Lucknow ,તા.15
અહીની લોકબંધુ હોસ્પિટલમાં સેક્ધડ ફલોર પર ગઈકાલે રાત્રે આગ ભભૂકી ઉઠતા અફડાતફડી મચી ગઈ હતી. આગ લાગવાથી ધુમાડાના ગોટેગોટા ફેલાઈ ગયા હતા. સાવચેતીના ભાગરૂપે બધા દર્દીઓને બહાર કાઢવામાં આવ્યા હતા અને સારવાર માટે અન્ય હોસ્પિટલોમાં ખસેડવામાં આવ્યા હતા.
ઘટનાની જાણ થતા પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. ઘટના બાદ નાયબ મુખ્યમંત્રી બૃજેશ પાઠક અને લખનૌ ડી.એમ. વિશાખ અય્યર પણ ઘટના સ્થળે પહોંચી ગયા હતા. ઉપમુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે લગભગ 200 દર્દીઓને અન્ય હોસ્પિટલમાં શિફટ કરવામાં આવ્યા છે.
લોકબંધુ હોસ્પિટલમાં આગ લાગ્યાની જાણ થતા જ મુખ્યમંત્રી યોગી આદીત્યનાથે પણ જાણકારી મેળવી હતી. હાલ આગની આ ઘટનામાં જાનહાનીની ખબર નથી. આગ શોર્ટસર્કીટના કારણે લાગી હોવાનું કહેવાય છે.
જાણકારી મુજબ આઈસીયુ બિલ્ડીંગમાં શોર્ટ સર્કીટથી આગ લાગી હોવાનું જાહેર થયું છે. આગ લાગ્યા બાદ ઘટનાસ્થળે ફાયર બ્રિગેડની 6 ગાડીઓ પહોંચી હતી અને આગ પર કાબુ મેળવી લેવાયો હતો.