પંજાબ-હરિયાણા સરહદ પર એક વર્ષથી વધુ સમય સુધી બે મુખ્ય રસ્તાને રોકીને ધરણાં કરી રહેલા હઠીલા ખેડૂતોને જબરદસ્તી હટાવીને પંજાબ સરકારે એ જ કર્યું, જે તેણે બહુ પહેલાં જ કરવા જેવું હતું. ખેડૂતોનાં આ ધરણાંને કારણે ન માત્ર સામાન્ય લોકોને પરેશાનીનો સામનો કરવો પડી રહ્યો હતો, બલ્કે વેપારીઓને સારું એવું નુક્સાન પણ ઉઠાવવું પડતું હતું. જોકે ખેડૂત નેતા સુપ્રીમ કોર્ટની દખલ બાદ પણ પોતાની હઠ છોડવા તૈયાર ન હતા, એટલા માટે પંજાબની આમ આદમી પાર્ટીની સરકાર પાસે રસ્તા ખાલી કરાવ્યા વિના કોઈ ચારો રહ્યો ન હતો.
આ એ જ આમ આદમી પાર્ટી છે, જેણે એક સમયે કૃષિ કાયદાના વિરોધમાં જબરદસ્તી દિલ્હીને ઘેરીને બેઠેલા કથિત ખેડૂતોનું દરેક પ્રકારે સમર્થન કર્યું હતું. એ સારું છે કે તેણે ભલે મજબૂરીમાં, પણ પોતાનો રાજધર્મ નિભાવ્યો. તેણે બુલડોઝર મોકલીને ખેડૂતોએ બનાવેલા અસ્થાયી તંબુઓને તોડી પાડ્યા. એ સમયની માંગ છે કે ખેડૂત નેતાઓ પણ એ સમજે કે હઠધર્મિતા દેખાડવાથી તેમની સમસ્યાઓનું સમાધાન થવાનું નથી. તેમણે એ પણ સમજવું પડશે કે જો કોઈ પોતાની માંગો મનાવવા માટે જાણીજોઈને લોકોને પરેશાન કરવાની રીતભાતો અપનાવે છે તો તે જનતાની સહાનુભૂતિ ગુમાવી દે છે અને સરકારો માટે તેમની માંગો પર વિચાર કરવો પણ મુશ્કેલ થઈ જાય છે.
ખેડૂત સંગઠનો પોતાની અન્ય અનેક માંગો સહિત તમામ પાકોની ટેકાના ભાવે ખરીદીની ગેરંટીવાળો કાયદો ઇચ્છે છે. તેમનું માનવું છે કે સરકાર માટે આવો કાયદો બનાવવો સંભવ છે, પરંતુ કેન્દ્ર સરકાર વારંવાર કહી રહી છે કે આવો કાયદો બનાવવો સંભવ નથી અને જો તેમના દબાણમાં આવીને એવો કાયદો બનાવી પણ દેવાય તો તેનાં દુષ્પરિણામો ખેડૂતોએ જ ભોગવવાં પડશે.
ખેડૂત નેતાઓ પાસે એવા સવાલોનો કોઈ જવાબ નથી હોતો કે જો વેપારી ટેકાના ભાવે ખરીદી કરવાનું બંધ કરી દે તો શું થશે? એના પર આશ્ચર્ય નહીં કે ખેડૂત નેતાઓ અને કેન્દ્રીય મંત્રીઓ વચ્ચે સાતમા દોરની મંત્રણા કોઈ નિષ્કર્ષ સુધી પહોંચી ન શકી. એ ઠીક છે કે પંજાબ સરકાર તરફથી ખેડૂત સંગઠનોને સડક પરથી હટાવી દેવાથી ખેડૂત નેતાઓ નારાજ છે, પરંતુ યોગ્ય એ જ રહેશે કે તેમના અને કેન્દ્ર સરકાર વચ્ચે વાતચીતનો દોર ચાલુ રહે.
જોકે વાતચીત કોઈ સકારાત્મક પરિણામ પર ત્યારે જ પહોંચી શકે છે જ્યારે બંને પક્ષ વચ્ચેનો કોઈ રસ્તો શોધવાની કોશિશ કરશે. જ્યાં સરકાર માટે એવા ઉપાય કરવા જરૂરી છે, જેનાથી ખેતીનો ખર્ચ ઓછો થાય અને ખેડૂતોને તેમની ઉપજના યોગ્ય ભાવ મળે, ત્યાં જ ખેડૂત નેતાઓએ પણ પોતાની માંગોને લઈને જીદ પકડવાથી બચવું પડશે. કેન્દ્ર સરકારે એ જવાબદારી પોતાના માથે લેવી પડશે કે તેઓ ખેડૂત નેતાઓ સમક્ષ એ તથ્યો રજૂ કરે જેનાથી સ્પષ્ટ થઈ શકે કે ટેકાના ભાવ પર ખરીદીની ગેરંટીવાળો કાયદો કઈ રીતે તેમના માટે જ સમસ્યા પેદા કરશે.