Jamnagar, તા.14
નવસારી તાલુકાના શાહુ ગામના મૂળ વતની અને હાલ ઓખાના આર.કે. બંદર વિસ્તારમાં રહેતા ઈશ્વરભાઈ સોમાભાઈ હળપતિ નામના 60 વર્ષના માછીમાર વૃધ્ધ ગત તા. 12 ના રોજ રાત્રિના સમયે બોટમાં સૂતા બાદ બોટ પર લઘુશંકા કરવા ઉઠ્યા હતા. ત્યારે એકાએક તેઓ દરિયાના પાણીમાં પડી જતા તેમનું મૃત્યુ નિપજ્યું હોવા અંગેની જાણ રતનજીભાઈ ટંડેલે ઓખા મરીન પોલીસને કરી છે.
અન્ય એક બનાવમાં નવસારી તાલુકાના મૂળ વતની એવા વિનોદભાઈ બંદુભાઈ પોલ નામના 50 વર્ષના માછીમાર પ્રૌઢ ગઈકાલે બુધવારે સવારના ચારેક વાગ્યાના સમય પોતાની બોટ પર લઘુશંકા કરવા માટે ઊઠતા તેઓ પણ દરિયાના પાણીમાં પડી જતા ડૂબી જવાના કારણે તેમનું મોત નિપજ્યું હતું.
ઉપરોક્ત બંને બનાવ સંદર્ભે ઓખા મરીન પોલીસે અકસ્માત મૃત્યુ અંગેની નોંધ કરી છે.
વૃધ્ધનું મૃત્યુ
ખંભાળિયાના શક્તિનગર વિસ્તારમાં રહેતા પ્રવિણસિંહ નવલસિંહ જાડેજા નામના 65 વર્ષના વૃદ્ધ ગઈકાલે બુધવારે તેમના ઘરે હતા, ત્યારે તેમને હૃદયરોગનો જીવલેણ હુમલો આવી જતા તેમનું મૃત્યુ નિપજ્યું હોવા અંગેની જાણ મૃતકના પુત્ર દિવ્યરાજસિંહ પ્રવિણસિંહ જાડેજા (ઉ.વ. 30, રહે. જામનગર) એ અહીંની પોલીસને કરી છે.
પ્રૌઢાએ ઝેરી દવા પી લેતા મૃત્યુ
ખંભાળિયા તાલુકાના કોઠા વિસોત્રી ગામની રહેતા અતિબેન કેશુભાઈ ચાવડા નામના 58 વર્ષના કોળી મહિલાએ ગત તા. 10 ના રોજ રાત્રિના સમયે કોઈ અગમ્ય કારણોસર પોતાના હાથે ઝેરી દવા પી લેતા વધુ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન તેમનું મૃત્યુ નિપજ્યું હતું. આ બનાવ અંગેની જાણ મૃતકના પતિ કેશુભાઈ રાણાભાઈ ચાવડાએ સલાયા મરીન પોલીસને કરી છે.