ઉત્પાદન ખર્ચ પણ માથે પડ્યોઃ ખેડૂતોએ બેન્કોમાંથી ધિરાણ અને વ્યાજે નાણાં લાવીને વાવેતર કર્યું હતું
Deesa, તા.૨૨
બનાસકાંઠામાં આ વર્ષે બટાકાના બજારભાવ તળિયે બેસી જતાં ખેડૂતોની સ્થિતિ કફોડી બની છે. મોંઘા ખાતર-દવા, બિયારણ, મજૂરી અને ધિરાણ લઈને પાક તૈયાર કરી કોલ્ડ સ્ટોરેજમાં મુકેલા બટાકાના યોગ્ય ભાવ ન મળતાં અને કોલ્ડ સ્ટોરેજના ભાડાં તેમજ ટ્રાન્સપોર્ટેશનનો ખર્ચ પણ ન નીકળતાં ખેડૂતો આર્થિક અને માનસિક તણાવમાં સરકી રહ્યા છે. આ પરિસ્થિતિને ધ્યાને લઈ ભારતીય કિસાન સંઘ દ્વારા ડીસા નાયબ કલેક્ટરને આવેદનપત્ર પાઠવીને સરકારને તાકીદે વિશેષ સહાય પેકેજ જાહેર કરવા માંગ કરાઈ છે.
ભારતીય કિસાન સંઘે જણાવ્યું છે કે, અગાઉ પણ રજૂઆતો કરવા છતાં સરકાર દ્વારા કોઈ સકારાત્મક પગલાં લેવાયા નથી. આવેદનપત્ર આપ્યાના સાત દિવસની અંદર જો સરકાર ખેડૂતો માટે વિશેષ રાહત પેકેજ જાહેર નહીં કરે, તો સમગ્ર જિલ્લામાં ખેડૂતો દ્વારા ઉગ્ર આંદોલન શરૂ કરાશે. આંદોલન દરમિયાન ઊભી થનારી તમામ વિષમ પરિસ્થિતિ માટે સંપૂર્ણ જવાબદારી રાજ્ય સરકારની રહેશે તેવી કડક ચેતવણી પણ આપવામાં આવી છે.કિસાન સંઘના આગેવાન મોહનલાલ માળીએ જણાવ્યું કે, હાલ બજારમાં ભાવ એટલા નીચા છે કે કોલ્ડ સ્ટોરેજનું ભાડું, બારદાન, લેબર ચાર્જ અને ટ્રાન્સપોર્ટનો ખર્ચ બાદ કરતાં ખેડૂતના હાથમાં કશું બચતું નથી, ઊલટાનું ખિસ્સામાંથી નાણાં ચૂકવવાનો વારો આવ્યો છે.
જ્યારે કિસાન સંઘના પૂર્વ પ્રમુખ હીરાજી માળીએ જણાવ્યું કે, પાકના યોગ્ય ભાવ ન મળતાં ખેડૂતો માટે બેંકોનું ધિરાણ ભરપાઈ કરવું પણ હવે અશક્ય બની ગયું છે. સરકારે તાત્કાલિક કોલ્ડ સ્ટોરેજ નું ભાડું માફ કરાવે અથવા ખેડૂતોનું ધિરાણ માફ કરે તો ખેડૂત બચી શકશે.ઉત્પાદન ખર્ચ પણ માથે પડ્યોઃ ખેડૂતોએ બેન્કોમાંથી ધિરાણ અને વ્યાજે નાણાં લાવીને વાવેતર કર્યું હતું. ખોદણી વખતે ખરીદદાર ન મળતાં બટાકા કોલ્ડ સ્ટોરેજમાં મૂકવાની ફરજ પડી હતી. હજુ પણ યોગ્ય ભાવ ના મળતાં ખેડૂતોને કુલ સ્ટોરેજનું ભાડું પણ મળવું મુશ્કેલ છે. ખેડૂતો દેવાદાર થઈ રહ્યા છે.

