Rajkot,તા.૨૬
ગત ૨૩ મે ૨૦૨૫ના રોજ રાજકોટ જિલ્લાના સરધાર ખાતે સીમ વિસ્તારમાં ૫૩ વર્ષીય ખેડૂત તેમજ પૂર્વ ઉપસરપંચ હરેશ સાવલિયાની ત્રિકમનો ઘા ઝીંકી શકદાર મનોજ દ્વારા હત્યા કરી હોવાનું સામે આવ્યું હતું. બનાવ સંદર્ભે રાજકોટ શહેર ક્રાઈમ બ્રાન્ચ દ્વારા મનોજ પલાસે (ઉ.વ.૨૯) નામના વ્યક્તિને મધ્યપ્રદેશ ખાતેથી ઝડપી પાડવામાં આવ્યો હોવાનું સામે આવ્યું છે. જેથી આ બનાવને લઈને હાલ જિલ્લામાં ચકચાર મચી જવા પામી છે. સાથે જ લોકો વિચારમાં મુકાઈ ગયા છે.
સમગ્ર મામલે એસીપી ક્રાઈમ ભરત બસિયા દ્વારા ન્યૂઝ ૧૮ ગુજરાતી સાથેની વાતચીતમાં જણાવવામાં આવ્યું હતું કે, મર્ડરના બનાવ સંદર્ભે રાજકોટ શહેર ક્રાઈમ બ્રાન્ચના પીઆઈ મેહુલ ગોંડલિયા, મનોજ ડામોર અને ચિરાગ જાદવ સહિતના અધિકારીઓ ગુનાને ઉકેલી કાઢવા માટે પ્રયત્નશીલ હતા. તેમજ અલગ અલગ ટીમો બનાવી જુદી જુદી દિશામાં તપાસ કરવામાં આવી રહી હતી. જે અંતર્ગત પીએસઆઈ વી.ડી. ડોડીયાની ટીમને ટેકનિકલ ઈન્ટેલિજન્સ તેમજ હ્યુમન સોર્સના માધ્યમથી માહિતી મળી હતી કે, હરેશ સાવલિયાનું મર્ડર કરનાર મનોજ હાલ તેના વતન મધ્યપ્રદેશ ખાતે નાસી ગયો છે. જેથી ટેકનિકલ સર્વેલન્સ તેમજ ઇન્ટેલિજન્સના માધ્યમથી હત્યા કરનાર મનોજને મધ્યપ્રદેશના ધાર જિલ્લાના દૂધીરપટ ગામ ખાતેથી ઝડપી પાડવામાં આવ્યો છે.
આરોપીની પૂછપરછમાં તેણે જણાવ્યું હતું કે, જમીન માલિક હરેશ સાવલિયા તેની પત્નીની મરજી વિરુદ્ધ તેની સાથે શારીરિક અડપલા કરતો હતો. તેમજ મનોજની પત્ની સાથે હરેશ જબરદસ્તી પૂર્વક સંબંધ પણ રાખવા માંગતો હતો. જેના કારણે મનોજ દ્વારા હરેશની હત્યા કરવામાં આવી હતી. આરોપીના ગુનાહિત ઇતિહાસ બાબતે ચકાસતા આરોપી વિરુદ્ધ મધ્ય પ્રદેશના પોલીસ સ્ટેશન ખાતે કુલ બે જેટલા ગુના નોંધાઈ ચૂક્યા છે. એમાંથી એક ગુનો એક્સાઈઝ એક્ટની કલમ મુજબ ૨૦૨૧ માં નોંધાયો હતો. જ્યારે કે બીજો ગુનો મારામારી તેમજ જાનથી મારી નાખવાની ધમકી સહિતની કલમ હેઠળ વર્ષ ૨૦૨૨માં નોંધાયો હતો.
ક્રાઈમ બ્રાન્ચની પૂછપરછમાં આરોપી મનોજ દ્વારા કબુલાત આપવામાં આવી છે કે, રાત્રિના સમયે હરેશ સાવલિયા વાડી ખાતે એકલો હતો. તે સમયે એકલતાનો લાભ લઈ તેને છાતીના ભાગે ત્રિકમ ઝીંકી તેની હત્યા નીપજાવી હતી. તેમજ ત્યારબાદ ઘટના સ્થળેથી પોતે પોતાના મધ્યપ્રદેશ ખાતે જવા રવાના થઈ ગયો હતો.
ઉલ્લેખનીય છે કે, હરેશ સાવલિયા સરધાર ગામ ખાતે પોતે ઉપસરપંચ તરીકે અગાઉ રહી ચૂક્યો છે. જેના કારણે તેની હત્યા થતા મોટી સંખ્યામાં લોકો પીએમ રૂમ ખાતે પણ ઉમટી પડ્યા હતા. મૃતકને સંતાનમાં બે જેટલા પુત્રો હોવાનો પણ સામે આવ્યું હતું.