નાસભાગ અને અફરાતફરીને કારણે લોકો કચડાઈ જાય અને જીવ ગુમાવી દે એવું પહેલીવાર નથી થયું અને કમભાગ્યે કહેવું પડે છે કે છેલ્લી વાર પણ નથી. આ વખતે એનું સ્થળ પ્રયાગરાજ હતું, આ પહેલા હાથરસમાં બાબા હરિ સરકારના સત્સંગનું સ્થળ હતું, એ પહેલા એક વાર મુંબઈનું એક સ્ટેશન હતું. મૃતકોના આંકડા અને ચહેરા બદલાયા. પીડા, દુઃખ દર્દ અને નિઃસહાયતા એ જ રહી. આયોજન, વહીવટ કે સરકાર પર આક્ષેપ નાખીને પરિણામ તો એનું એ જ રહે છે. જે ઘરે બેસીને સમાચાર વાંચે કે જોવે છે તેઓ ત્યાં જનાર લોકોને પણ મૂરખમાં ખપાવે છે. એવું શું છે કે લોકો તમામ ભાન સાન ભૂલી જાય છે અને ટોળાનું એક ઉડી ગયેલું તણખલું બની જાય છે. ક્યારેક કોઈ ભીડ થાય છે ત્યારે એક નિર્દોષ પર પથ્થર મારે છે તો ક્યારેક કોઈ ભીડ ભેગી થઈને પબ્લિક ટાન્સપોર્ટના વેહિકલને આગ ચાંપે છે. ટૂંકમાં ભીડ ક્યારેય બૌદ્ધિક અને સંતુલિત નિર્ણય નથી કરતી એ વાસ્તવિકતા છે.
આપણે જયારે વ્યક્તિ મટીને ટોળું બનીએ છીએ ત્યારે વૈયક્તિક જ્ઞાાન કે બૌદ્ધિક ક્ષમતા સાથેના વર્તન કે નિણર્ય શક્ય નથી બનતા. આપણે જયારે બહુમતીમાં ભળી જઈએ છીએ ત્યારે ખોટું કરીએ તો પણ તે સત્ય પુરવાર થાય છે. તમે જ્યારે વ્યક્તિ માટીને ટોળું બનો છો ત્યારે તમને સમૂહમાં હોવાની સલામતી ચોક્કસ મળે છે પરંતુ તમે તમારી વ્યક્તિતા ખોઈ બેસો છો. અને વાસ્તવિકતા એ પણ છે કે આપણે જો બહુમતી સાથે ન ચાલીએ અને પોતાના નિર્ણય પર અડગ રહીએ તો એકલા પડી જવાનો ભય રહે છે. તમામ સંઘર્ષ એકલા હાથે લડવા માટેની શક્તિ હોય તો જ પોતાનો માર્ગ જાતે પસંદ કરીએ છીએ. કારણકે એસોશિયેશન એટલે કે જોડાણ આપણી ઉત્ક્રાંતિના ઇતિહાસમાં પણ જોવા મળે છે. માણસ જાતને જયારે અન્ય તમામ પ્રાણી સાથે લડત આપીને અસ્તિત્વ ટકાવી રાખવાનું હતું ત્યારે સમૂહમાં રહેવાના નિર્ણયને કારણે આજે એ દ્રશ્ય આપણી સામે છે જેમાં માણસ ભલભલા પ્રાણીને પાંજરામાં પુરી શકે છે અને જંગલ ફરતે પણ દીવાલો ચણી શકે છે.
સમૂહ,જૂથ, ટીમ અને ટોળામાં તફાવત છે. જયારે સરખા હેતુ અને આપસી સમજણ સાથે કોઈ એક હેતુ કે ઉદ્દેશને સિદ્ધ કરવા માટે લોકો મળે,વિચારોનું આદાન પ્રદાન કરે અને મૂલ્યો માટે સ્પષ્ટ હોય ત્યારે સકારાત્મક પરિણામ લાવી શકે છે. પરંતુ જયારે કશું જ વિચાર્યા વગર અજાણ્યા માણસો માત્ર આકસ્મિક રીતે જોડાય છે ત્યારે એમાં દિશા અને સમજણનો અભાવ હોય છે. તમે જોયું હશે કે કોઈ ધર્મગુરુ કે પોલિટિકલ પાર્ટીમાં એકસાથે હૈશો હૈશો કરતા લોકોમાં સિત્તેર ટકા લોકોમાં પોતાની ઈચ્છા કે નિર્ણય નથી હોતાં. ક્યારેક અંધશ્રદ્ધા તો ક્યારેક ઘેલછામાં જોડાયેલ બહુમતી લોકો પ્રવાહનો એક ભાગ બની જાય છે કારણકે એમાં એમને જોડાણ અને સલામતીનો અનુભવ થાય છે. ગુજરાતી ભાષામાં એક કહેવત છે,જે સૌનું થાય તે વહુનું થાય. ટોળાને પણ આ લાગુ પડે છે. જ્યારે કોઈ ભૂલ કરીએ તો એમાં પણ વધુ લોકો જોડાયા હોય ત્યારે સજાનો ભય ઓછો રહે છે.
ક્રાઉડ સાયકોલોજી અનુસાર ટોળામાં મોટે ભાગે વ્યક્તિગત જવાબદારીનો અભાવ હોય છે. એકસાઈટમેન્ટ વધુ હોય છે પણ તેનો ઉપયોગ અર્થપૂર્ણ નથી હોતો. અહીં વ્યક્તિ પોતાની ઈન્ડીવિજ્યુઆલીટી અને આઈડેન્ટીટી ગુમાવીને ટોળા સાથે ભળી જાય છે. કમનસીબે ટોળામાં પોતીકી કોન્શિયસનેસ અદ્રશ્ય થઇ જાય છે અને વિભાજીત -શેર કોન્શિયસનેસ સપાટી એ આવી જાય છે અને તેને પરિણામે વર્તનમાં બૌધિક પાસું ઓછું જોવા મળે છે. આથી ટોળા દ્વારા થતા વર્તનમાં ભૂલ અને ગુનાનું પ્રમાણ વધતું જાય છે. ખરેખર તો કલેકટીવ બિહેવિયર જે તે સમયની માંગ અનુસાર, સ્થળ અને સંજોગો અનુસાર પ્રમાણમાં વધુ લોકો દ્વારા થતું વર્તન છે જેનો સમયગાળો પ્રમાણમાં ઓછો હોય છે. અહી મુખ્ય સમસ્યા એ છે કે જે તે વર્તનના પરિણામની ઓળખ કે ચિંતા કોઈને નથી હોતા. જે તે સમયના અરાઉઝલ (ઉન્માદ )નો ભોગ બધા બને છે અને આથી જ ટોળા દ્વારા થતા વર્તનમાં ગુનાઇત પ્રવૃત્તિ મોખરે રહી છે