Fraud Mafia: ફીનાઇલનો ફેરિયો કે ફોરેન બઁકોનો ફ્રોડ એજન્ટ?-Part 11
કલ્પેશભાઈ દેસાઈ
વૈશાલીની નોકરીના પ્રથમ દિવસના અંતે જ્યારે તે રિક્ષામાં ઘેર ગઈ ત્યારે તેણે રીક્ષા ડ્રાઇવરને એક ચિઠ્ઠી આપી, જે હાલ જાડેજા સાહેબ વાંચી રહ્યા હતા. અલબત્ત, એ રીક્ષા ડ્રાઇવર બીજો કોઈ નહીં પરંતુ, જાડેજા સાહેબનો કોન્સ્ટેબલ જ હતો અને જાડેજા સાહેબની યોજના મુજબ વૈશાલીને રોજ ઘરે આવવા જવા માટે જે રીક્ષાનો ઉપયોગ કરવાનો હતો, તે રીક્ષા જાડેજા સાહેબના કોન્સ્ટેબલો દ્વારા જ ચલાવવામાં આવવાની હતી અને રીક્ષાની મુસાફરી દરમિયાન જ જાડેજા સાહેબ અને વૈશાલીએ એકબીજાને સંદેશાની આપ-લે કરવાની હતી. જેથી કોઈને શંકા પણ ના જાય અને જાડેજા સાહેબ દ્વારા ઘડવામાં આવેલ ફુલ પ્રુફ પ્લાનિંગમાં ક્યાંય પંચર પણ ન પડે.
આનંદ તરફથી છાંયાને મળેલ સૂચના મુજબ છાંયાએ વૈશાલીને કંપનીનું નામ, ઠામ અને રજીસ્ટ્રેશન નંબર માટે એક દિવસનો ટપો પાડવાનો હતો તેથી પ્રથમ દિવસે વૈશાલીની ચેમ્બરમાંથી નીકળ્યા પછી છાયા નવી ઓફિસમાં ફરકી જ નહીં જેથી તેણે વૈશાલીને કોઈ કારણ જણાવવું ન પડે. છાંયાએ દેવજી થકી વૈશાલી સુધી સંદેશો પહોંચાડ્યો કે, તે પોતે આજે અગત્યના કામમાં બીઝી હોય નવી ઓફિસમાં નહીં આવી શકે અને બાજુના ફ્લેટમાં જ રહેશે. છાયા તરફથી મળેલા સંદેશા બાદ વૈશાલી એ ખાસ કશું કરવાનું રહેતું ન હોવાથી પહેલો દિવસ તો હેમખેમ પસાર થઈ ગયો.
બીજા દિવસની સવારે નિત્યક્રમ મુજબ વૈશાલી જાડેજા સાહેબ દ્વારા રીક્ષા ડ્રાઇવરના સ્વાંગમાં મોકલવામાં આવેલ કોન્સ્ટેબલની સાથે પોતાની નોકરીના સ્થળ એટલે કે, એપાર્ટમેન્ટમાં આવેલી ફ્રોડ કોલ સેન્ટરની ઓફિસે પહોંચી. મુસાફરી દરમિયાન જ રીક્ષા ડ્રાઇવરના સ્વાંગમાં રહેલ કોન્સ્ટેબલ દ્વારા વૈશાલીને જાડેજા સાહેબના તે દિવસના પ્લાનિંગનો સંદેશો મળી ગયો હતો.
નવા ફ્લેટમાં આવેલી ઓફિસમાં પહોંચી દેવજીને ‘ગુડ મોર્નિંગ’ કહ્યા પછી છાંયા ન આવે ત્યાં સુધી ખાસ કશું કરવા જેવું કામ વૈશાલી પાસે હતું નહીં તેથી તેણે ઔપચારિક રીતે કોમ્પ્યુટર ચાલુ કર્યું જેમાં ઇન્ટરનેટ પણ ન હતું. ખાસ્સા એવા સમય પછી છાંયાએ ઓફિસમાં પ્રવેશ કર્યો, છાંયા આજે જાણી જોઈને ‘લેઇટ’ આવી હતી જેથી તેણે વૈશાલીના બિનજરૂરી પ્રશ્નોના જવાબ આપવા ન પડે.
“ગુડ મોર્નિંગ વૈશાલી કેમ છે?”
“ગુડ મોર્નિંગ મેડમ, આજે તમે બહુ પ્રભાવશાળી લાગો છો”
વૈશાલીએ પોતાની આવડત અને અનુભવ મુજબ છાયા તરફ સવારની શરૂઆતમાં જ પ્રશંસાના પુષ્પો વેર્યા.
“વૈશાલી તું પણ ખૂબ જ લકી છે. આજે હું તને આપણી કંપનીના મેનેજિંગ ડિરેક્ટર સાથે મેળવવાની છું અને તું પહેલી એવી એમ્પ્લોયી છે કે, જેને નોકરીના બીજા જ દિવસે સીધા જ કંપનીના મેનેજિંગ ડિરેક્ટરને મળવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું હોય.” છાંયાએ પણ પોતાની આવડત અને અનુભવ મુજબ વૈશાલીને પ્રભાવિત કરવાનો પ્રયાસ કર્યો.
“ઓહ! રીયલી મેડમ?”
વૈશાલી એ પણ ખુરશીમાંથી ઊભા થઈ અને પોતાની આંખો મોટી કરી જાણે બહુ જ ઉત્તેજિત થઈ હોય તેવો પ્રતિભાવ છાંયાને આપ્યો.
“મે’મ આઈ એમ સો એક્સાઇટેડ એન્ડ લિટલ નર્વસ ઓલસો, સર મને શું પૂછશે?, હું સરને સરખા આન્સર આપી તો શકીશ ને? કોઈપણ કારણસર સર મને રિજેક્ટ તો નહીં કરે ને? મે’મ પ્લીઝ તમે મારી સાથે રહેજો અને બધું સંભાળી લેજો. મારે આ નોકરીની ખૂબ જરૂર છે હો ને મે’મ પ્લીઝ…”
પોતે કંપનીના મેનેજિંગ ડિરેક્ટરને મળવા માટે આતુર પણ છે અને પ્રભાવિત પણ છે તે બતાવવા માટેના અભિનયમાં વૈશાલી એ પૂરો પ્રાણ રેડી દીધો.
“ડોન્ટ વરી વૈશાલી, સરને મારા સિલેક્શન પર સો ટકા વિશ્વાસ છે અને તું મારી ચોઇસ છો. તને મેં સિલેક્ટ કરી છે, એટલે તારી નોકરીને ઉની આંચ પણ નહીં આવે, જા પ્રોમિસ.”
જ્યારે હકીકત તો એ હતી કે છાંયાને વૈશાલીની ગરજ હતી, પરંતુ તે તેની પર જાહેર થવા દેવા માંગતી ન હતી.
છાયા અને વૈશાલીને વાતો કરતા કરતા આશરે અડધો થી પોણો કલાક જેવો સમય વીત્યો હશે ત્યાં બાજુની ઓફિસમાંથી પટાવાળો આવી અને સમાચાર આપી ગયો કે, સાહેબ આવે છે.
પટાવાળાની સૂચના પછી નવી ઓફિસમાં રહેલા કર્મચારીઓ વૈશાલી અને દેવજી એટેન્શનમાં આવી ગયા.
થોડી જ વારમાં ઓફિસમાં આનંદ ભાવનગરીની એન્ટ્રી થઈ.
સ્ટાઇલિશ કપડા, બ્રાન્ડેડ શૂઝ, એક હાથમાં મોંઘી ઘડિયાળ અને બીજા હાથમાં ચમકતા સોનાના ભારે ભરખમ બ્રેસલેટ, આંખો પર ઉડીને આંખે વળગે એવા અતિ મોંઘા રિમલેસ વ્હાઈટ ગ્લાસીસ.
થોડી સેકન્ડ માટે તો વૈશાલી આનંદને જોઈ ખરેખર પ્રભાવિત થઈ ગઈ, પરંતુ, તરત જ તેણે પોતાની જાત પર સંયમ કેળવ્યો અને બાકીની સેકન્ડો માટે પ્રભાવિત થવાનું નાટક આગળ વધાર્યું એટલામાં છાંયા વૈશાલી પાસે આવી અને બંનેનો એકબીજાને પરિચય કરાવ્યો.
“વૈશાલી, આ છે આનંદ સર, આપણી કંપનીના મેનેજિંગ ડિરેક્ટર.”
ત્યાર પછી છાંયાએ આનંદ તરફ નજર ફેરવી અને કહ્યું,
“સર, આ વૈશાલી છે આપણી નવી હ્યુમન રિસોર્સ મેનેજર.”
“વેરી ગુડ મોર્નિંગ સર, આઈ એમ સો લકી ટુ મીટ યુ ટુડે.”
વૈશાલી એ બહુ જ વિનમ્રતા સાથે પોતાનો જમણો હાથ આનંદ ભાવનગરી તરફ સેકહેન્ડ કરવા માટે લંબાવ્યો.
“વેલકમ વૈશાલી, વેલકમ ટુ ધ વર્લ્ડ ઓફ ડ્રીમ્સ, હોપ્સ એન્ડ અનલિમિટેડ પોસીબીલિટીસ.”
આનંદ ભાવનગરીએ પણ વૈશાલી સાથે હાથ મિલાવતા વૈશાલીનું સ્વાગત કર્યું, પરંતુ આનંદ તરફથી બોલાયેલા શબ્દો તેની વાક્છટા અને બોડી લેંગ્વેજ સાથે તેનો કોન્ફિડન્સ જોતા વૈશાલીને એક વાત તો પહેલી જ મુલાકાતમાં સમજાઈ ગઈ કે, આનંદ સાથે ડીલ કરવી એ સરળ નથી. જેટલી સહેલાઈથી તેણે છાંયાને પોતાના વિશ્વાસ અને લપેટામાં લઈ લીધી હતી તેના કરતાં અનેક ગણું ચેલેન્જીંગ આનંદનો વિશ્વાસ જીતવાનું બની રહેશે.
આનંદ અને છાંયાએ પોતપોતાની બેઠક સંભાળી. પરંતુ, વૈશાલી વિનમ્રતાપૂર્વક સામે ઊભી રહી.
“આવ વૈશાલી, તું પણ બેસ.”
“થેન્ક્યુ સર.”
કહી વૈશાલીએ પણ પોતાની બેઠક લીધી.
“ક્યારથી જોઈન્ટ કર્યું?”
“સર, આજે બીજો જ દિવસ છે.”
“ઓ.કે. આની પહેલા ક્યાં કામ કર્યું છે?”
“સર, આની પહેલા એક વર્ષ માટે ‘જોબ્સ ફોર સ્યોર’ નામની અમદાવાદની સૌથી જાણીતી જોબ પ્લેસમેન્ટ કંપનીમાં ઇન્ટર્નશિપ કરી છે. ત્યાં મારી પરમેનેન્ટ જોબ ન હતી. પરંતુ, ડીગ્રી કોર્સના એક પાર્ટ રૂપે મને ત્યાં કામ કરવાની તક મળી હતી.”
વૈશાલી અને આનંદ બંન્નેએ વાતચીત દરમિયાન આઈ કોન્ટેક્ટ સતત જાળવી રાખ્યો હતો. બહુ જ ટૂંકી પણ મુદ્દાસર વાતચીત ચાલી રહી હતી.
છાંયાએ તને કામ તો સમજાવી દીધું છે. તો તને શું લાગે છે કે તું તારી આવડત અને અનુભવનો ઉપયોગ કરી, આપણી કંપનીની જરૂરિયાત મુજબના કર્મચારીઓની કેટલા સમયમાં ભરતી કરી શકીશ?”
વૈશાલી સમજી ગઈ કે, ‘આપણી કંપની’ શબ્દ પ્રયોગ કરી આનંદ આત્મીયતા કેળવવાનો પ્રયાસ કરી રહ્યો છે.
“થેન્ક્યુ, વેરી મચ સર, કે તમે મને પરિવારની એક સભ્ય જ ગણી. હું તમને ખાતરી આપું છું સર કે, હું પૂરી લગનથી મારું કામ કરીશ અને લગભગ એક વીકમાં તમને રીઝલ્ટ આપવાની શરૂઆત કરી દઈશ.”
“વેરી ગુડ વૈશાલી, તારો કોન્ફિડન્સ જોતા તારી એક નાનકડી પરીક્ષા લેવાનું મન થાય છે બોલ છો તૈયાર?”
આનંદ પણ પૂરી તૈયારી સાથે આવ્યો હતો. તેણે જાળ બિછાવવાની શરૂઆત કરી.
“સર, તમે મને મારા એવા જરૂરિયાતના સમયે નોકરી આપી છે કે, તમે કંઈ પણ કહેશો તે વિના વિચારીએ હું તમને તાત્કાલિક અસરથી કરી આપીશ.”
આનંદ સાથેના વાર્તાલાપમાં ખરેખર વૈશાલીના અનુભવની પરીક્ષા જ થઈ રહી હતી.
“સરસ, તો એક કામ કર, તું ધારી લે કે, આપણે આપણા જે બી.પી.ઓ. માટે કર્મચારીઓની ભરતી કરવાની છે, તે હજુ નવું જ શરૂ થઈ રહ્યું છે અને હજુ તેના રજીસ્ટ્રેશનની પ્રોસેસ બાકી છે તેમ છતાં આપણે રજીસ્ટ્રેશન આવ્યા પહેલા તેને ધમધમ તું કરી દેવું છે, તો તેના માટે કઈ પ્રકારની પ્રોફાઈલ કરી શકાય? આ જ તારી પહેલી પરીક્ષા છે. ચાલ નામ ઠામ અને રજીસ્ટ્રેશન વગરના આપણા બીપીઓના બિઝનેસ માટે તું તારી રીતે પ્રોફાઈલ તૈયાર કર અને તારા અંગત સંપર્કમાંથી કેટલા લોકોને એક અઠવાડિયામાં જોડી શકે છે તે જોઈ લઈએ.”
આનંદે પૂર્વ નિર્ધારિત યોજના મુજબ અતિ ચાલાકીથી પોતાની વાત રમતી મૂકી દીધી.
“સર, તમે આટલો વિશ્વાસ મૂક્યો છે એ જ બહુ છે. હું તમને એક વીક પહેલા જ કરી બતાવીશ. હવે તમે નિશ્ચિત થઈ જાઓ. પ્રોફાઈલ તૈયાર કરવાથી લઈ અને બધી જ જવાબદારી મારી. તમને એક વીક પહેલા જ રીઝલ્ટ મળી જશે અને જો રીઝલ્ટ નહીં મળે તો હું જોબ છોડી દઈશ અને એક વીકની સેલેરી લેવા પણ નહીં આવું.”
વૈશાલીએ પોતાનો આટલા વર્ષનો જોબ પ્લેસમેન્ટનો અનુભવ અને મનોવિજ્ઞાનના અભ્યાસનો પૂરેપૂરો નીચોડ ઉપરના એક વાક્યમાં ઠાલવી દીધો.
“ઠીક છે નેક્સ્ટ વીકે મળીએ છીએ.”
આટલું કહી વૈશાલીના જવાબની રાહ જોયા વગર આનંદ ઉભો થઈ, છાયા તરફ એક વિજેતાની અદાથી દ્રષ્ટિ ફેકી અને ફ્લેટની બહાર નીકળી ગયો.
“મેડમ, તમારો પણ ખૂબ ખૂબ આભાર. જો તમે મને તક ના આપી હોત તો આજે હું અહીં સુધી ન પહોંચી હોત.”
આનંદના ઓફિસમાંથી બહાર ગયા પછી વૈશાલીએ છાંયાનો પણ આભાર વ્યક્ત કરી લીધો.
• યોજના મુજબ જ અને ઝડપથી ચાલતી કામગીરી,
• મુખ્ય વ્યક્તિનું નામ આનંદ ભાવનગરી, અત્યંત ચાલાક, પ્રભાવશાળી અને સારું વાક્ચાતુર્ય.
• બે દિવસમાં શ્યામનો ઇન્ટરવ્યૂ.
• અનેક લોકો સાથે દેશ-વિદેશમાં ફોન ઉપર વાત કરી શકે તેવા કર્મચારીઓની જરૂરિયાત.
• મારો પર્સનલ મોબાઈલ વાપરવાની છૂટ, જેથી ગમે ત્યારે તમારી કે, ટીમના કોઈપણ લોકો સાથે એચ.આર. મેનેજર તરીકે વાત કરીશ તો સામે છેડેથી કેન્ડીડેટ બની રીપ્લાય આપવો.
એ દિવસની સાંજે ઉપર મુજબની નોંધ થયેલી ચિઠ્ઠી વૈશાલીએ રીક્ષા ડ્રાઇવરના સ્વાંગમાં રહેલ જાડેજા સાહેબના કોન્સ્ટેબલના હાથમાં મૂકી.
ક્રમશ: (વધુ આવતા મંગળવારે)