ઓપરેશન સિંદૂર માત્ર એક ટ્રેલર હતું, પરંતુ તેણે સમગ્ર વિશ્વને સંદેશ આપ્યો કે ભારત તેના દુશ્મનોને કાબૂમાં રાખવાની ક્ષમતા ધરાવે છે
New Delhi,તા.૧૮
સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે ઉત્તર પ્રદેશના લખનઉમાં બ્રહ્મોસ એરોસ્પેસ યુનિટ દ્વારા આયોજિત એક કાર્યક્રમમાં મોટું નિવેદન આપ્યું હતું. તેમણે સ્પષ્ટતા કરી હતી કે ’ઓપરેશન સિંદૂર’એ સમગ્ર વિશ્વ સમક્ષ ભારતની તાકાત અને આત્મનિર્ભરતા સાબિત કરી દીધી છે. સાથે જ તેમણે જણાવ્યું હતું કે, ’પાકિસ્તાની પ્રદેશનો એક-એક ઇંચ હવે બ્રહ્મોસ મિસાઇલની પહોંચમાં છે.’
સંરક્ષણ મંત્રીએ જણાવ્યું હતું કે, ’ઓપરેશન સિંદૂર માત્ર એક ટ્રેલર હતું, પરંતુ તેણે સમગ્ર વિશ્વને સંદેશ આપ્યો કે ભારત તેના દુશ્મનોને કાબૂમાં રાખવાની ક્ષમતા ધરાવે છે. બ્રહ્મોસ મિસાઇલ હવે માત્ર એક હથિયાર નથી, પરંતુ ભારતની સ્વદેશી ક્ષમતાઓ અને તકનીકી કૌશલ્યનું પ્રતીક છે.’ આ ઉપરાંત તેમણે સુપરસોનિક મિસાઇલની ગતિ, ચોકસાઈ અને શક્તિને વિશ્વની શ્રેષ્ઠ પ્રણાલીઓમાંની એક ગણાવી અને તેને સેના, નૌકાદળ અને વાયુસેનાનો આધારસ્તંભ ગણાવ્યો.
લખનઉમાં બ્રહ્મોસ મિસાઇલ યુનિટની સ્થાપનાને લઈને રાજનાથ સિંહે કહ્યું હતું કે, ’લખનઉ હવે ફક્ત સંસ્કૃતિનું શહેર નથી, પરંતુ ટેકનોલોજી અને ઉદ્યોગનું કેન્દ્ર બની ગયું છે. આધુનિક સુવિધાનું ઉદ્ઘાટન ૧૧મી મે ૨૦૨૫ના રોજ કરવામાં આવ્યું હતું, અને માત્ર પાંચ મહિનામાં, બ્રહ્મોસ મિસાઇલોની પ્રથમ બેચ લખનઉથી પહોંચાડવામાં આવી રહી છે. આ યુનિટ વાર્ષિક આશરે ૧૦૦ મિસાઈલ સિસ્ટમ્સનું ઉત્પાદન કરશે, જે આર્મી, નેવી અને એરફોર્સ માટે ઉપલબ્ધ રહેશે. આ યુનિટ આશરે ૨૦૦ એકર વિસ્તારમાં ૩૮૦ કરોડ રૂપિયાના ખર્ચે બનાવવામાં આવ્યું છે અને તે સેંકડો લોકોને રોજગાર પણ પ્રદાન કરશે.’
રાજનાથ સિંહે યુનિટના ઈજનેરો, ટેકનિશિયનો અને સ્ટાફને આ વિશ્વાસ જાળવી રાખવાની પ્રાથમિક જવાબદારી સોંપી છે. તેમણે સ્પષ્ટતા કરી કે, ’બ્રહ્મોસ ફક્ત સશસ્ત્ર દળોની તાકાતનું પ્રતીક સહિત, તે સંદેશ પણ આપે છે કે ઉત્તર પ્રદેશ અને ભારત કોઈપણ આંતરિક કે બાહ્ય પડકારનો સામનો કરવા માટે સંપૂર્ણપણે તૈયાર છે.’