એકવીસમી સદીને જ્ઞાનની સદી તરીકે ઓળખવામાં આવે છે અને નવી પેઢીમાં જ્ઞાનનું સિંચન થાય તેમજ નોલેજ ઇઝ પાવરનું સૂત્ર મૂર્ત બને એ ભારત સહિત એશિયાના ઘણા દેશોની સરકારોના ટોપ અજેન્ડા પર છે. પરંતુ આવો ઉમદા અજેન્ડા હાથ પર લેવો તે એક બાબત છે અને અજેન્ડાનું એટલું જ ઉમદા રીતે અમલીકરણ થવું એ જુદી બાબત છે. સરકારમાં મોટે ભાગે તો એ બન્ને નોખી બાબતોનો હસ્તમેળાપ થતો નથી, પરંતુ મલયેશિયાની, દક્ષિણ કોરિયાની, સિંગાપુરની અને ચીનની સરકારોને તેમાં અપવાદ ગણવી રહી. નવી પેઢીને જ્ઞાનની સદી માટે તૈયાર કરવા એ ચારેય દેશોએ પોતાની શિક્ષણ પ્રણાલિમાં ધરખમ ફેરફારો આણ્યા છે. મલયેશિયાએ ૨૦૧૩ની સાલમાં બ્રાન્ડ-ન્યૂ એજ્યૂકેશન સિસ્ટમ અમલમાં મૂકી, તો દક્ષિણ કોરિયાએ પરીક્ષામુક્ત શિક્ષણ પદ્ધતિ અપનાવી છે. દેશના તમામ બાળકોને શિક્ષણ આપવાના હેતુએ વિનામૂલ્યે શિક્ષણનો પ્રોગ્રામ પણ દક્ષિણ કોરિયાની સરકારે ઘડી કાઢ્યો છે. આ તરફ મહાસત્તા બનવા માગતા ચીને તો પોતાની વર્ષો જૂની શિક્ષણ પદ્ધતિનાં મૂળિયાં ખેંચી કાઢીને ૨૦૦૩ની સાલથી ફર્સ્ટ ક્લાસ એજ્યૂકેશન નામની આધુનિક સિસ્ટમ અમલમાં મૂકી દીધી છે. આ નવી પદ્ધતિ ચીની બાળકોના સર્વાંગી વિકાસમાં અત્યંત કાર્યક્ષમ સાબિત થઇ રહી છે.એશિયાઇ સુપરપાવરની થકવનારી રેસમાં ચીનની સામે ઉતરેલા આપણા દેશની વાત કરો તો ભાવિ પેઢીને જ્ઞાનની સદી માટે સજ્જ કરવાના આશયે કેંદ્ર સરકારે ૨૦૦૫માં ધ નોલેજ કમિશન ઓફ ઇન્ડિયાની સ્થાપના કરી હતી. દેશની શિક્ષણ પ્રણાલિમાં નવા જમાના પ્રમાણે સુધારા આણવા, સ્કૂલ-કોલેજો તેમજ રિસર્ચ સંસ્થાઓમાં જ્ઞાનવિજ્ઞાનનો પ્રચાર-પ્રસાર કરવો, યુવા પેઢીને નોલેજલક્ષી અર્થતંત્ર માટે તૈયાર કરવી વગેરે ધ નોલેજ કમિશન ઓફ ઇન્ડિયાના મુખ્ય અજેન્ડા હતા. પરંતુ ઉપર નોંધ્યું તેમ અજેન્ડા અને અજેન્ડાના અમલીકરણ વચ્ચે જોડામેળ બધા કેસમાં જામતો નથી. દુર્ભાગ્યે આપણે ત્યાં પણ ન જામ્યો. પરિણામ એ કે આજે ભારતના ઘણાખરા ડિગ્રીધારી સ્નાતકો તેમની નબળી વ્યવહાર પટુતાને કારણે–ખાસ તો નબળા ભાષાકીય જ્ઞાનને કારણે–નોકરી માટે ગેરલાયક ઠરે તેમ છે. આ કઠોર વાસ્તવિકતા છે, જેની પાછળનાં કારણો તપાસવા જેવાં છે :
અંગ્રેજી મીડિઅમની સ્કૂલોમાં ભણીને કોલેજમાં પ્રવેશ મેળવતા બહુધા વિદ્યાર્થીઓ તથા વિદ્યાર્થીનીઓ એક પણ ભૂલ વિનાનું અંગ્રેજી વાક્ય સુદ્ધાં લખી શકતા નથી. સ્પેલિંગની, વિરામચિહ્નોની યા વ્યાકરણની ખામી તેમના લખાણમાં જોવા મળે છે. કડકડાટ અંગ્રેજી બોલવાનો તો પછી પ્રશ્ન જ નથી. દિલ્લીની કેટલીક સ્કૂલ-કોલેજોમાં કરાયેલા રિસર્ચ દરમ્યાન જાણવા મળ્યું તેમ અંગ્રેજીના તેમજ હિંદીના વિષયોમાં ૮૦ થી ૯૦ ટકા માર્ક્સ લાવી દેખાડનાર વિદ્યાર્થીઓ તેમના અભ્યાસક્રમ બહારના વિષય પર લખતી વખતે જે અંગ્રેજી / હિંદી ભાષાનો ઉપયોગ કરે છે તે વ્યાકરણની દષ્ટિએ ખામીયુક્ત હોય છે.નોલેજ કમિશન ઓફ ઇન્ડિયાએ તેના રિપોર્ટમાં નોંધ્યું તેમ હાઇસ્કૂલના તેમજ કોલેજના પણ અનેક વિદ્યાર્થીઓને એ, એન તથા ધ જેવા ઉપપદો, સર્વનામ,નામયોગી અવ્યય, ઉભયાન્વયી અવ્યય, અલ્પવિરામ તેમજ અપોસ્ટ્રોફિ ’એસ વગેરેના ઉચિત ઉપયોગ વિશે પાકા પાયે જાણકારી નથી.
વિદ્યાર્થીઓનો બહુ મોટો વર્ગ એવો પણ છે કે જે પરીક્ષા દરમ્યાન પોતાની ઉત્તરવહીમાં ત્રણેક પાનાં લાંબા જવાબો લખતી વેળાએ વિરામચિહ્નો વાપરવાનું તેમજ એકાદ ફકરો સુદ્ધાં પાડવાનું જરૂરી સમજતો નથી અગર તો એવી જરૂરિયાત વિશે તે અજાણ છે.
દિલ્લીની એક સેન્ટ્રલ બોર્ડ સ્કૂલમાં જોવા મળેલા કિસ્સાનો અહીં ઉલ્લેખ કરવો રહ્યો. આઠમા ધોરણના વિદ્યાર્થીઓને તેમના ક્લાસ ટીચરે ૧૮મી સદીના ઔદ્યોગિક ક્રાંતિ પર નિબંધ લખવા જણાવ્યું ત્યારે એક વિદ્યાર્થીએ જાણીતા અંગ્રેજ કવિ તથા ચિત્રકાર વિલિયમ બ્લેકની કવિતાના કેટલાક અંશો પોતાના નિબંધમાં ટાંક્યા. દેખીતી વાત કે કવિતા તેણે અગાઉ ક્યારેક વાંચી હતી, માટે તેનું વર્ણન પોતાના શબ્દોમાં તે કરી શક્યો. નિબંધ લખવામાં વિદ્યાર્થીએ મૌલિકતા દાખવી, પરંતુ બદલામાં ટીચરનો ઠપકો મળ્યો. ‘ટેક્સ્ટબૂક બહારનો એક પણ નવો શબ્દ લખવાનો નહિ !’ એમ કહીને ટીચરે નિબંધ ગેરમાન્ય ઠરાવ્યો અને આખા વર્ગમાં સૌથી ઓછા માર્ક તે વિદ્યાર્થીને ફાળવ્યા. વાત અહીંથી અટકી નહિ. દોષની સજા તરીકે ટીચરે તેની પાસે આખો નિબંધ ફરી લખાવ્યો. આ વખતે નિબંધમાં વિદ્યાર્થીના સ્વતંત્ર વિચારો પ્રગટ થતા ન હતા અને મૌલિકતા તો લગીરે ન હતી. ટૂંકમાં, નિબંધ ટેક્સ્ટબૂકને શબ્દશઃ અનુરૂપ હતો. હવે શિક્ષકે નિબંધ સ્વીકાર્યો, યોગ્ય માર્ક્સ આપ્યા અને ભવિષ્યમાં મૌલિકતાનું ડહાપણ ન ડહોળવાનું વચન પેલા વિદ્યાર્થી પાસે લીધું.
આ બનાવ સાથે ભારોભાર કોન્ટ્રાસ્ટ પેદા કરતું ઉદાહરણ દિલ્લીની બીજી એક પ્રતિષ્ઠિત સ્કૂલમાં જોવા મળે છે, જ્યાં બાળકોની મૌલિકતા, વિચારશક્તિ, સર્જનશક્તિ વગેરેને છૂટો દોર આપવા ટીચર કટિબદ્ધ છે. આમ છતાં ટેક્સ્ટબૂકલક્ષી એજ્યૂકેશન સિસ્ટમે ટીચરના હાથ બાંધી રાખ્યા છે. આ ટીચરની વિટંબણા પણ સાંભળોઃ ‘અત્યંત ખેદની વાત છે કે આપણી શિક્ષણ પદ્ધતિ પ્રેક્ટિકલને બદલે પુસ્તકિયા જ્ઞાન પર અવલંબે છે. પરિણામે અમારે વિદ્યાર્થીઓને લગભગ દૈનિક ધોરણે ઉપદેશ આપવો પડે છે કે સારા માર્ક્સ સ્કોર કરવા હોય તો તમારી ટેક્સ્ટબૂકને હંમેશાં વળગી રહેજો અને ટેક્સ્ટબૂકમાં ન હોય એવું કશું જ પેપરમાં લખતા નહિ…બાળકોનું આવું બ્રેઇનવોશિંગ ન ચાહીને પણ અમારે કરવું પડે છે, પરંતુ થાય શું ?’ઉપરોક્ત બેઉ પ્રસંગો એકમેકથી વિરુદ્ધ છે. એકમાં વિદ્યાર્થીની મજબૂરી છે, તો બીજામાં શિક્ષકની ફરિયાદ છે. પરંતુ બેય કિસ્સામાં ઉભરી આવતો આરોપી એક જ છેઃ આપણી ખોડખાંપણવાળી શિક્ષણપ્રણાલિ, જે વિદ્યાર્થીઓને તથા શિક્ષકોને ટેક્સ્ટબૂકના ખીલે મુશ્કેટાટ બાંધી રાખવામાં જ માને છે. અગાઉ નોંધ્યું તેમ એકવીસમી સદી જ્ઞાનની સદી છે. આ સદી માટે નવી પેઢીને તૈયાર કરવામાં અમેરિકા, જાપાન, જર્મની, દક્ષિણ કોરિયા, સિંગાપુર, ચીન વગેરે દેશો જ્યાં વિદ્યાર્થીની મૌલિકતા તેમજ વૈચારિક ઉત્ક્રાંતિ પર ભાર મૂકી રહ્યા છે ત્યાં આપણને કોણ જાણે કેમ, પણ એ પ્રકારની ક્રાંતિ મંજૂર નથી. ગોખણપટ્ટીના અને માર્કસ જરીપુરાણા ખ્યાલો ધરાવતી શિક્ષણ પદ્ધતિને ફગાવી દેવાનો સમય ક્યારનો પાકી ચૂક્યો હોવા છતાં કોણ જાણે કેમ, પણ એ શુભ કાર્યનું મૂહુર્ત આવતું જ નથી.
આ મૂહુર્ત (અને દેશની વિદ્યાર્થી પેઢીના અચ્છે દિન) હવે જલદી આવે તો સારું ! નોલેજ કમિશન ઓફ ઇન્ડિયાએ આપણી શિક્ષણપ્રણાલિની ખામીઓ દર્શાવતા તાજેતરમાં પ્રસ્તુત કર્યા એવા ઉદાસિનતાભર્યા રિપોટ્ર્સ વાંચીને ક્યાં સુધી હૈયાહોળી કર્યે રાખીશું ?