પાણીપુરી, ગુલાબજાંબુ, ખમણ, ભજીયાં વિ. એવી વસ્તુઓ છે જેનો તમને કદીય એકથી સંતોષ નથી થતો. વડાપ્રધાન/પ્રેસિડેન્ટની ખુરશીનું પણ એવું જ છે- એક બાર સે દિલ નહીં ભરતા… ભારતના પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નહેરુ એક કરતાં વધારે ટર્મ માટે વડાપ્રધાનપદે રહ્યા હતા. વર્તમાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ એક કરતાં વધારે ટર્મથી દેશના વડાપ્રધાન છે. અમેરિકામાં પણ એવું જ છે. વીસેક જેટલા પ્રેસિડેન્ટ લાગલગાટ બબ્બે ટર્મ સુધી અમેરિકાની સેવા કરી ચૂક્યા છે. ટ્રમ્પના નસીબ ઉલટી ખોપડીના હશે કે તે એકવાર પ્રમુખ બન્યા પછી બીજી ટર્મ હારી ગયા ને હવે ત્રીજી ટર્મમાં બીજીવાર પ્રમુખ બન્યા છે. જાન્યુઆરી, ૨૦૧૭ થી જાન્યુઆરી, ૨૦૨૧ની ટર્મ માટે એટલે કે ચાર વર્ષ માટે પ્રમુખ રહ્યા. જાન્યુઆરી, ૨૦૨૧ થી જાન્યુઆરી, ૨૦૨૫ એ ચૂંટણી હારીને ઘેર બેઠા. અને ફરી પાછા જાન્યુઆરી, ૨૦૨૫થી જાન્યુઆરી, ૨૦૨૯ તે માટે પ્રમુખ બન્યા છે.
માણસ પાસે સુંદર મજાની નોકરી કે કામધંધો હોય ત્યારે સરસ રીતે એ ટિફિન લઈને સવારે કામધંધે જતો હોય અને સાંજે ઘરે પાછો આવતો હોય. વારે-તહેવારે પત્ની-બાળકો સાથે ફિલ્મ જોવા જાય ને વળતાં કોઇ રેસ્ટોરાંમાં જમીને બધાં ઘરે પાછા ફરતો હોય. લાઈફ એકદમ સેટ હોય. ને એક દિવસે અચાનક એ નોકરી ચાલી જાય કે ધંધો બંધ થઈ જાય તો કેવો આઘાત લાગે! એની માનસિક સ્થિતિ કેવી ડામાડોળ થઈ જાય! ઘરમાં ચીડાયેલો ચીડાયેલો અને બહાર ફ્રસ્ટ્રેટ થઈને ફર્યા કરતો હોય. પાનના ગલ્લે ઉપર રહીને સાંભળેલી ને વૉટ્સએપમાં વાંચેલી વાતો સાચી માનવા લાગ્યો હોય. સંતાનોને વગર કારણે ઝુડી નાખતો હોય. વગદાર-ધનવાન લોકો સમક્ષ આશાભરી આંખે જોતો અને ઝુકતો થઈ ગયો હોય.
ને આ રીતે ચાર-પાંચ વર્ષ રફેદફે, અફરાતફરી અને અગડમ બગડમવાળું જીવન જીવ્યા બાદ ફરી પાછો એ ભાઈને પોતાની મૂળ નોકરી લાગી જાય કે તેનો મૂળ ધંધો શરૃ થઈ જાય એવું બની શકે. પણ વિચારો એ વખતે એની દિમાગી હાલત ફરી પાછી કેવી થઈ જાય! મે મહિનામાં મુંબઈથી ફર્સ્ટ ક્લાસ એસી ટ્રેનમાં પાંચ-છ કલાક મુસાફરી કરી કોઈ માણસ અમદાવાદ ઉતરે. ત્યાંથી ભરબપોરે પગપાળા ચાલીને ભદ્રકાળીના મંદિરે જાય. દર્શન કરી પગપાળા ચાલીને રેલવે સ્ટેશને આવે. વળતી ટ્રેનના ફર્સ્ટ ક્લાસ એસી કોચમાં બેસી ગઈ પાછો મુંબઈ જવા નીકળી જાય. એસીની ઠંડકમાંથી વૈશાખ મહિનાની બપોરનો અમદાવાદનો તડકો અને ફરી પાછી એસીની ઠંડક. બીજા દિવસે એને હોસ્પિટલમાં દાખલ કરવો પડે કે નહીં? ડોનાલ્ડ ટ્રમ્પની સ્થિતિ મોટા અંશે આવી જ છે.
પહેલી ટર્મમાં પ્રમુખપદની જાહોજલાલી, જગતજમાદારપણું અને ફાંકાફોજદારી ભોગવ્યા બાદ બીજી વારના ઇલેક્શનમાં હાર્યા ત્યારે ટ્રમ્પ કાયમ ચૂર્ણ લેવાનું ભૂલી ગયા હતા. ને તેથી એ હાર તે પચાવી ન શક્યા. એમના પાળેલા હજારો કટ્ટર સમર્થકોએ વોશિંગ્ટનમાં અફઘાનિસ્તાન-પાકિસ્તાનવાળી કરી મૂકી હતી. ’હું હારી ગયો છું.’- એ હકીકતનો સ્વીકાર કરવા અને પ્રમુખની ખુરશી છોડવા ટ્રમ્પ રાજી ન હતા. છેવટે કાયદાકીય ટીંગાટોળી કરી તેમને ઓવલના નામે ઓળખાતી અમેરિકન પ્રમુખની ચેમ્બરમાંથી રવાના કરવામાં આવ્યા હતા.
વિચાર કરો આ કક્ષાનો સત્તાનો આશિક ચાર વર્ષ ઘરે બેસી રહે પછી શું બાકી રાખે! અધૂરામાં પૂરું ચૂંટણી હાર્યા બાદ ટ્વીટર પર બેફામ ભાષામાં નિવેદનબાજી કરવા બદલ ટ્વીટર કંપનીએ તેમનું એકાઉન્ટ પણ સસ્પેન્ડ કરી દીધું હતું. ટૂંકમાં, અંદાઝ અપના અપના ફિલ્મમાં રમ પીને અટ્ટહાસ્ય કરી રહેલા સલમાન ખાનને જોઈ આમીર ખાન કહે છે તેવું ટ્રમ્પ સાથે થયું હતું : જબ દિલ તૂટતા હોય તો ઉસકા સીધા અસર દિમાગ પર હોતા હૈ.
હવે ઘવાયેલો, છંછેડાયેલો ને (પોતાના વાંકે) અપમાનિત થયેલો ડિઝનીલેન્ડનો સાવજ ચાર વર્ષના ઇન્ટરવલ બાદ ફરીથી વ્હાઇટ હાઉસમાં આવી ગયો છે. આવીને તરત જ બરાબર હલાવેલી બોટલમાંથી ઉડતી શેમ્પેઇનની છોળો જેમ ડોનાલ્ડ ટ્રમ્પ પણ ચારેય બાજુ ઉછળી રહ્યા છે.