,Surendranagar,તા.18
લીંબડી તાલુકાના ઘલવાણા ગામે રહેણાંક મકાનમાં ક્લીનીક ખોલી લોકોની સારવાર તેમજ આરોગ્ય સાથે ચેડા કરતા બોગસ ડોક્ટરને એલસોજી પોલીસે ઝડપી પાડયો છે. પોલીસે ક્લિનીકમાંથી રૃ.૧૪ હજારથી વધુનો મુદ્દામાલ ઝડપી પાડી કાર્યવાહી હાથ ધરી છે.
સુરેન્દ્રનગર જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં બોગસ ડોક્ટરનો રાફડો ફાટયો હોવાની ફરિયાદ ઉઠતા એસઓજી ટીમે લીંબડી તાલુકામાં પેટ્રોલિંગ હાથ ધર્યું હતું. જેમાં તાલુકના ધલવાણા ગામે બાતમીના આધારે રહેણાંક મકાનમાંથી કોઈ પણ જાતની ડિગ્રી કે તબીબી સર્ટીફીકેટ વગર લોકોની સારવાર કરી આરોગ્ય સાથે ચેડા કરતા બોગસ ડોક્ટર ક્રિષ્નાબાલા સંતોષબાલા (ઉ.વ.૩૭ રહે.ધલવાણા તા.લીંબડી (મુળ રહે.પશ્ચીમ બંગાળ)ને ઝડપી પાડયો હતો.
દરોડા દરમ્યાન પરનાળા પીએચસી સેન્ટરના મેડીકલ ઓફીસર એચ.એન.પરીખ સહિતનાઓ પણ ઉપસ્થિત રહ્યાં હતાં. જ્યારે બોગસ ડોક્ટરના અલગ-અલગ કંપનીની એલોપેથી દવા સહિત કુલ રૃા.૧૪,૭૦૦નો મુદ્દામાલ કબજે કર્યો હતો અને ઝડપાયેલ બોગસ ડોક્ટર વિરૃધ્ધ કાર્યવાહી હાથ ધરી છે.