વિશ્વની મુખ્ય રેટિંગ એજન્સી મૂડીઝના એ આકલનનું આશ્ચર્ય નહીં કે ભારત સાથે તણાવપૂર્ણ સંબંધ પાકિસ્તાનને બહુ મોંઘા પડશે. આ એજન્સીનું એ પણ માનવું છે કે જો તણાવ લાંબો ખેંચાયો તો પાકિસ્તાનનો જીડીપી દર નકારાત્મક પણ થઈ શકે છે. એ જ રીતે જો યુદ્ઘની નોબત આવી તો પાકિસ્તાન માટે તેને સહન કરવું સંભવ નહીં હોય. પાકિસ્તાન પહેલેથી જ ખસ્તાહાલ છે. તે લાંબા સમયથી વિશ્વ બેંક અને આંતરરાષ્ટ્રીય મુદ્રા કોષ જેવી સંસ્થાઓની સાથે સાથે વિભિન્ન દેશો પાસેથી ભીખ માગીને પોતાનું કામ ગબડાવ્યે રાખે છે. પાકિસ્તાન પોતાનું વલણ સુધારવાનું નથી, તેથી ભારત માટે એ જરૂરી છે કે તે દરેક સ્તર પર તેની સાથેના સંબંધો તોડી નાખે. તેની સાથે એ પણ સમયની માંગ છે કે એવા ઉપાય કરવામાં આવે, જેનાથી પાકિસ્તાનની આર્થિક હાલત બદથી બદતર થઈ જાય. ભારતે પાકિસ્તાનના એ તમામ સ્રોતોને બંધ કરવા માટે સક્રિય થવું જોઇએ, જ્યાંથી તે સહજે પણ વિદેશી મુદ્રા મેળવતું હોય. પાકિસ્તાન સાથે તણાવનો ઉલ્લેખ કરતાં ભારતે યુરોપની સાથે એ તમામ દેશોને સતર્ક કરવા જોઇએ, જેમના વિમાન પાકિસ્તાની વાયુ ક્ષેત્રનો ઉપયોગ કરે છે, જેથી તેઓ પોતાનો રસ્તો બદલે અને પાકિસ્તાન ઓવર ફ્લાઇટ ચાર્જ પણ ગુમાવી દે. પાકિસ્તાન પ્રત્યે આક્રમક મુદ્રા જાળવી રાખીને તેને એટલું ત્રસ્ત કરી દેવું જોઇએ કે તે બચાવની તૈયારીમાં પોતાનાં સંસાધનો વેડફતું રહે. ભારતે વધુને વધુ વિદેશી કંપનીઓને એ સંદેશ પણ આપવો જોઇએ કે જો તે પાકિસ્તાનમાં કારોબાર કરે છે તો તેમના માટે અમારે ત્યાં વેપાર કરવો મુશ્કેલ થઈ જશે.
ભારતે આંતરરાષ્ટ્રીય મુદ્રા કોષથી પાકિસ્તાનને અપાતી લોનની સમીક્ષાની માંગ ઉઠાવીને યોગ્ય કર્યું, પરંતુ કોશિશ એ હોવી જોઇએ કે આ લોન તેને મળી ન શકે. ભારતે એ પણ જોવું પડશે કે પાકિસ્તાન ફરી એક વખત ફાઇનાન્શિયલ એક્શન ટાસ્ક ફોર્સના નિરીક્ષણ યાદીમાં આવી જાય. એ મુશ્કેલ કામ નથી, કારણ કે પાકિસ્તાન કેટલાક સમય પહેલાં સુધી આતંકના આર્થિક સ્રોતોની ઓળખ કરનારી આ સંસ્થાના ગ્રે લીસ્ટમાં હતું. આ સંસ્થાના સદસ્ય દેશ એનાથી સારી રીતે વાકેફ છે કે પાકિસ્તાન કઈ રીતે જાતજાતના આતંકી સંગઠનો પોષતું આવ્યું છે. હવે જ્યારે ભારતે સિંધુ જળ સમજૂતી પર રોક લગાવીને એ સ્પષ્ટ કરી દીધું છે કે પાકિસ્તાની સેના અને સરકારની હરકતોની કિંમત ત્યાંના લોકોએ પણ ચૂકવવી પડશે, તો પછી જે પણ પાકિસ્તાની પોતાના ઓનલાઇન પ્લેટફોર્મના માધ્યમથી ભારતીય દર્શકોના સહારે કમાણી કરે છે, એ બધા માટે એવું કરવું મુશ્કેલ બનાવી દેવામાં આવે. એની સાથે જ ભારતે પોતાના નાગરિકોને તુર્કીયે જેવા દેશોમાં પર્યટન માટે પણ હતોત્સાહિત કરવા જોઇએ, જે પાકિસ્તાનનો ખુલ્લી કે છૂપી રીતે સાથ આપતા દેખાય છે.