Ahmedabad,તા.23
અમદાવાદમાં એર ઈન્ડિયાના વિમાનને સર્જાયેલી દુર્ઘટનામાં હજુ શા માટે આ અકસ્માત થયો તેના કારણોની તપાસ ચાલુ છે. તે સમયે જ અમદાવાદથી દિવ જતી ઈન્ડિગો એરલાઈન્સની ફલાઈટના વિમાન એટીઆર-76માં એન્જિનમાં અચાનક જ આગ લાગતા ગંભીર પરીસ્થિતિ સર્જાઈ હતી અને વિમાનના પાયલોટે તુર્તજ કંટ્રોલ ટાવરને મેડે-મેડે મેસેજ આપ્યો હતો.
એરપોર્ટના સૂત્રોના જણાવ્યા મુજબ આ ઘટનાએ અમદાવાદમાં એરઈન્ડિયાની ફલાઈટને નડેલી દુર્ઘટનાની યાદ અપાવી હતી. સવારે 11 વાગ્યે આ વિમાન જેની ફલાઈટ નં. આઈજીઓ-7966 તરીકે જાહેર થઈ છે તે દિવ જવા માટે ટેકઓફની પોઝીશનમાં હતી.
તે સમયે જ તેના એન્જીનમાં આગના લબકારા જોવા મળ્યા હતા અને વિમાનમાં 60 મુસાફરો પ્રવાસ કરી રહ્યા હતા. પાયલોટે તુર્તજ ટેકઓફ અટકાવીને મુસાફરોને સલામત રીતે વિમાનમાંથી ઉતારવા માટે કન્ટ્રોલ ટાવરની મદદ માંગી હતી.
એરપોર્ટની સલામતી ટુકડીઓએ પણ ઝડપથી તમામ મુસાફરોને ઉતારી લીધા હતા. જે બાદમાં વિમાનના એન્જીનની આગ બુઝાવી દેવામાં આવી હતી. આ ઘટનાએ મુસાફરોમાં જબરો ગભરાટ ફેલાવી દીધો હતો.