New Delhi,તા.23
લોર્ડ્સ ખાતે ઇંગ્લેન્ડ સામેની ત્રીજી અને નિર્ણાયક વનડેમાં ભારતનો 27 રનથી પરાજય થયો હતો. આ હાર સાથે ટીમ ઇન્ડિયા ત્રણ મેચની શ્રેણી 1-2થી હારી ગઈ. આ હાર બાદ, ભૂતપૂર્વ ભારતીય મુખ્ય પસંદગીકાર અને 1983ના વર્લ્ડ કપ વિજેતા કૃષ્ણમાચારી શ્રીકાંતે મુખ્ય કોચ ગૌતમ ગંભીર અને ટીમ મેનેજમેન્ટ પર આકરા પ્રહારો કર્યા. શ્રીકાંતે ખાસ કરીને કેએલ રાહુલના બેટિંગ ઓર્ડર પર સવાલ ઉઠાવ્યા અને કહ્યું કે ટીમ મેનેજમેન્ટ તેની સાથે અન્યાયી વર્તન કરી રહ્યું છે.
શ્રીકાંતે પોતાની યુટ્યુબ ચેનલ પર કહ્યું કે, આટલા મોટા લક્ષ્યનો પીછો કરતી વખતે રાહુલને છઠ્ઠા નંબર પર મોકલવો એ સમજણ બહાર છે. તેમણે કહ્યું, “શું કોઈ 387 રનના લક્ષ્યનો પીછો કરતી વખતે કેએલ રાહુલને છઠ્ઠા નંબર પર મોકલે છે? આ ખેલાડીએ મુશ્કેલ રન ચેઝમાં ભારત માટે ઘણી મેચ જીતી છે. શું રાહુલ છઠ્ઠા નંબરનો બેટ્સમેન છે કે સાતમા નંબરનો?”
ગંભીર પર નિશાન સાધતા શ્રીકાંતે કહ્યું કે રાહુલ સાથે સંજુ સેમસન અને વૈભવ સૂર્યવંશી જેવો જ વ્યવહાર કરવામાં આવી રહ્યો છે. તેમણે કહ્યું, “જેવો તમે સંજુ સેમસન અને વૈભવ સૂર્યવંશીને નુકસાન પહોંચાડ્યું હતું, તેવો જ વ્યવહાર હવે તમે કેએલ રાહુલ સાથે પણ કરી રહ્યા છો. આ તેની સાથે મોટો અન્યાય છે. ગઈકાલે તેની બોડી લેંગ્વેજ પણ નર્વસ ખેલાડી જેવી લાગતી હતી.”
શ્રીકાંત માને છે કે, રાહુલને ચોથા નંબરે બેટિંગ માટે મોકલવો જોઈતો હતો. તેમના મતે, રાહુલ અને વિરાટ કોહલી વચ્ચેની ભાગીદારી ભારત માટે મેચ બદલી શકી હોત.તેમણે કહ્યું, “ભારતને તે સમયે જોસ બટલર જેવા ઇનિંગ્સ રમવાની ક્ષમતા ધરાવતા બેટ્સમેનની જરૂર હતી.
જો રાહુલ ચોથા નંબરે આવ્યો હોત, તો તે વિરાટ કોહલી સાથે ભાગીદારી કરી શક્યો હોત જેમ કે તેણે 2023 વર્લ્ડ કપમાં ઘણી વખત કરી હતી.”તેમણે વધુમાં કહ્યું, “મેચ લગભગ પૂરી થઈ ગઈ હતી ત્યારે રાહુલને બેટિંગ માટે મોકલવામાં આવ્યો હતો. જ્યારે ઓવર દીઠ 15 રનની જરૂર હતી ત્યારે તે અક્ષર પટેલ સાથે મેચ કેવી રીતે જીતી શક્યો હોત?”

