Surendaranagar,તા.17
સુરેન્દ્રનગર શહેરના વઢવાણ ખાતે રહેતા મામાના ઘરે અવારનવાર આવતી બે સગીર બહેનો સાથે વઢવાણના બે યુવકો ફોનમાં મેસેજથી વાત કરતા હતા. આ અંગે બન્નેને સમજાવા બાબતે મહિલા અને તેમના ભત્રીજાને અપશબ્દો કહી, માર મારી, જાનથી મારી નાંખવાની ધમકી આપ્યાની પાંચ આરોપીઓ સામે ફરિયાદ નોંધાઈ છે.બનાવ અંગેની વધુમાં પ્રાપ્ત વિગતો મુજબ દસાડા ગ્રામ્યમાં રહેતા પરિવારની બે સગીર પુત્રીઓ સાથે વઢવાણના કૃણાલ રીતેશભાઈ દેથરીયા અને વિશુ ઉર્ફે ટકો જીતેન્દ્રભાઈ શીહોરા ફોનમાં વાતો કરતા હતા.
જેમાં સગીરાના મામાએ બન્નેને સમજાવવા માટે ફોન કર્યો હતો. આ વાતનું મનદુઃખ રાખી બન્ને યુવાનો તા. 1-9ના રોજ રાત્રે સગીરાના મામાના ઘરે આવ્યા હતા. અને અપશબ્દો કહી ઝઘડો કરવા લાગ્યા હતા. બાદમાં બન્ને તેમના ઘર તરફ જતા સગીરાના મામી તેમને સમજાવવા જતા હતા ત્યારે ચંદ્રીકાબેન રીતેશભાઈ દેથરીયાએ મરચાની ભુકી મહિલા પર નાંખી તેમને અપશબ્દો કહ્યા હતા.
જયારે કૃણાલે કુહાડીના હાથા વડે અને વિશુએ છરી વડે મહિલા પર હુમલો કર્યો હતો. અને જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. બીજી તરફ રીતેશ ગોરધનભાઈ દેથરીયા અને કિશન જીતેન્દ્રભાઈ શીહોરાએ અપશબ્દો કહી મહિલા પર લોખંડના પાઈપ વડે હુમલો કર્યો હતો.
જેમાં મહિલાનો ભત્રીજો વચ્ચે આવતા તેને પણ ઈજા પહોંચી હતી. આ બનાવમાં મહિલા અને ભત્રીજાને સારવાર માટે દવાખાને લઈ જવાયા હતા. આ ઉપરાંત આરોપીઓ માથાભારે હોઈ મહિલાએ ફરિયાદ કરી ન હતી. બાદમાં ગત તા. 12-9ના રોજ મોડી સાંજે તેઓએ કૃણાલ રીતેશભાઈ દેથરીયા, વિશુ ઉર્ફે ટકો જીતેન્દ્રભાઈ શીહોરા, ચંદ્રીકાબેન રીતેશભાઈ દેથરીયા, રીતેશ ગોરધનભાઈ દેથરીયા અને કીશન જીતેન્દ્રભાઈ શીહોરા સામે વઢવાણ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. બનાવની વધુ તપાસ એએસઆઈ એ.વી.દવે ચલાવી રહ્યા છે.