Bengaluru,તા.20
દેશભરમાં હવામાન પોતાના અલગ-અલગ રૂપ બતાવે છે. આ દરમિયાન IMDએ અનેક રાજ્યો માટે એલર્ટ જાહેર કર્યુ છે. ભારતીય હવામાન વિભાગ (IMD)એ બેંગલુરૂ માટે ઓરેન્જ એલર્ટ અને કર્ણાટકના વિવિધ વિસ્તારોમાં યલો એલર્ટ જાહેર કર્યું છે. રવિવારે સાંજથી સોમવાર સવાર સુધી લગભગ 12 કલાકમાં 130 મીમી વરસાદથી બેંગલુરૂને ભારે નુકસાન થયું છે. અહીં ત્રણ લોકોના મોત નિપજ્યા છે, 500 ઘરોમાં પાણી ભરાઈ ગયા, 20થી વધુ તળાવો છલકાઈ ગયા છે. મહત્ત્વપૂર્ણ વિસ્તારોના ડઝનથી વધારે રસ્તા જળમાર્ગમાં ફેરવાઈ ગયા હતાં, અંડરપાસ અને ફ્લાઇઓવર પર પાણી ભરાઈ ગયા છે, વાહનવ્યવહાર પણ કલાકો સુધી ઠપ્પ રહ્યો અને બેંગલુરૂના અનેક વિસ્તારોમાં જાહેર સેવા ઠપ થઈ ગઈ છે.
ભારે વરસાદ અને વાવાઝોડાએ શહેરના દક્ષિણ, ઉત્તર અને પૂર્વ વિસ્તારોમાં તબાહી મચાવી દીધી હતી. હવામાન વિભાગે આવનારા પાંચ દિવસો સુધી બેંગલુરૂમમાં ભારે વરસાદનું અનુમાન લગાવ્યું છે. BBMPના ચીફ કમિશનર મહેશ્વર રાવે તેને એક દાયકામાં બીજા નંબરનો સૌથી વધુ વરસાદ ગણાવ્યો છે.
સોમવારે સાંજે 6.15 વાગ્યાની આસપાસ દક્ષિણ બેંગલુરૂમાં ડોલર્સ કોલોની, બીટીએમ લેઆઉટ 2જી સ્ટેજમાં આવેલા મધુવન એપાર્ટમેન્ટમાં ભરાયેલા વરસાદી પાણીને બહાર કાઢવાનો પ્રયાસ કરતી વખતે 63 વર્ષીય મનમોહન કામથ અને 12 વર્ષીય સુરક્ષા ગાર્ડના પુત્ર દિનેશનું વીજળીના કરંટથી મૃત્યુ થયું. પહેલા માળે રહેતા કામથે પાણી બહાર કાઢવા માટે મોટર ખરીદી. તે જ સમયે, ગાર્ડ ભરતનો પુત્ર દિનેશ કામથને મદદ કરવા બહાર આવ્યો. જ્યારે મોટર પ્લગ ઇન કરવામાં આવી, ત્યારે બંનેને ઇલેક્ટ્રિક કરંટ લાગ્યો. અન્ય રહેવાસીઓ તેને તાત્કાલિક હોસ્પિટલમાં લઈ ગયા, પરંતુ ત્યાં સુધી ઘણું મોડું થઈ ગયું હતું. નોંધનીય છે કે, દિનેશ ત્રણ મહિના પહેલા તેના માતા-પિતા સાથે નેપાળથી બેંગલુરુ આવ્યો હતો.