Haryana ,તા,30
હરિયાણામાં પહેલા તબક્કાના મતદાન પહેલા રાજકીય માહોલ ગરમાયો છે. આજે (30મી સપ્ટેમ્બર) મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ હરિયાણામાં વિશાળ રેલી યોજી હતી. જ્યારે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધીએ પણ સંયુક્ત રેલી યોજી હતી. રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધીની વિજય સંકલ્પ રેલી દરમિયાન એક રસપ્રદ દ્રશ્ય જોવા મળ્યો હતા. કોંગ્રેસમાં હાલ ભૂપેન્દ્રસિંહ હુડ્ડા અને કુમારી સેલજા વચ્ચે અનબન ચાલી રહી છે. બંને નેતાઓ સીએમ પદને લઈને કોઈપણ પ્રકારની સમજૂતી કરવા માંગતા નથી. આ દરમિયાન આજે અલગ જ ચિત્ર જોવા મળ્યું હતું.
રાહુલ ગાંધીએ બંને નેતાઓના હાથ મિલાવ્યા
હરિયાણાના નારાયણગઢ રેલી પૂર્ણ થયા બાદ તમામ નેતાઓએ એકસાથે હાથ ઊંચા કરીને જનતાનું અભિવાદન કર્યું હતું. આ દરમિયાન કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીની એક તરફ કુમારી સેલજા અને બીજી તરફ ભૂપિંદર સિંહ હુડ્ડા ઊભા હતા. ત્યારબાદ રાહુલ ગાંધી પાછળ હટી ગયા અને બંને નેતાઓ સાથે હાથ મિલાવ્યો હતો. આ દરમિયાન લોકોએ તાળીઓના ગડગડાટથી વધાવી લીધા હતા.
કોંગ્રેસના ચૂંટણી ઢંઢેરાના લોન્ચિંગમાં સેલજા હાજર ન રહી
ઉલ્લેખનીય છે કે, કોંગ્રેસ પાર્ટીએ શનિવારે (28મી સપ્ટેમ્બર) સવારે ચંડીગઢમાં પોતાનો ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો. આ કાર્યક્રમમાં કુમારી સેલજા ઉપરાંત રણદીપ સુરજેવાલાએ અંતર જાળવી રાખ્યું હતું. ચૂંટણી ઢંઢેરાના કાર્યક્રમ દ્વારા ફરી એકવાર કોંગ્રેસની જૂથબંધી સ્પષ્ટ થઈ ગઈ હતી.