(નયના દવે દ્વારા)
Jamnagar તા.૧૯
Jamnagar શહેરના વિવિધ વિસ્તારોમાં પોલીસે પ્રોહિબિશનના ગુનાઓ સામે કાર્યવાહી કરતા ચાર અલગ-અલગ ગુનાઓ નોંધ્યા છે. આ કાર્યવાહીમાં ભારતીય બનાવટના વિદેશી દારૂની બોટલો, પાઉચ તથા વાહનો સહિતનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે.
સીટી-સી ડિવિઝનની સર્વેલન્સ સ્કોડે રોઝી પેટ્રોલ પંપ નજીક દરોડો પાડી એક યુવાનને જ્યુપીટર સ્કૂટરમાં ભારતીય બનાવટના વિદેશી દારૂની ૨૮ બોટલ સાથે ઝડપી પાડ્યો હતો. પોલીસે દારૂ અને વાહન સહિત અંદાજે ૫૩ હજારથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો હતો.
આ કેસમાં એક અન્ય આરોપી ફરાર હોવાનું જાણવા મળ્યું છે.બીજી કાર્યવાહીમાં શંકરટેકરી નહેરુનગર વિસ્તારમાં આવેલા રહેણાંક મકાનમાંથી વિદેશી દારૂની ૧૮ બોટલ મળી આવી હતી. જોકે આરોપી સ્થળ પરથી ફરાર થઈ ગયો હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે.સીટી-એ ડિવિઝનની સર્વેલન્સ ટીમે મહાપ્રભુજીની બેઠક નજીકથી બે શખ્સોને જ્યુપીટર સ્કૂટરમાં વિદેશી દારૂના ૪૮ પાઉચ સાથે ઝડપી પાડ્યા હતા. પોલીસે દારૂ તથા સ્કૂટર સહિતનો મુદ્દામાલ કબજે કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
આ ઉપરાંત તુલસી ટ્રાવેલ્સ નજીક જાહેર રોડ પરથી એક વ્યક્તિને વિદેશી દારૂના પાઉચ સાથે ઝડપી પાડવામાં આવ્યો હતો. પોલીસે તેની સામે પણ પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી કાર્યવાહી કરી છે.જામનગર શહેર પોલીસ દ્વારા પ્રોહિબિશનના ગુનાઓ સામે સતત દેખરેખ રાખી કાર્યવાહી કરવામાં આવી રહી છે. ચારેય બનાવોમાં પોલીસે કુલ દારૂનો જથ્થો તથા વાહનો સહિતનો મુદ્દામાલ કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે.

