Ahmedabad,તા.૧૯
જ્યારે જ્યારે અમદાવાદમાં કલેકટર અધ્યક્ષતામાં સંકલન સમિતિ બેઠક મળે ત્યારે ત્યારે અશાંત ધારા અંગે રજૂઆત ધારાસભ્ય કરે છે. ધારાસભ્ય રજૂઆત છતાં તંત્ર જાણે ખ્યાલ ના હોય તેવું બનતું હોય છે. આવું તાજેતરમાં અમદાવાદ શહેરના પાલડી વિસ્તારમાં અશાંતધારાના નિયમોનો ભંગ થયો હોવાનું પ્રકાશમાં આવ્યું છે. વાત જાણે એવી છે કે, અમદાવાદના પાલડીમાં વિસ્તારમાં કોચરબ આશ્રમ પાસે નૂતન સર્વોદય સોસાયટીના આવેલી છે. આ નૂતન સર્વોદય સોસાયટીમાં આવેલા બંગલાઓ હિન્દુ રહીશો દ્વારા લઘુમતી સમાજના વ્યક્તિને વેચી દેવામાં આવ્યા હતા. જેનો બાનાખત પણ થયો હતો.
જોકે સમગ્ર મામલો એલિસબ્રિજના ધારાસભ્ય અમિત શાહે ખ્યાલ આવતા તેમણે મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રી સહિતનાઓને અશાંતધારા નિયમોના ભંગ અંગે રજૂઆત કરી હતી. જેમાં જણાવ્યું હતું કે, પાલડીની નૂતન સર્વોદય સોસાયટીના મહત્તમ બંગલા સ્થાનિક હિંદુ રહીશો ડો. દિલીપ અંબાલાલ મોદી, સ્વ. હર્ષદભાઇ ભાઇશંકર જોષી, અપુર્વ અમૃતભાઇ જાની, કૌશીકાબેન કિરીટભાઇ ત્રિવેદી, રમેશભાઇ લાભશંકર ત્રિવેદી, ગિરીશ મણીભાઇ પટેલ, પ્રફુલચંદ્ર પ્રાણલાલ જેટલી, મુકેશ બળવંતરાય પંચોલી, સુનિતા રમણલાલ વ્યાસ દ્વારા તમામ પોતાની માલિકીના બંગલા લઘુમતી સમાજના મુસ્તુફામીયાં હુસેનમીયાં શેખને વર્ષ ૨૦૨૧માં વેચાણ આપવા માટે રજિસ્ટર્ડ બાનાખત કરવામાં આવ્યું હતું.
અશાંત ધારો લાગુ પડતો હોવા છતાં પણ કલેકટરની કોઈપણ પ્રકારની મંજૂરી લેવામાં આવી નહોતી. આ બાનાખત મામલે વિવાદ થતાં સમગ્ર પ્રકરણને જિલ્લા કલેકટર દ્વારા સુઓમોટો રીટ તરીકે લઇ સુનાવણી હાથ ધરાઇ હતી. તમામ જવાબદારને નોટીસ આપી સ્પષ્ટતા માગવામાં આવી હતી. જેમાં ૨૦૨૨માં તેમણે આ મકાનો વેચાણ માટે બાનાખત કરવામાં આવ્યું હોવાનું જણાયું હતું. અશાંત ધારા પરવાનગી માટે જે અરજી કરવામાં આવી હતી તે પશ્ચિમ ડેપ્યુટી કલેકટર દ્વારા નામંજૂર પણ કરવામાં આવી હતી. જે અંતર્ગત હવે નૂતન સર્વોદયના તમામ ૯ બંગલાના રજિસ્ટર્ડ થયેલા બાનાખત સિટી ડેપ્યુટી કલેકટર પશ્ચિમ અમદાવાદ દ્વારા રદબાતલ કરવાનો હુકમ કરવામાં આવ્યો હતો.
તમામ મિલકતોના જે પણ વળતર ચૂકવણી કરવામાં આવી હતી. તે મૂળ માલિકને પરત આપવા માટે અને કબજો છ મહિનામાં આપવા માટે જણાવ્યું હતું. આ ઉપરાંત પૂર્વ મંજૂરી વિના મિલકત તકદીર કરનાર શખસો વિરુદ્ધ ફોજદારી કાર્યવાહી કરવા તેમજ આ સોસાયટીના વહીવટ અને વ્યવહારો બાબતે પણ તપાસ કરી કાર્યવાહી કરવા માટેની સૂચના આપવામાં આવી છે. જેથી કલેક્ટરની પૂર્વ મંજૂરી વિના નિયમ વિરૂદ્ધ મિલકતોને તબદીલ કરવા બદલ જવાબદાર લોકો સામે ફોજદારી કાર્યવાહી કરવા માટેની પણ સાબરમતી મામલતદારને જાણ કરવામાં આવી છે. એલિસબ્રિજ વિધાનસભાના ભાજપના ધારાસભ્ય દ્વારા પણ આ મામલે રજૂઆતો કરવામાં આવી હતી. બાનાખત રદ કરવા અને પોલીસ ફરિયાદ અંગેનો નિર્ણય લેવામાં આવતા એલિસબ્રિજના ધારાસભ્ય અમિત શાહે મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રીનો આભાર માન્યો છે.

