Nepalતા.૧૦
નેપાળના રાસુવા જિલ્લામાં ચોમાસાના વરસાદને કારણે નદીમાં પૂર આવવાથી ઓછામાં ઓછા ૯ લોકોના મોત થયા છે અને ૧૯ અન્ય લોકો ગુમ થયા છે. ઉપરાંત, દેશને ચીન સાથે જોડતો “ફ્રેન્ડશીપ બ્રિજ” પૂરને કારણે ધોવાઈ ગયો છે. સોમવારે રાત્રે ચીનમાં પડેલા મુશળધાર વરસાદને કારણે નેપાળમાં ભોટેકોશી નદીમાં પાણી ભરાઈ ગયા હતા. નેશનલ ડિઝાસ્ટર રિસ્ક રિડક્શન એન્ડ મેનેજમેન્ટ ઓથોરિટીના ડિરેક્ટર જનરલ દિનેશ ભટ્ટે પત્રકારોને જણાવ્યું હતું કે, “અત્યાર સુધીમાં ૯ લોકોના મોત થયા છે, એક વ્યક્તિ ઘાયલ થયો છે, ૧૯ લોકો ગુમ થયા છે અને ૫૭ લોકોને બચાવી લેવામાં આવ્યા છે.”
નેપાળ સરકારે પૂરમાં માર્યા ગયેલા લોકોના પરિવારોને ૨ લાખ રૂપિયાનું વળતર આપવાની જાહેરાત કરી છે. ગુમ થયેલા લોકોમાં છ ચીની નાગરિકો અને ત્રણ પોલીસકર્મીઓનો સમાવેશ થાય છે. ભટ્ટે જણાવ્યું હતું કે મંગળવારે કાઠમંડુથી ૧૨૦ કિમી ઉત્તર-પૂર્વમાં આવેલા રાસુવા જિલ્લાના કેટલાક ભાગોમાં આવેલા અચાનક પૂરથી મિતેરી પુલ, રાસુવાગાધી હાઇડ્રોપાવર પ્લાન્ટ અને નેપાળ-ચીન સરહદ નજીક સ્થિત ’ડ્રાય પોર્ટ’ના કેટલાક ભાગો સંપૂર્ણપણે નુકસાન થયું હતું. મંગળવારે સવારે ૩.૧૫ વાગ્યે આવેલા પૂરમાં મિતેરી પુલ ધોવાઈ ગયો હતો.
નદીના પૂરમાં ૨૩ કાર્ગો કન્ટેનર, છ કાર્ગો ટ્રક અને ૩૫ ઇલેક્ટ્રિક વાહનો પણ વહી ગયા હતા. પૂરથી જિલ્લામાં ચાર હાઇડ્રોપાવર પ્રોજેક્ટ્સને નુકસાન થયું હતું, જેનાથી રાષ્ટ્રીય પાવર ગ્રીડને ઓછામાં ઓછા ૨૧૧ મેગાવોટ વીજળીનો પુરવઠો પ્રભાવિત થયો હતો.