ન્યાયિક સક્રિયતા સારી બાબત છે, પરંતુ જ્યારે એ અતિસક્રિયતા બની જાય અને એ પ્રક્રિયામાં બંધારણની અવગણના થાય તેમજ કોર્ટ પોતાની સીમાઓ લાંઘતી દેખાય, ત્યારે એ અંગે સવાલ તો ઉઠવાના જ છે. એટલા માટે જ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ સુપ્રીમ કોર્ટને કેટલાય પ્રશ્નો સાથે એ પણ પૂછયું કે જો બંધારણમાં બિલોને મંજૂરી આપવા માટે કોઈ સમયસીમા નક્કી નથી, તો કોર્ટ તે કામ કેવી રીતે કરી શકે?
રાષ્ટ્રપતિને આવા અનેક સવાલો એટલા માટે પૂછવા પડયા, કારણ કે થોડાક સમય પહેલા સુપ્રીમ કોર્ટે તમિલનાડુ કેસમાં પોતાના ચુકાદામાં ત્યાંના રાજ્યપાલને આદેશ આપ્યો હતો કે તેમને વિધાનસભામાં પાસ થયેલા બિલો પર નિશ્ચિત સમયમર્યાદામાં નિર્ણય લેવો પડશે. કોર્ટએ એ પણ કહ્યું હતું કે રાજ્યપાલ દ્વારા રાષ્ટ્રપતિને મોકલવામાં આવેલા બિલો પર ત્રણ મહિના અંદર નિર્ણય લેવો પડશે અને જો ન લેવાય, તો રાષ્ટ્રપતિએ રાજ્યને કારણ જણાવવું પડશે! સુપ્રીમ આટલે જ અટકી નહોતી. તેણે એવું પણ કહ્યું કે રાષ્ટ્રપતિએ આવા મામલાઓમાં અમારી સલાહ લેવી જોઈએ. આવા આદેશ આપીને સુપ્રીમ કોર્ટે એક રીતે રાજ્યપાલ અને રાષ્ટ્રપતિની બંધારણીય શક્તિઓમાં ફેરફાર કરી દીધો હતો. કોઈના માટે એ સમજવું મુશ્કેલ હતું કે આવું તેણે કયા અધિકારથી કર્યું?
એથી પણ વિચિત્ર વાત એ હતી કે સુપ્રીમ કોર્ટે રાજ્યપાલ પાસે વિચારાર્થે રહેલા તમિલનાડુના બિલોને પોતે મંજૂરી આપી દઈ, એમને કાયદા તરીકે અમલમાં લાવવાનો રસ્તો ખોલી નાખ્યો. આવું અગાઉ ક્યારેય થયેલું નહોતું. એક રીતે, કોર્ટએ રાજ્યપાલ અને રાષ્ટ્રપતિ બંનેની શક્તિઓ પોતાના હાથમાં લઈ લીધી હતી. આ જ કારણથી આ ચુકાદા પર અનેક સવાલો ઉઠયા હતા અને ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડે તો સીધા સુપ્રીમ કોર્ટને નિશાન બનાવીને કઠોર ટિપ્પણી કરી હતી. આ નિર્ણય બે ન્યાયમૂર્તિઓની પીઠે આપ્યો હતો, બંધારણીય પીઠે નહિ, જેને લીધે વધુ વિવાદ સર્જાયો. જો આ ન્યાયિક સીમાઓનું ઉલ્લંઘન ન હતું તો શું હતું?
એ સાચું કે અનેકવાર રાજ્યપાલ વિધાનસભામાં પાસ થયેલા બિલોને લાંબા સમય સુધી દબાવીને બેસી રહે છે અને કોઈ નિર્ણય નથી લેતા. આ સમસ્યાનો ઉકેલ જરૃર શોધવો જોઈએ, પણ તેના નામે સુપ્રીમ કોર્ટ આવો ચુકાદો કેવી રીતે આપી શકે જે બંધારણસંમત ન હોય? સુપ્રીમ કોર્ટને બંધારણની વ્યાખ્યા કરવાનો અધિકાર છે, પણ એનો એ અર્થ નહિ કે તે બંધારણને નવી રીતે લખવા લાગે. આ પહેલો પ્રસંગ નથી જ્યારે કોર્ટે ન્યાયિક સક્રિયતાની હદ વટાવી છે. તેણે કૃષિ કાયદાઓ પર પણ એવું જ કર્યું હતું, કાયદાની પૃષ્ઠભૂમિ જાણ્યા વિના તેને રોકી દઈને.