Kerala તા.26
કેરળ હાઈકોર્ટે હાલમાં જ એક મહત્વના ફેસલામાં સ્પષ્ટ કર્યું હતું કે એક મુસ્લિમ પતિ પોતાની પહેલી પત્નીને ભરણ પોષણ આપવાનો માત્ર એ આધાર પર ઈનકાર ન કરી શકે કે તેની બીજી પત્ની પણ છે અથવા તેનો દીકરો પહેલી પત્નીને આર્થિક મદદ કરી રહ્યો છે.
અદાલતે કહ્યું હતું કે મુસ્લિમ પર્સનલ લો અંતર્ગત બહુ વિવાહની મંજૂરી તો છે, પરંતુ આ માત્ર અસાધારણ પરિસ્થિતિઓમાં જ સંભવ છે અને પતિએ બધી પત્નીઓ સાથે સમાન અને ન્યાયપૂર્ણ વ્યવહાર કરવો પડશે.
બાર એન્ડ બેન્ચના રિપોર્ટ મુજબ ન્યાયમૂર્તિ કૌસર અંડપ્પગથે પોતાના ફેસલામાં ટિપ્પણી કરી હતી કે મુસ્લિમ કાનૂન મુજબ એકથી વધુ વિવાહ કોઈ અધિકાર નથી બલકે એક અપવાદ છે. વિવાહમાં બરાબરીનો અર્થ માત્ર ભાવનાત્મક નહીં, બલકે આર્થિક સમાનતા પણ છે. જો કોઈ વ્યકિત બધી પત્નીઓ સાથે ન્યાયપૂર્ણ વ્યવહાર કરવામાં સક્ષમ નથી તો તેણે એક જ લગ્ન કરવા જોઈએ-આ વાત કુરાનની આયાત (4ઃ3)માં પણ સ્પષ્ટ છે.
અદાલતે કહ્યું હતું કે જો કોઈ પતિ પોતાની પ્રથમ પત્નીની હયાતીમાં બીજા લગ્ન કરે છે તો તે પોતાની પહેલી પત્નીને આર્થિક સહાયતા ન આપવાનો તર્ક બીજી પત્નીની જવાબદારીના આધાર પર નથી દઈ શકતો. અદાલતના મુજબ બીજી પત્નીનું હોવું પહેલી પત્નીના ભરણ પોષણની જવાબદારીને ઓછી કે ખતમ નથી કરી શકતી.
ઉલ્લેખનીય છે કે, પહેલી પત્નીએ વર્ષ 2016માં ભરણપોષણની અરજી દાખલ કરી હતી. જેનું કહેવું હતું કે તેને કોઈ રોજગાર નથી અને પતિએ ખાડી દેશોમાં 40 વર્ષથી વધુ સમય સુધી કામ કર્યું છે એટલે તેની પાસે પર્યાપ્ત ધન છે.
ફેમિલી કોર્ટે પતિને મહિને 5000 રૂપિયાનું ભરણપોષણ આપવાનો આદેશ કર્યો હતો. જેની સામે પતિએ હાઈકોર્ટમાં ધા નાખી હતી. હાઈકોર્ટે પતિની અરજી ફગાવી દીધી હતી.

