એક સોગંદનામું દાખલ કરવામાં આવ્યું હતું. અને જે રાજ્યોમાં હિન્દુઓની સંખ્યા ઓછી હોય ત્યાં તેમને લઘુમતિ જાહેર કરવા અંગે બંધારણીય માર્ગદર્શન માંગવામાં આવ્યું. કેન્દ્ર સરકારની આ ચેષ્ટા ભાજપના નેતા અને સુપ્રિમ કોર્ટના વકીલ ડો. અશ્વિનીકુમાર દ્વારા અદાલતમાં દાખલ કરાયેલી એક અરજીના સંદર્ભ થયેલી છે. હવે સુપ્રિમ કોર્ટે આ અંગે કેન્દ્ર સરકાર પાસે બંધારણીય અને કાનૂની તર્કો માંગ્યા છે. શું આવું શક્ય બની શકે ખરું ? સમગ્ર દેશમાં હિન્દુ બહુમતીમાં હોય ત્યારે અમૂક રાજ્યોમાં તેમને ધાર્મિક લઘુમતિનો દરજ્જો મળી શકે ખરો ?