થોડા વખત પહેલાં દુનિયાનાં શેરબજારોમાં ભારે ઘટાડાની પાછળ એક ચીની સ્ટાર્ટઅપ દ્વારા બેહદ ઓછા ભાવે વિકસિત કરવામાં આવેલ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એપ ડીપસીક રહી હતી. ડીપસીકના આગમનથી દિગ્ગજ અમેરિકી ટેક કંપનીઓના બજાર મૂડીકરણમાં એક ટ્રિલિયન (લાખ કરોડ) ડોલર સુધીનું ધોવાણ થયું. આ બધું ત્યારે થયું જ્યારે અમેરિકાએ ચીનને અત્યાધુનિક કમ્પ્યૂટર ચિપ અને એઆઇ ક્ષેત્રમાં પ્રતિદ્વંદ્વી દેશ જાહેર કરીને તેના પર અનેક પ્રતિબંધો લગાવી રાખ્યા છે, જેથી તે આ ક્ષેત્રની ટેકનિક કાં તો વિકસિત ન કરી શકે અને જો કરે તો પણ અમેરિકી કંપનીો કરતાં ક્યાંય પાછળ જ રહે. તેમ છતાં ડીપસીક કેટલીય કસોટીઓ પર મુખ્ય અમેરિકી એઆઇ એપ ચેટજીપીટી જેટલું જ સક્ષમ જોવા મળ્યું.
ડીપસીક બનાવનારી કંપનીનો દાવો છે કે તેણે આ મોડલ અમેરિકી કંપનીઓના મુકાબલે ૧૦ ગણું ઓછા ખર્ચે વિકસિત કર્યું છે. જ્યાં અગ્રણી અમેરિકી એઆઇ કંપનીઓ પોતાના ચેટબોટને ૧૬૦૦૦ જીપીયુથી યુક્ત સુપર કમ્પ્યુટરો પર પ્રશિક્ષિત કરે છે, જ્યારે ડીપસીકે માત્ર ૨૦૦૦ જીપીયુ ક્ષમતાના ઉપયોગથી જ સક્ષમ એઆઇ ટૂલ તૈયાર કર દીધું. ચીને પ્રતિબંધો છતાં પોતાના ખુદના જોરે પ્રથમ પંક્તિની ટેકનિક વિકસિત કરવાની ક્ષમતા દર્શાવી. ડીપસીકની ટીકા એટલા માટે થઈ રહી છે કે તે ચીન માટે રાજકીય રૂપે સંવેદનશીલ મુદ્દા સાથે જોડાયેલા પ્રશ્નોનો જવાબ નથી આપતું, પરંતુ તેની ટેકનિકલ ક્ષમતાઓ અને ઓછા ખર્ચવાળા મોડલ પર કોઈ સવાલ નથી ઉઠતો. ખુદ અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે આ ઘટનાક્રમને અમેરિકા માટે જગાડનારી ઘંટડી ગણાવી છે.
અમેરિકાના સરકારી એઆઇ પ્રોજેક્ટ સ્ટારગેટ પર કામ કરી રહેલ કંપનીઓ જેવી કે માઇક્રોસોફટ અને ઓપનએઆઇના અધિકારીઓએ ડીપસીકની ક્ષમતાઓને ઘણી પ્રભાવી માની છે. એ સમજવું જરૂરી છે કે ડીપસીક જેવા ટૂલ રાજકીય પ્રશ્નોનો જવાબ શોધવા માટે નથી, પરંતુ જટિલ ટેકનિકલ કાર્યો માટે છે, જેમાં ડીપસીક મોડલ ઘણું સસ્તું અને પ્રભાવી છે. એવામાં ખર્ચ ઘટાડવા અને લાભ વધારવા માટે કંપનીઓ તેના ઉપયોગને પ્રાથમિકતા આપશે. જોકે અમેરિકી સરકાર પોતાની ટેક કંપનીઓના દબાણમાં ડીપસીક પર પ્રતિબંધ લગાવી રહી છે. અમેરિકી સરકારનું કહેવું છે કે ડીપસીક અમેરિકી યુઝર્સનો ડેટા ચોરી શકે છે, પરંતુ એવા પ્રતિબંધોની સીમાઓ નથી. કારણ કે તમામ અમેરિકી કંપનીઓ પોતાના માલનું ઉત્પાદન ચીની કંપનીઓ પાસે ચીનમાં કરાવે છે. આ ચીની કંપનીઓ ડીપસીકનો ઉપયોગ કરવાની છે. એવામાં અમેરિકી કંપનીઓ પોતાના ચીની ઉત્પાદકોને જે પણ ડેટા, જેમાં ડિઝાઇન અને પેટન્ટ સાથે જોડાયેલી જાણકારીઓ પણ હોય છે, તે આપશે. આ ઘણી હદે ભારતના મામલે પણ સાચું છે, કારણ કે કેટલીય ભારતીય કંપનીઓ પણ ચીનમાં ઉત્પાદન કરાવે છે.
ઓપન એઆઇ કે ડીપસીક જેવું કંઇક બનાવવાથી આપણે તો માઇલો દૂર છીએ. આપણી આઇટી કંપનીઓ અમેરિકી કંપનીઓની બેકરૂમ ઓફિસ બનીને જ ખુશ છે. આપણી યુનિવર્સિટીઓ એવી પીએચડીની ડિગ્રીઓ વહેંચીને ખુશ છે, જેમાં કોઈ ઉલ્લેખનીય શોધ નથી હોતી. બ્રેઇન-ડ્રેઇન રોકવા માટે આપણે કોઈ પગલાં નથી ઉઠાવ્યાં. આપણા ઉદ્યોગપતિઓ પણ કોઈ ક્રાંતિકારી ટેકનિકના આવિષ્કાર માટે ધન ઉપલબ્ધ નથી કરાવતા. રહી વાત ભારતીયોના ડેટા ચોરી થવાની, તો તે તો અમેરિકા અને ચીન, બંને દેશોની કંપનીઓ કરી જ રહી છે. વિશ્વસ્તરીય એઆઇ ટૂલ્સ બનાવવાનું તો દૂર, હજુ આપણે સ્વદેશી ઇમેલ અને ઇન્ટરનેટ મીડિયા પ્લેટફોર્મ સુદ્ઘાં નથી બનાવી શક્યા અને સંપૂર્ણ રીતે અમેરિકી કંપનીઓ પર નિર્ભર છીએ. એક્સ અને મેટાના અલ્ગોરિધમ આપણને એ જ દેખાડે છે, જે તેઓ દેખાડવા માગતા હોય. આપણી સમસ્યા એ છે કે આપણે એવું કશું કરવાનું બહુ મોડેથી વિચારીએ છીએ. જ્યાં સુધી કોઈ ઉપયોગી ટેક્નોલોજીનો વિકાસ કરીએ છએ, ત્યાં સુધી તે જૂની થઈ ચૂકી હોય છે. કંગાળ સંશોધનને કારણે આપણે ખુદ જ આપણા પર વિશ્વાસ નથી કરતા. એવામાં આપણે કોઈને કોઈ વિદેશી કાખઘોડી શોધવા માટે ટેવાઈ ગયા છીએ. તેનું તાજું ઉદાહરણ ભારત આવેલા અમેરિકી કંપની ઓપન એઆઇના વડા સેમ ઓલ્ટમેન દ્વારા એમ કહીને ભારતને રીઝવવાની કોશિશ છે કે ભારતમાં એઆઇ માટે બહુ જ સંભાવનાઓ છે. આ જ ઓલ્ટમેનને થોડા સમય સુધી ભારતના એઆઇ ટેક્નલોજી વિકસિત કરવાના પ્રયાસો પર શંકા હતી.