ગોળી વાગવાથી લોહીલુહાણ થયેલા આરોપીને પોલીસ બંદોબસ્ત હેઠળ સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો
Gandhinagar, તા.૨૦
ગાંધીનગરમાં પાંચ વર્ષની માસૂમ બાળકી પર દુષ્કર્મ આચરનારા નરાધમ સામે પોલીસે લાલ આંખ કરી છે. સેક્ટર-૨૪ વિસ્તારમાં બનેલી આ ઘટનાના આરોપીને જ્યારે પોલીસ ઘટના સ્થળે તપાસ માટે લઈ ગઈ હતી, ત્યારે તેણે ભાગવાનો પ્રયાસ કર્યો હતો. આ દરમિયાન મહિલા પોલીસ ઇન્સ્પેક્ટરે સ્વબચાવ અને આરોપીને રોકવા માટે ફાયરિંગ કરતા આરોપીને પગમાં ગોળી મારી છે.
આ ઘટનાની મળતી માહિતી પ્રમાણે, ૫ દિવસ પહેલા ગાંધીનગરના સેક્ટર-૨૪ સ્થિત ઈન્દિરાનગર છાપરા વિસ્તારમાં એક શરમજનક ઘટના બની હતી. રાત્રિના સમયે એક ૫ વર્ષની માસૂમ બાળકી જ્યારે લઘુશંકા માટે ઘરની બહાર નીકળી હતી, ત્યારે તકનો લાભ ઉઠાવીને હવસખોર તેને ઉઠાવી ગયો હતો અને તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું. આ ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં ભારે રોષ જોવા મળ્યો હતો.
ગાંધીનગર પોલીસે આ કેસને ગંભીરતાથી લઈને અલગ-અલગ ટીમો બનાવી તપાસ શરૂ કરી હતી. ટેકનિકલ સર્વેલન્સ અને સીસીટીવી ફૂટેજના આધારે પોલીસે આરોપીની ઓળખ કરી તેને દબોચી લીધો હતો. આ ઘટનાના આરોપીનું નામ રામસિંહ છે અને તે મૂળ બિહારનો વતની છે. આરોપી વ્યવસાયે સેક્ટર-૨૫ ય્ૈંડ્ઢઝ્રમાં આવેલી અમૂલ ડેરીમાં નોકરી કરતો હતો.
આજે પોલીસ આરોપી રામસિંહને લઈને સેક્ટર-૨૪ ઈન્દિરાનગર છાપરા ખાતે ‘ક્રાઈમ રીકન્સ્ટ્રક્શન’ અને પુરાવા એકત્ર કરવા માટે ગઈ હતી. પોલીસ તપાસ ચાલુ હતી તે દરમિયાન આરોપીએ પોલીસ જાપ્તામાંથી છૂટીને ભાગવાનો પ્રયાસ કર્યો હતો. આ સ્થિતિમાં સેક્ટર-૨૧ના મહિલા ૈઁં લતા દેસાઈએ સમયસૂચકતા વાપરી હતી. આરોપીને કાબૂમાં લેવા માટે તેમણે કુલ ત્રણ રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું, જેમાંથી એક ગોળી આરોપીના પગમાં વાગી હતી. આરોપીએ પોલીસ કસ્ટડીમાંથી ભાગવા માટે હિંસક પ્રયાસ કર્યો હતો, જેના પગલે કાયદો અને વ્યવસ્થા જાળવવા પોલીસ દ્વારા ફાયરિંગ કરવાની ફરજ પડી હતી.
ગોળી વાગવાથી લોહીલુહાણ થયેલા આરોપી રામસિંહને તાત્કાલિક અસરથી પોલીસ બંદોબસ્ત હેઠળ સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. માસૂમ બાળકી પર અત્યાચાર ગુજારનાર આરોપી સામે પોલીસે કરેલી આ કડક કાર્યવાહીની લોકોમાં પ્રશંસા થઈ રહી છે.

