Sydney, તા. 22
ઓસ્ટ્રેલિયાનાં ભૂતપૂર્વ ઓપનિંગ બેટ્સમેન ડેવિડ વોર્નરની ક્રિકેટ કારકિર્દી ફરી એકવાર મુશ્કેલીમાં મુકાઈ ગઈ છે. સિડનીની એક સ્થાનિક અદાલતમાં તેમનાં વકીલે દારૂ પીને વાહન ચલાવવાના (ડ્રિંક એન્ડ ડ્રાઇવ) કેસમાં ગુનો કબૂલી લીધો છે. પોલીસ રિપોર્ટ મુજબ, એપ્રિલ મહિનામાં ઈસ્ટર સનડે દરમિયાન પોલીસ ચેકિંગ જોઈને વોર્નરે પોતાની ગાડી રસ્તામાં જ રોકી દીધી હતી.
ત્યારબાદ પોલીસે કરેલી તપાસમાં તેમનાં લોહીમાં દારૂનું પ્રમાણ નિયમ કરતાં બમણાથી પણ વધુ મળી આવ્યું હતું. વોર્નરે પોતાનાં વકીલ મારફતે સ્વીકાર્યું છે કે ટેક્સી કરવાને બદલે જાતે ગાડી ચલાવવાનો તેમનો આ નિર્ણય એક મોટી ભૂલ હતો. આ ગુના બદલ કોર્ટ 18 ઓગસ્ટે પોતાનો આખરી ચુકાદો સંભળાવશે, જેમાં વોર્નરને 9 મહિના સુધીની જેલ, દંડ અને 6 થી 12 મહિના સુધી ડ્રાઇવિંગ લાયસન્સ રદ થવાની સજા થઈ શકે છે.
આ કાનૂની કાર્યવાહી બાદ હવે તેમની ’સિડની થંડર’ ટીમની કેપ્ટનશીપ પર પણ તલવાર લટકી રહી છે. વર્ષ 2018ના બોલ-ટેમ્પરિંગ વિવાદ બાદ વર્ષ 2024માં જ વોર્નર પરથી કેપ્ટનશીપનો બેન હટાવાયો હતો. પરંતુ ક્રિકેટ બોર્ડ સુરક્ષિત ડ્રાઇવિંગના નિયમોને ખૂબ ગંભીરતાથી લેતું હોવાથી, હવે તેમની કેપ્ટનશીપ પાછી ખેંચાય તેવી પૂરી શક્યતાઓ છે.

