Jasdan, તા.6
જસદણના રાણીંગપરમાં આર્થિક તંગીથી કંટાળી ખેડૂત જયસુખભાઈ સોસાએ આપઘાત કરી લીધો હતો. બે વીઘા જમીનમાં ખેતી કરી ગુજરાન ચલાવતા ખેડૂતે ઝેરી દવા પી પગલું ભર્યું હતું.
આ અંગે મળેલી વિગત મુજબ, જયસુખભાઈ ઘુસાભાઇ સોસા (ઉંમર વર્ષ 45)એ ગઈ તા.31 જુલાઈના રોજ રાત્રે આઠ વાગ્યાં આસપાસ, પોતાના ઘરે હતા ત્યારે ઝેરી દવા પી લીધી હતી. પરિવારજનોએ તાત્કાલિક તેમને પ્રથમ જસદણની પ્રાઇવેટ હોસ્પિટલ બાદ રાજકોટની મેડીકેર હોસ્પિટલ બાદ વધુ સારવાર માટે સરકારી હોસ્પિટલમાં બેભાન હાલતમાં સારવારમાં લાવતા અહીં બે દિવસની સારવાર બાદ જયસુખભાઈનું મોત નિપજ્યું હતું.
આપઘાતના કારણ અંગે પારિવારિક સંબંધી ગોરધનભાઈ પાસેથી વિગતો મળી હતી કે જયસુખભાઈને બે વીઘા જમીન હતી. સંતાનમાં બે બાળકોની જવાબદારી અને આર્થિક ભીંસની કેટલાક સમયથી ફરિયાદ કરતા હતા. જયસુખભાઈ ને દારૂ પીવાની ટેવ હતી. ત્રણ ભાઈ અને બે બહેનોમાં સૌથી નાના જયસુખભાઈના અંતિમ પગલાંથી બે બાળકો એ પિતાનું છત્ર ગુમાવ્યું છે. આ અંગે ભાડલા પોલીસે તપાસ હાથ ધરી હતી.