દારૂ-બિયર, કાર મળી કુલ રૂ. 8.60 લાખના મુદ્દામાલ સાથે આફતાબ કુરેશીની ધરપકડ
Jetpur,
પોલીસે લાખોનો દારૂ-બિયરના જથ્થા સાથે આફતાબ કુરેસીની ધરપકડ કરી દારૂ-બિયર અને કાર મળી કુલ રૂ.૮.૬૦ લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. જ્યારે કાર ચાલક નાસી છૂટતાં તેની શોધખોળ આદરી હતી.
દરોડાની વિગત મુજબ, જેતપુર ઉદ્યોગનગર પોલીસ જેતપુર તરફ આવનાર છે, જેથી તુરત જ સ્ટાફ જેતપુર, ભાદરના સામાકાંઠે, રેલ્વે પુલની નીચે વોચમાં હતાં ત્યારે ત્યાંથી પસાર થયેલ કારને અટકાવવાનો પ્રયાસ કરતાં કાર ચાલકે કાર ભગાડી દિધેલ હતી.
પોલીસની ટીમે તે કારનો પીછો કરતા કાર ચાલકે ભાદરના સામાકાંઠા વિસ્તારમાં ગલીમાં તેની કાર હંકારી મૂકતા પોલીસે પણ તેનો પીછો કર્યો હતો અને અંતે કાર ચાલકે પ્રકાશ ચોક થઈ ખુલ્લા સીનેમાની પાછળ રોડ ઉપર એક ઓટલામાં તેની કાર અથડાવી દિધી હતી. જે બાદ કાર ચાલક તથા બીજો શખ્સ ગલીઓમાં ભાગવા લાગતા એક શખ્સને પોલીસે પકડી લીધેલ અને બીજા શખ્સનો પોલીસે પીછો કરેલ પરંતુ તે અંધારાનો અને ગલીઓનો લાભ લઇ નાસી ગયેલ હતો.
પકડાયેલ શખ્સને ક્રેટા કાર પાસે લાવી તેનું નામ પુછતા પોતાનું નામ આફતાબ ઉર્ફે દાઉદ અમીન કુરેશી (ઉ.વ.૨૦, રહે. ભાદરના સામાકાંઠે, પટેલ ચોક, જેતપુર) હોવાનું જણાવેલ હતું. બાદમાં કારમાં તપાસ કરતાં તેમાં ડીકીમાં, વચ્ચેની સીટમાં તથા ડ્રાઈવરની સીટની બાજુની સીટ પાસે ખાખી બોક્ષ અને પ્લાસ્ટિકના બાચકાઓમાંથી દારૂ-બિયરનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે કુલ દારૂની ૪૮૦ બોટલ રૂ.૧.૦૭ લાખ અને બિયરના ૬૪૮ ટીન રૂ.૨.૩૩ લાખ અને કાર સહિતનો મુદ્દામાલ મળી કુલ રૂ.૮.૬૦ લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.
વધુમાં પોલીસે જણાવ્યું હતું કે, નાસી જનાર શખ્સ ક્રેટા કારનો ડ્રાઇવર કિશન મકવાણા (રહે. જેતપુર) હતો. પોલીસે દારૂનો જથ્થો ક્યાંથી લવાતો હતો અને ક્યાં સપ્લાય કરવાનો હતો તે અંગે માહિતી મેળવવા તજવીજ હાથ ધરી છે.