Mumbai,તા.17
બેંગ્લુરુમાં યોજાયેલાં કોન્સર્ટ દરમિયાન સ્ટેજ નજીક પહોંચી ગયેલા ચાહકોે ભાન ભૂલીને સિંગર એકોનની પેન્ટ ખેંચવા માંડતાં એકોન ભારે અસ્વસ્થ થઈ ગયો હતો. જોકે, તેણે કોઈ આક્રમક પ્રત્યાઘાત આપ્યા વિના પેન્ટ ચડાવતાં ચડાવતાં ગાવાનું ચાલુ રાખ્યું હતુું.
આ સમગ્ર ઘટનાનો વિડીયો વાયરલ થયો છે અને એકોનના ચાહકો આ અંગે નારાજગી વ્યક્ત કરી રહ્યા છે. કેટલાકે કહ્યું કે આ ચોખ્ખેચોખ્ખી સતામણી છે. આવી અભદ્ર ચેષ્ટા કરનારા લોકોને ઓળખી કાઢી કડક પગલાં ભરાવાં જોઈએ.
‘છમક છલ્લો’ સહિતનાં ગીતો ગાઈ ચૂકેલો અમેરિકી સિંગર એકોન હાલ ઈન્ડિયા ટૂર પર છે. તા. ૧૪મી નવેમ્બરે બેંગ્લોરમાં તેનો શો હતો. તે દરમિયાન કેટલાક ભાન ભૂલેલા ચાહકોએ આ કૃત્ય કર્યું હતું.
આ કૃત્યથી વિશ્વભરમાં ભારતની ઈમેજ ખરડાઈ છે એમ એકોનના કેટલાક ચાહકોએ કહ્યું હતું. કેટલાકે કહ્યું હતું કે એકોન જેવા ઈન્ટરનેશનલ આર્ટિસ્ટ સાથે થયેલો વ્યવહાર ખરેખર દુર્ભાગ્યની વાત છે.

