બે દિવસ પહેલાં અમેરિકાથી ૧૦૪ ગેરકાયદે પ્રવાસી ભારતીયો બેઇજ્જત થઈને અમેરિકી સૈન્ય વિમાનથી સ્વદેશ પરત ફર્યા. આ બધાની ચાલીસ કલાકની યાત્રા કેટલી અપમાનજનક રહી હશે કે તેમને હાથકડી અને બેડીઓથી બાંધવામાં આવ્યા હતા. આ દુર્ભાગ્યશાળી લોકો બેઇમાન ટ્રાવેલ એજન્ટો, પોતાની લાલચ અને રાતોરાત અમીર બનવાની ચાહતના શિકાર હતા. એ ધ્યાન રહે કે તેમાંથી કોઈપણ બદહાલ કે ગરીબ ન હતું. અમેરિકા જવા માટે તેમણે જે ગેરકાનૂની માર્ગ અપનાવ્યો, તેના માટે તેમણે ૫૦ લાખથી લઈને એક કરોડ રૂપિયા સુધી ખર્ચ કર્યા હતા.
આ કોઈ પહેલી વાર નથી કે જ્યારે અમેરિકાથી ગેરકાયદે પ્રવાસી ભારતીયો સ્વદેશ પરત ફર્યા હોય. ગયા વર્ષે ઓક્ટોબરમાં એક અમેરિકી ચાર્ટર્ડ વિમાનથી ૧૦૦ ગેરકાયદે પ્રવાસી ભારતીયોને અમેરિકાએ ચૂપચાપ સ્વદેશ મોકલ્યા હતા. આ વખતે અંતર માત્ર એટલું છે કે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે આ પ્રક્રિયાને અત્યધિક નાટકીય બનાવતાં મોંઘા સૈન્ય વિમાનોનો ઉપયોગ કર્યો છે. નિઃસંદેહ આ ઘટનાક્રમ ભારત માટે શરમનો વિષય છે. આ બધું અમેરિકામાં કાયદેસર જીવન ગુજારી રહેલા ૫૦ લાખ ભારતીય મૂળના અમેરિકી નાગરિકોને પણ અસહજ કરે છે, જેઓ પોતાની પ્રતિભા, શિક્ષણ, યોગ્યતા અને સંસ્કૃતિ સાથે જોડાણને કારણે સફળ છે. આ ભારતીય સમૂહની સરેરાશ ઘરેલુ આવક ૧,૪૫,૦૦૦ ડોલર છે, જે અમેરિકાની રાષ્ટ્રીય સરેરાશ આવક ૮૦,૧૬૦ ડોલરથી ક્યાંય વધારે છે.
આખરે કેમ વિકાસશીલ દેશોના લોકો મોટી સંખ્યામાં અમેરિકા જવા માગે છે? જે અમેરિકાને આપણે જાણીએ છીએ, તેને વર્ષ ૧૪૯૨-૯૩માં યુરોપીય ઇસાઇ પ્રચારક ક્રિસ્ટોફર કોલંબસે ભારત સમજીને અજાણતાં શોધી કાઢ્યો હતો. જ્યાં યુરોપીય ઉપનિવેશવાદીઓએ વિસ્તારવાદ અને મજહબી દમનચક્ર ચલાવીને અમેરિકાના મૂળ ધ્વજવાહકો અને તેમની સંસ્કૃતિને સંગ્રહાલયની શોભા વધારવા સુધી સીમિત કરી નાખી, તો આ જ અવધિમાં તેઓ યુરોપથી અમેરિકામાં આર્થિક-બૌદિ્ઘક પૂંજીનું રોકાણ કરતા રહ્યા. અમેરિકી જનગણના અનુસાર ૧૬૧૦માં બિન-મૂળનિવાસી ‘ઉપનિવેશવાદીઓ’ની આબાદી માત્ર ૫૦૦ હતી, જે ૧૭૮૦માં વધીને લગભગ ૨૮ લાખ થઈ ગઈ. તેના આઠ વર્ષ બાદ નવા રાષ્ટ્ર ‘સંયુક્ત રાજ્ય અમેરિકા’નું બંધારણ અસ્તિત્વમાં આવ્યું.
અમેરિકાની આબાદી ૩૪ કરોડ છે, જે ભારતની કુલ જનસંખ્યાનો માત્ર એક ચતુર્થાંશ હિસ્સો છે. અમેરિકાનો ભૂ-ભાગ ભારત કરતાં ત્રણ ગણો મોટો છે. તેની પાસે ૯૫,૦૦૦ કિલોમીટર લાંબી તટીય રેખા છે, તો ૨૫૬ અબજ બેરલ ક્રુડ ઓઇલનો ભંડાર છે, જે સઉદી અરબથી પણ વધારે છે. અમેરિકા વૈશ્વિક ૪૫ ટકા પાણી, ૨૨ ટકા કોલસો, છ ટકા જમીન, દસ ટકા કૃષિ યોગ્ય ભૂમિ અને માત્ર ચાર ટકા જનસંખ્યા સાથે દુનિયાનો સંપન્ન દેશ છે. તેની સીમાઓ ભારત-પાકિસ્તાન, ભારત-ચીન, ભારત-બાંગ્લાદેશ કે પચી યુરોપ-રશિયા જેવી જટિલ અને તણાવગ્રસ્ત નથી. ઇરાન, ચીન અને રશિયા જેવા ‘શત્રુ રાષ્ટ્ર’ અમેરિકા કરતાં હજારો કિલોમીટર દૂર છે. અમેરિકાની આ જ વિશેષતા વિકાસશીલ દેશોના કેટલાય લોકોને આકર્ષિત કરે છે. હાલની સ્થિતિને અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ બદલવા માગે છે. તેમની નીતિ પોતાના દેશને એ મૂલ્યોથી અંગીકૃત કરવાની છે, જેમાં માત્ર અમેરિકા અને તેના મૂળ નાગરિકો માટે જ સ્થાન હોય. આ જ શૃંખલામાં ટ્રમ્પે પોતાના કાર્યકારી આદેશોથી વિશ્વમાં ‘ટેરીફ યુદ્ઘ’નો પણ આરંભ કરી દીધો. જેવા જ ૧ ફેબ્રુઆરીએ અમેરિકાએ મેક્સિકો અને કેનેડાથી આયાતી વસ્તુઓ પર ૨૫ ટકા અને ચીન પર ૧૦ ટકાનો વધારાનો શુલ્ક લાગુ કર્યો, એવા જ કેનેડા-મેક્સિકોએ પલટવાર કરતાં અમેરિકી આયાતી વસ્તુઓ પર પણ વધારાનો શુલ્ક લગાવી દીધો. જોકે ટ્રમ્પે બાદમાં એક સમજૂતી અંતર્ગત કેનેડા-મેક્સિકોને તેનાથી રાહત આપી દીધી. ટ્રમ્પ બ્રિક્સ સમૂહ (ભારત સહિત)ને પણ વેપારી લેવડ-દેવડમાં અમેરિકી ડોલરનો વિકલ્પ શોધવા માટે ચેતવણી જારી કરી ચૂક્યા છે. આ જ પૃષ્ઠભૂમિમાં એમ કહેવું અતિશયોક્તિ નહીં હોય કે વૈશ્વીકરણ, જેનો જન્મ દ્વિતીય વિશ્વયુદ્ઘ (૧૯૩૯-૪૫) બાદ થયો હતો – તેના તાબૂતમાં ટ્રમ્પ પોતાની નીતિઓથી આખરી ખીલો ઠોકી રહ્યા છે.
વિચારોના સંસારમાં વૈશ્વીકરણની ઉંમર અત્યાર સુધી સૌથી ઓછી છે, અમેરિકા તેનું દાયકાઓ સુધી સંરક્ષક અને પર્યાય રહ્યું છે. ભારતની સનાતન પરંપરા છોડી દઈએ, તો મજહબ રૂપે યહૂદી ત્રણ હજારથી વધુ, ઇસાઇયત બે હજાર, તો ઇસ્લામ ૧૪૦૦ વર્ષોથી છે. વામપંથે ૭૪ વર્ષો (૧૯૧૭-૯૧)માં દમ તોડી દીધો. વર્તમાન સમયમાં ચીનનું વૈચારિક-રાજકીય અધિષ્ઠાન વામપંથી, તો અર્થવ્યવસ્થા મૂડીવાદી છે. ઉત્તર કોરિયા, લાઓસ, વિયેતનામ, ક્યૂબા પણ સામ્યવાદી દેશ છે અને તેમાંથી કોઈપણ દુનિયામાં સંપૂર્ણ રીતે ખુશહાલ અને આદર્શ સમાજની પરિકલ્પના સાકાર નથી કરી શક્યું. દુનિયામાં ‘આદર્શ સમાજ’ કેવો હોય અને અર્થતંત્રના માપદંડ કેવા હોય એના પર પણ ‘વ્હાઇટમેન બર્ડન’ ચિંતનથી પ્રેરિત અમેરિકા અને પશ્ચિમી દેશોનું એકતરફી નિયંત્રણ રહ્યું છે.